Western Times News

Gujarati News

પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિરની આરતીના ઓનલાઈન દર્શન

રાજકોટઃ 17 ઓક્ટોબરથી માતાજીની આરાધનાના સૌથી મોટા પર્વ નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. નવરાત્રિમાં ભક્તો વિશેષ પ્રકારે માતાજીની પૂજા-અર્ચના કરતાં હોય છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની પણ પરંપરા રહી છે કે પ્રથમ નોરતે છેલ્લા નવ વર્ષથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાય છે અને નવે નવ દિવસ માતાજીની આરતી, હવન અને ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહભેર મંદિરે ઉજવાય છે સાથે જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 20થી વધુ જગ્યાએ શ્રી ખોડલધામ રાસોત્સવનું પણ દર વર્ષે આયોજન કરાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે તમામ રાસોત્સવ અને પદયાત્રાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. તેવામાં ભક્તો ઘરે રહીને માતાજીની આરાધના કરી શકે તે માટે પ્રથમ નોરતે 17 ઓક્ટોબરના રોજ શ્રી ખોડલધામ મંદિરથી સંધ્યા આરતી ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ કરવામાં આવશે જેનો દેશ-વિદેશના ભક્તો લ્હાવો લઈ શકશે.

નવરાત્રિમાં ભક્તોને માતાજીના દર્શન અને આરતીનો લ્હાવો લેવાની વિશેષ ઇચ્છા હોય છે. પરંતુ હાલ મહામારીની કપરી પરિસ્થિતિમાં શ્રી ખોડલધામ મંદિરે વધુ લોકો એકઠાં ન થાય તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. જેને લઈને ભક્તો ઘરે બેઠાં જ માતાજીની આરતીના દર્શન કરી શકે તે માટે પ્રથમ નોરતે સંધ્યા આરતીના લાઈવ દર્શન ભક્તોને થઈ શકે તેવું આયોજન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરાયું છે. સાથે જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ઓફિશિયલ વેબસાઈટનું રિ-લોન્ચિંગ પણ કરાશે. પ્રથમ નોરતે સાંજે 6-30 કલાકે મંદિરેથી શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર આરતીના દર્શન લાઈવ કરવામાં આવશે. જેથી ભક્તો ઘરે રહીને જ માતાજીની આરતીનો લ્હાવો પરિવાર સાથે લઈ શકે. આથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભક્તોને અનુરોધ કરવામાં આવે છે કે પ્રથમ નોરતે સાંજે 6-30 કલાકે ખોડલધામ મંદિરની આરતીના ઓનલાઈન દર્શનની સાથે સાથે પોતાના ઘરે પણ આરતી કરે અને નવરાત્રિના પર્વનો પ્રારંભ કરે.

મહત્વનું છે કે, સરકારશ્રી દ્વારા તાજેતરમાં નવી ગાઈડલાઈન બહાર પડાઈ છે. જેમાં ધાર્મિક કાર્યક્રમોમાં 100 લોકો સુધીની મર્યાદામાં એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે. જેને આધિન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્ણય લેવાયો છે કે ખોડલધામ મંદિરે યોજાતા ધ્વજારોહણ કાર્યક્રમમાં હવેથી 100 લોકો સુધીની મર્યાદામાં ભક્તો જોડાઈ શકશે. ઉપરાંત શ્રી ખોડલધામ મંદિર પરિસરના અન્નપૂર્ણાલયને પણ ભક્તો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ભક્તોએ મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, ફરજિયાત માસ્ક પહેરવું, હાથ સેનિટાઈઝ કરીને જ મંદિરમાં પ્રવેશ સહિતની કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.