Western Times News

Gujarati News

સામાન્ય વર્ગને આર્થિક પેકેજનો શું ફાયદો ?

માત્ર ઉદ્યોગપતિઓ અને સરકારી કર્મચારીઓ માટે જાહેર કરાયેલા પેકેજાે

મધ્યમવર્ગના નાગરિકો ભારે મુશ્કેલીમાં : દેશમાં બેકારીનો દર સૌથી વધુ : અનેક નાગરિકોએ કોરોનાના કપરા કાળમાં નોકરી ગુમાવી તો અનેક લોકોના પગારમાં કાપ મુકાયો : દેશની કુલ વસ્તીના ર૮ટકા મધ્યમ વર્ગના લોકોમાં ખરીદ શક્તિનો અભાવ

દેશનું અર્થતંત્ર મજબુત કરવા મધ્યમવર્ગના લોકોને રાહત આપવી જરૂરી

વિશ્વભરના દેશોમાં કોરોનાની મહામારીના કારણે વ્યાપક પ્રમાણમાં નકારાત્મક અસરો જાેવા મળી રહી છે. હજારો નાગરિકોને કોરોના ભરખી ગયો છે જયારે લાખો નાગરિકો કોરોનામાં સપડાયા છે. વિકાસશીલ દેશો પણ કોરોનાના કપરા કાળમાં હચમચી ઉઠયા છે. અમેરિકામાં સૌથી ખરાબ પરિસ્થિતિ જાેવા મળી રહી છે. ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે ભારતમાં પ્રવેશ કર્યાં બાદ હાહાકાર મચાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને વધુ પ્રસરતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કર્યું હતું જેના પગલે તમામ ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હતાં શૈક્ષણિક પ્રવૃતિ પણ બંધ હતી. લોકડાઉનના પગલે અનેક ધંધા, ઉદ્યોગોને અબજાે રૂપિયાનું નુકસાન ગયું છે આ પરિસ્થિતિમાં લોકડાઉન નાંખવાના કારણે દેશનું અર્થતંત્ર ડગમગી ગયું હતું અનેક ઉદ્યોગપતિઓ તથા આર્થિક નિષ્ણાંતોએ અર્થતંત્રને મજબુત કરવા માટે વારંવાર સરકાર સમક્ષ સુચનો કરવા સાથે લોકડાઉન ઉઠાવી લેવાની રજુઆતો કરી હતી.

અર્થતંત્ર મજબુત કરવા માટે લોકડાઉન ઉઠાવી અનલોકની જાહેરાત કરવામાં આવી હતી અને તમામ ધંધા-રોજગારોને ક્રમશઃ છુટછાટ મળતાં પુનઃ ધમધમતા થવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે આર્થિક પેકેજાે જાહેર કર્યાં છે જેમાં સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું હતું અને તેના માટે રૂા.ર૦ લાખ કરોડની ફાળવણી કરી હતી. આ પેકેજમાં જુદા જુદા સેકટરો માટે રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય મંત્રાલયો દ્વારા કરાયેલી રજુઆતોને પગલે ઉદ્યોગોને પુનઃ બેઠા કરવા માટે રાહત પેકેજાે જાહેર કરાયા છે. છેલ્લે કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આર્થીક પેકેજ જાહેર કર્યું હતું પરંતુ આ બધા પેકેજાેમાં સામાન્ય નાગરિકોને કેટલો લાભ થશે તેની ગણતરી કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો જાણવા મળશે.

