Western Times News

Gujarati News

કોરોનાએ રામલીલાના કલાકારોના પેટ પર લાત મારી

File Photo

અમદાવાદ: કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનના કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવતા અનેક કલાકારોને પણ આર્થિક નુકસાન થયુ છે. અમદાવાદના ખોખરામાં છેલ્લા ૫૮ વર્ષથી સતત યોજાતી રામલીલા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

રામલીલા દશેરા મહોત્સવ મંડળ દ્વારા વર્ષ ૧૯૬૨ થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા માત્ર સ્ટેજ બનાવી ભગવાનની પૂજા અર્ચના કરાશે. કોરોનાને લીધે ૫૯માં વર્ષે રામલીલાનું આયોજન ના થતા કલાકારો તેમજ સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, ડેકોરેશન, સાફ સફાઈ જેવા જુદા જુદા કામ સાથે સંકળાયેલા લોકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે.

રામલીલા માટે અન્ય રાજ્યોમાંથી ૨૦ જેટલા કલાકારો આવતા અમદાવાદ આવતા હતા. મથુરા, આગ્રા અને બિહારથી આવતા કલાકારોને રોજગારી મળતી હતી, પરંતુ કોરોનાએ તમામની આવક છીનવી લીધી. આ ઉપરાંત જે સ્થાનિક લોકો આ કામ સાથે જોડાયેલા હતા,

તે લોકોની રોજગારી પર બ્રેક લાગી છે. રામલીલા બાદ મંડળ દ્વારા દર વર્ષે દશેરા પર રાવણદહનનો કાર્યક્રમ પણ કરાતો હતો. જે આ વર્ષે મોકૂફ રખાયો છે. રાણ દહનમાં દરવર્ષે ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ લોકો એકઠા થતા હતા. પરંતુ કોરોના ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનનો કાર્યક્રમ પણ નહિ યોજવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી જાહેર ઉજવણી પણ કેન્સલ કરાઈ છે. આવામાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના કોઈ તહેવારો નહિ ઉજવાય. જેથી તહેવારો સાથે સંકળાયેલા બિઝનેસ કરતા લોકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.