Western Times News

Gujarati News

પ્રેમ લગ્ન કરનારી બહેનનું અપહરણ કરી પ્રેમીને ધમકી

અમદાવાદ: અવારનવાર ફિલ્મોમાં એવી કહાનીઓ જોવા મળતી હોય છે કે જેમાં કોઈ યુવતી પ્રેમ લગ્ન કરે તો બાદમાં તેનો ભાઈ તેના મિત્રો સાથે મળી કોઈપણ પ્રકારનું નાટક રચી આ બહેન ને ઉઠાવી જતા હોય છે. આવી જ ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની છે. જેમાં એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા અને બાદમાં અમદાવાદમાં રહેતી હતી,

ત્યારે આ યુવકનો સાળો તેના મિત્ર સાથે આવ્યો હતો અને તેણે અકસ્માત કર્યો છે તેમ કહી આ શખ્સો તેની ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. બાદમાં આ યુવકનો સાળો અને તેનો મિત્રએ આ યુવકની પત્નીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના રામોલ રીંગ રોડ પર રહેતો ૨૫ વર્ષીય યુવક ટ્રાવેલ્સ ચલાવે છે.

વર્ષ ૨૦૨૦માં તેણે એક યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપ કરાર રાધનપુર ખાતે કરી યુવતી સાથે રાધનપુર ખાતે રહેતો હતો. ત્યારબાદ રાજસ્થાન ખાતે બંનેએ નોટરી દ્વારા પ્રેમલગ્ન કર્યા હતા. પંદર દિવસ બાદ આ યુવક રાજસ્થાન ખાતે તેના વતનમાં રહ્યો હતો. બાદમાં તેની પત્ની સાથે તે અમદાવાદ રહેવા માટે આવી ગયો હતો અને રામોલ ખાતે ભાડેથી ઘર લઈને રહેવા લાગ્યો હતો. તેની સાથે તેની મોટી બહેન નો દીકરો પણ રહેતો હતો. ગત તારીખ ૧૪મીના રોજ આ યુવક તેની પત્ની તથા તેનો ભાણિયો ઘરે હાજર હતા ત્યારે રાત્રે ત્રણ શખ્સો સ્વીફ્ટ કાર લઇને તેમના ઘરે આવ્યા હતા અને આ યુવકને કહ્યું હતું કે તમારી એકટીવાથી અકસ્માત થયો છે

જેથી તમે પોલીસ સ્ટેશન ચાલો. બાદમાં આ શખ્સોએ યુવકને તેની પત્નીને અને તેના ભાણિયાને સ્વીફ્ટ ગાડીમાં બેસાડી દીધા હતા. બાદમાં એક્સપ્રેસ હાઇવેના ઓવરબ્રિજ પરથી થોડા આગળ જઈને ઇકો ગાડી ઉભી હતી. જેમાંથી આ યુવકનો સાળો તથા તેનો મિત્ર નીકળ્યા હતા અને આ યુવકની પત્ની નો હાથ પકડી બળજબરીથી ઈકો ગાડીમાં બેસાડી દીધી હતી. આ વખતે યુવકે તેના સાળા અને તેના મિત્રોને રોક્યા હતા

અને કહ્યું હતું કે શા માટે મારી પત્નીને લઈ જાવ છો? જેથી આ બંને શખ્સોએ ઉશ્કેરાઈ ને આ યુવકને ગાળો ભાંડી હતી અને બાદમાં તેને લાફા તથા ફેંટો મારી હતી અને બેઝબોલના દંડો કાઢી આ યુવકને કહ્યું કે, જો તું હવે અમારી બેનને તારી સાથે લઈ જવાની કોશિશ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ને ગાડીમાં બેસાડીને જતા રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.