આ તમામ પેકેજાે માત્ર ઉદ્યોગ ક્ષેત્રો માટે જ છે તેવુ સ્પષ્ટપણે જાેવા મળી રહયું છે. નાણાંમંત્રીએ જાહેર કરેલા પેકેજમાં સરકારી કર્મચારીઓને પણ મહત્વપૂર્ણ આર્થિક લાભ આપવામાં આવ્યો છે પરંતુ દેશની ર૭ટકા મધ્યમવર્ગની જનતા માટે કોઈ જ નાણાંની ફાળવણી કરવામાં આવી નથી તેવું સ્પષ્ટપણે ચર્ચાઈ રહયું છે.
કોરોનાના કપરા કાળમાં લોકડાઉન નાંખવુ તે ખુબ જ હિતાવહ હતું અને લોકડાઉન ખુબ જ અસરકર્તા પણ સાબિત થયું છે. વસ્તીની ગીચતા જાેતા ભારત દેશમાં લોકડાઉનના કારણે કેસોની સંખ્યા ખુબ જ ઓછી નોંધાઈ છે. લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ કઈ રીતે ફેલાય છે તે અંગે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને સામાન્ય નાગરિકોને તેની સુચનાઓ પણ આપવામાં આવતી હતી સરકારે ઘડેલી ગાઈડલાઈનનો સંપુર્ણપણે અમલ કરવા માટે નાગરિકોને તાકિદ કરાઈ હતી. પરિણામ સ્વરૂપે કેન્દ્ર સરકારે લોકડાઉન બાદ અનલોકની જાહેરાત કરી હતી. અનલોકમાં ઉદ્યોગ-ધંધાઓને છુટછાટ આપવામાં આવી હતી.

લોકડાઉનમાં ધંધા-રોજગારો બંધ થઈ જતાં દેશના મોટા ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓએ કાગારોળ મચાવી દીધી હતી દેશનું અર્થતંત્ર સાવ તળીયે બેસી જશે તેવી દહેશત વ્યકત કરવામાં આવતી હતી ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓની રજુઆતો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કર્યું હતું જેમાં મધ્યમવર્ગના લોકોને મોટી રાહત મળશે તેવુ લાગતુ હતું પરંતુ વડાપ્રધાન મોદીએ પણ રૂા.ર૦ લાખ કરોડની ફાળવણી કરી હતી તેમાં મધ્યમવર્ગના અને નોકરીયાત વર્ગના નાગરિકોને કોઈ જ રાહત મળી ન હતી.

માત્ર ને માત્ર ઉદ્યોગોને ધમધમતા કરવા માટે જ આ પેકેજ જાહેર કરાયું હતું. નાના ઉદ્યોગકારોને પણ સહાય આપવામાં આવી હતી પરંતુ નોકરિયાત વર્ગને ધ્યાનમાં લેવાયો નથી. દેશમાં લોકડાઉન દરમિયાન અર્થતંત્રને બચાવવું કે માનવ જીંદગી બચાવવી તે મુદ્દો દેશભરમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો સોશ્યલ મીડીયા પર અર્થતંત્રની સાથે સાથે માનવ જીંદગી બચાવવી પણ ખુબ જ મહત્વની છે માનવ જીંદગી હશે તો અર્થતંત્ર મજબુત થશે તેવા વિચારો સોશ્યલ મીડીયા પર વાંચવા મળતાં હતાં કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગકારોથી લઈ દેશના નામાંકિત ઉદ્યોગપતિઓ માટે પેકેજાે જાહેર કરી અર્થતંત્રમાં પ્રાણ ફુંકયો હોય તેવી જાહેરાત કરવામાં આવતી હતી ત્યારબાદ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને કેન્દ્ર સરકાર પ્રત્યે આશાની કિરણ જાેવા મળતી હતી

ઉદ્યોગો માટે પેકેજ જાહેર કર્યાં બાદ દેશની ગરીબ જનતા અને નોકરિયાત વર્ગ માટે પણ કોઈ રાહત પેકેજ આવશે તેવી આશા ધીમે ધીમે ઠગારી નીવડવા લાગી છે. દેશમાં અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રના નામે કેન્દ્ર સરકારને જાણે ભીંસમાં મુકતા હોય તેવા નિવેદનો કરતા હતાં લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર બંધ હોવાથી સ્વાભાવિક છે કે વિકાસદર ક્રમશઃ નીચો જાય. વર્ષ ર૦૧૭-૧૮માં જીડીપી ગ્રોથ ૭ ટકા હતો જે ર૦૧૮-૧૯માં ઘટીને ૬.૧ થયો હતો જયારે ર૦૧૯-ર૦ના વર્ષમાં જીડીપી ઘટીને ૪.૧ ટકા થઈ ગયો હતો. ત્યારબાદ કોરોનાના કપરા કાળમાં લોકડાઉનની તીવ્ર અસરને કારણે ર૦ર૦-ર૧ના વર્ષમાં જીડીપી માઈનસ ૧૦.ર ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

