Western Times News

Gujarati News

ગોંડલ-જૂનાગઢ હાઇવે પર અકસ્માત થતા બેનાં મોત

રાજકોટ: આજથી માતાજીના નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ નોરતે જ સૌરાષ્ટ્રમાંથી માઠા સમાચાર આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ-જૂનાગઢ હાઇવે પર એક મારૂતિ કારનો ગમખ્વાર અકસ્માત થતા ઘટનાસ્થળે જ બે વ્યક્તિનાં મોત નીપજ્યા છે. નવલા નોરતાની સવારે બે આશાસ્પદ વ્યક્તિઓ કાળનો કરોળિયો બની ગયા છે.

બનાવની વિગત એવી છે કે ગોંડલ-જૂનાગઢ હાઇવે પર કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. કારની સ્થિતિ જોતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કારના ચાલકની ઓળખાણ થઈ શકી નહોતી

પરંતુ તેમાંથી ફૂલહાર મળી આવ્યા હતા. પ્રથમ નોરતા હોઈ દર્શને જઈ રહેલા અથવા તો દર્શનેથી પરત આવી રહેલા યુવક સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા છે. મૃતક પૈકીના એક વ્યક્તિએ ધોતી ઝભ્ભો પહેર્યો હોવાથી તેઓ દર્શને જઈ રહેલા અથવા તો પરત આવી રહ્યા હોવાની આશંકા છે. આ અકસ્માતમાં આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી મારૂતિ ૮૦૦ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારની ટક્કર એટલી ખતરનાક હતી કે આગળથી સમગ્ર ભાગ ચીપાઈને પડીકું વળી ગયો હતો.

જેના પગલે કારમાં સવાર ૨ વ્યક્તિના મોત નીપજ્યા છે. નવરાત્રિના નવા દિવસોમાં પ્રથમ નોરતે જ અકસ્માતમાં બે વ્યક્તિના જીવ જતા સમગ્ર ગોંડલ પંથકમાં વાયુવેગે સમાચાર પ્રસરી રહ્યા છે. વોટ્‌સએપ પર અકસ્માતના ઘટનાના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે ત્યારે પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના નામ જાણી શકાય નથી પરંતુ ડ્રાઇવરની બેઠક પરથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહ યુવકનો છે અને તેણે ધોતી તેમજ ઝભ્ભો પહેર્યો હતો. કારમાંથી એક ગલગોટાની માળા પણ મળી આવી છે જેના પગલે મંદિરે જઈ રહ્યા અથવા તો પરત આવી રહ્યા હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.