Western Times News

Gujarati News

ભારતીય થાળી પોષક થાળીમાં રૂપાંતરિત થશે

પ્રતિકાત્મક

તાજેતરમાં જૈવિક સુધારા સાથે તૈયાર કરવામાં આવેલી 8 પાકોની 17 પ્રજાતિઓ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે જેમાં 3.0 ગણા સુધી પોષણ મૂલ્યો સમાવિષ્ટ હશે. CR ધન 315 નામની ચોખાની જાતમાં ઝીંક વિપુલ પ્રમાણમાં છે; HI 1633 નામની ઘઉંની જાતમાં ભરપૂર પ્રોટીન, લોહતત્વ અને ઝીંક છે; ઘઉંની HD 3298 જાતમાં વિપુલ માત્રામાં પ્રોટીન અને લોહતત્વ છે જ્યારે DBW 303 અને DDW 48 જાતમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે છે;

લાઢોવાલ ગુણવત્તા પ્રોટીન મકાઇ સંકરજાત 1, 2 અને 3માં લિસાઇન અને ટ્રાઇપ્ટોફેન વિપુલ પ્રમાણમાં છે; લાલ જુવાર CFMV1 અને સંકરજાત -2માં કેલ્શિયમ, લોહતત્વ અને ઝીંકનું પ્રમાણ ભરપૂર માત્રામાં છે; જુવારની CLMV1 જાતમાં લોહતત્વ અને ઝીંક સારા પ્રમાણમાં છે; પુસા મસ્ટર્ડ 32 જાતમાં યુરિક એસિડનું પ્રમાણ ઓછુ હોય છે; મગફળીની ગિરનાર 4 અને 5 સંકરજાતમાં ઓલેઇક એસિડ વધુ હોય છે અને યામ જાત શ્રી નીલિમા અને DA 340માં ઝીંક, લોકતત્વ અને એન્થોસાયનીન ઘટકનું પ્રમાણ વધારે હોય છે.

અન્ય ખાદ્ય ઘટકોની સાથે મળીને આ તમામ જાતો, સામાન્ય ભારતીય થાળીને પોષક થાળીમાં રૂપાંતરિત કરશે. આ પ્રજાતિઓ સ્થાનિક જાતો અને ખેડૂતોની વૈવિધ્યતાઓનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે. ઊંચા પ્રમાણમાં ઝીંક ધરાવતા ચોખા આસામમાં ગારો પર્વતીય પ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલી સ્થાનિક જાતોમાંથી તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે ગુજરાતના ડાંગ જિલ્લામાંથી બિયારણ એકત્ર કરીને લાલ જુવારની જાત વિકસાવવામાં આવી છે.

પોષણ સંબંધિત સુરક્ષામાં વૃદ્ધિ કરવા અને ચોક્કસ સ્થાન આધારિત પોષણ બાગના મોડેલ તૈયાર કરવા માટે કૃષિને પોષણ સાથે જોડતી પારિવારિક કૃષિ અને પોષણ સ્માર્ટ ગામડાંઓનો પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ICAR દ્વારા પોષણ સંવેદનશીલ કૃષિ સંસાધનો અને નવાચાર (NARI) કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂરતા પ્રમાણમાં મેક્રો અને માઇક્રો ન્યૂટ્રીશન સાથે આરોગ્યપ્રદ અને વિવિધતાપૂર્ણ ભોજન સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઇ શકે તે માટે KVK દ્વારા પોષણ બાગના મોડેલનો વિકાસ કરીને તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

કુદરતી રીતે પોષક ઘટકોથી સમૃદ્ધ ભોજન દ્વારા કુપોષણની સમસ્યા નાબૂદ કરવા માટે અને ભારતને કુપોષણ મુક્ત બનાવવા માટે જૈવિક સુધારા સાથે તૈયાર કરવામાં આવેલી પાકની પ્રજાતિઓના ઉત્પાદનને વધારવામાં આવશે અને તેને મધ્યાહન ભોજન, આંગણવાડી વગેરે સરકારી કાર્યક્રમો સાથે સાંકળવામાં આવશે. આનાથી ખેડૂતોની કમાણીમાં પણ વધારો થશે અને ઉદ્યમશીલતા વિકાસ માટે નવા દ્વાર ખુલશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.