ભારત મોટાભાગની ચીજવસ્તુઓ ઉત્પાદન કરવામાં ખુબ જ ઝડપથી આગળ વધી રહયું છે ચીનમાં કોરોનાની ખુબ જ કપરી પરિસ્થિતિ હતી પરંતુ કોરોનાને કાબુમાં લીધા બાદ તમામ ધંધા-રોજગારો ધમધમતા થતાં આજે ચીનનું અર્થતંત્ર પાટા પર આવી ગયું છે એજ પરિસ્થિતિ ભારતની થવાની છે ભારતમાં પણ ઉત્પાદન ક્ષેત્રે ખુબ જ ઝડપથી વિકાસ થઈ રહયો છે. આગામી દસકો ભારતનો હશે તેવુ સ્પષ્ટપણે મનાઈ રહયું છે. ભારતની કુલ વસ્તી ૧.૩૮ અબજ છે જે વિશ્વની કુલ વસ્તીના ૧૭.૭ ટકા જેટલી છે. ભારતમાં કુલ વસ્તીના ૩૪.પ ટકા લોકો ગામડાઓમાં વસે છે જયારે બાકીના લોકો શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં વસવાટ કરી રહયા છે. ગામડામાં વસતા લોકો કૃષિ ક્ષેત્રે મબલખ ઉત્પાદન કરી રહયા છે જયારે બાકીના લોકો ઉત્પાદન ક્ષેત્રે પોતાનું કૌશલ બતાવી રહયા છે.

ભારતની આ પરિસ્થિતિ જાેતા ભારતનો ખુબ જ ઝડપથી વિકાસદર વધશે તે સ્પષ્ટ છે પરંતુ વર્તમાન સ્થિતિ જાેતા માત્ર ઉદ્યોગો તથા સરકારી કર્મચારીઓ માટે જ રાહત પેકેજાે જાહેર કરવામાં આવ્યા છે. દેશમાં જાણે માત્ર સરકારી કર્મચારીઓ જ ખરીદી કરતા હોય તેવુ ચિત્ર બતાવવામાં આવી રહયું છે.

દેશમાં લોકડાઉનના પગલે કેટલાક ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને સંખ્યાબંધ લોકો બેકાર બન્યા છે આજે દેશમાં ભારતના ઈતિહાસમાં બેકારીનો આંક સૌથી વધુ જાેવા મળી રહયો છે એટલું જ નહીં પરંતુ નોકરિયાત વર્ગના લોકોમાં પણ પગાર કપાત સહિતની અનેક મુશ્કેલીઓ જાેવા મળી રહી છે. દેશની કુલ વસ્તીના ર૮ ટકા લોકો મધ્યમવર્ગના લોકો છે આ તમામ નાગરિકો હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહયા છે. કોરોનાના કપરા કાળ બાદ આજે સેંકડો યુવાનો નોકરી માટે વલખા મારી રહયા છે જયારે નોકરિયાત વર્ગના લોકોને અગાઉના જેટલો જ ઈન્કમટેક્ષ ભરવાનો છે. મોંઘવારીના કપરા કાળમાં નોકરિયાત વર્ગની પરિસ્થિતિ ખુબ જ ડામાડોળ બની ગઈ છે.

આજે દેશમાં ઉદ્યોગપતિઓની રજુઆતોને ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે કોઈ જ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. પરિણામ સ્વરૂપે આગામી તહેવારોમાં ખરીદ શક્તિ ખુબ જ ઓછા પ્રમાણમાં જાેવા મળશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પાસે ખરીદી કરવાના નાણાં નથી ત્યારે દેશનું અર્થતંત્ર કઈ રીતે મજબુત બનશે તે ચર્ચાનો વિષય છે. દેશમાં ચુંટણી દરમિયાન મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જ વધુ પ્રમાણમાં મતદાન કરતા હોય છે પરંતુ કોરોના અને ત્યારબાદના કપરા કાળમાં આજે આ નાગરિકો બીચારા બની ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.