Western Times News

Gujarati News

રીવરફ્રન્ટ ઈન્ટરસેપ્ટર લાઈનના કારણે “વોટર એરોડ્રોમ” માટે નવી જગ્યા ફાળવવામાં આવશે

એરોડ્રામના બીલ્ડીંગ માટે ઓછી જગ્યા મળતી હોવાથી ની જમીન માટે દરખાસ્ત રજુ થઈ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “વોટર એરોડ્રોમ”ના હેતુ માટે નાગરીક ઉડ્ડયન વિભાગને આંબેડકર બ્રીજ પાસે અંદાજે ચાર હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. નાગરીક ઉડ્ડયન વિભાગ દ્વારા જમીનનો ડીટેઈલ ટોપોગ્રાફીકલ સરવે કરાવવામાં આવ્યા બાદ કેટલાક ટેકનીકલ કારણોસર મંજુરીવાળી જગ્યાની સામેના ભાગમાં ફેરફાર કરવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી બાદ “વોટર એરોડ્રોમ”ની જગ્યામાં ફેરફાર કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આંબેડકર બ્રીજ (પશ્ચિમ) નીચે નાગરીક ઉડ્ડયન વિભાગને ૧૦ સપ્ટેમ્બરે ૪૦૪૭ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. રીવરફ્રન્ટ લીમીટેડ દ્વારા જે જમીન ફાળવવામાં આવી હતી તેમાં વરસાદી નાળા અને ઈન્ટરસેપ્ટર સુએજ લાઈન પસાર થતી હતી તથા લોઅર પ્રોમીનાડ પર બનાવવામાં આવેલા ઘાટ પર ધાર્મિક પ્રસંગોની ઉજવણી થતી હતી.

તેથી “વોટર એરોડ્રામ”ના કામ દરમ્યાન ઈન્ટરસેપ્ટર સુએજ લાઈનની જગ્યા ૧ર મીટર પહોળાઈમાં ખુલ્લી રાખવા તેમજ લોઅર પ્રોમીનાડ જનરલ પબ્લીક માટે મુક્ત રહે તે માટે ફ્રૂટ ઓવરબ્રીજ બનાવી સી-પ્લેનના પેસેન્જર્સને પ્લેનમાં બેસાડવાની વ્યવસ્થા કરવાની શરત રાખવામાં આવી હતી. જેનો તે સમયે સ્વીકાર કરવામાં આવ્યો હતો પરંતુ ટોપોગ્રાફીક સરવે બાદ કેટલીક ટેકનીકલ ક્ષતિઓ બહાર આવી હતી.

સુત્રોએ જણાવ્યા મુજબ વોટર એરોડ્રોમના કાયમી બાંધકામ માટે તૈયાર કરવામાં આવેલા નકશા મુજબ ઈન્ટરસેપ્ટર સુએજ લાઈનની ૧ર મીટરવાળી જગ્યા બાંધકામના મધ્યમાં આવી રહી છે તેથી ઈન્ટરસેપ્ટર લાઈન માટે જગ્યા રાખવી શક્ય નથી. વોટર એરોડ્રામના બાંધકામ દરમ્યાન કન્સલટન્ટ દ્વારા ટેમ્પરરી ટર્મીનલ બિલ્ડીંગનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રીવરફ્રન્ટ લીમીટેડ દ્વારા જે ૧ર મીટરની જગ્યા ખુલ્લી રાખવા શરત રાખવામાં આવી હતી તે પૈકી ૧.૧૭ મીટર જમીન ઓવરલેપ થાય છે. રીવરફ્રન્ટ લીમીટેડ દ્વારા ફાળવવામાં આવેલી જગ્યામાં ૧ર મીટર જગ્યા ખુલ્લી રાખવાથી ટર્મીનલના બાંધકામ માટે ઓછી જગ્યા ઉપલબ્ધ થાય છે તેમજ ઈન્ટરસેપ્ટ સુએજ ડક્ટ પસાર થતી હોવાથી વપરાશ માટેની જગ્યા બે ટુકડામાં વિભાજીત થાય છે જેનું કુલ ક્ષેત્રફળ ૧૬૩પ ચો.મી. થાય છે.

નાગરીક ઉડ્ડયન વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ નવી દરખાસ્ત મુજબ જમીનની ફાળવણી કરવામાં આવે તો એક જ ટુકડામાં ૧૯૦૧ ચો.મી. ઉપલબ્ધ થાય છે. જે હાલ ફાળવવામાં આવેલી જમીન કરતા ર૦ ટકા વધારે છે. તેથી સ્ટેન્ડીંગ કમીટી દ્વારા અગાઉ ફાળવવામાં આવેલી જમીનમાં ફેરબદલ કરી “વોટર એરોડ્રામ” માટે નવી જમીન ફાળવવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.