Western Times News

Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે પુન: ખૂલ્લું મુકાયું

રાજપીપલા:- નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને (SoU Statue of Unity Gujarat) સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે આજે તા. ૧૭ મી ઓક્ટોબર, ૨૦૨૦ ને  શનિવારના રોજ પુન: ખૂલ્લુ મૂકાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિસરની આસપાસના રીવર રાફ્ટીંગ, એકતા નર્સરી, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને વિશ્વ વન વગેરેને પણ પ્રવાસીઓ માટે ખૂલ્લા મૂકાયાં છે.

આજે પ્રથમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર મહારાષ્ટ્ર થાણેના પ્રવાસી  મુલાકાતી શ્રી વિક્રાંત નીત નાવરેએે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યુ હતુ કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને ઘણો જ આનંદ થયો છે. અમે  પરિવાર સાથે અહીં આવ્યા છીએ લોકડાઉન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પુન: શરૂ કરાયું હોવાથી પ્રથમ દિવસે જ અમે ટીકિટ બુક કરાવી. આ મુલાકાત લઇને અમે ખુબ જ ખુશ છીએ, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા બદલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો પણ આ તકે તેમણે આભાર માન્યો હતો.

વડોદરાના પ્રવાસી મુલાકાતી શ્રી મિલિન્દ રૂપારેલે કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં ઘરે જ હતાં, પરંતુ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અમને ખુબ જ મજા આવી અને અહીં સરકારશ્રીની કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન  પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સીંગ, સેનીટાઇેશન સહિતની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું શ્રી મિલીન્દે ઉમેર્યુ હતું.

તેવી જ રીતે રાજકોટના પ્રવાસી મુલાકાતી શ્રીમતી ભારતીબેન મહેતાએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે, કોવીડ-૧૯ ને લીધે લોકડાઉનના લીધે ક્યાંય ફરવા જઇ શકાયું નહોતું, પંરતુ એવી ઇચ્છા હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી છે. આજે મુલાકાત લઇને અમને ખુબ જ ખુશી થઇ છે કોઇપણ પ્રકારની અહીં અમને મુશ્કેલી પડી નથી. પ્રવાસીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ હોવાનું  તેમણે ઉમેર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવાની સાથોસાથ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સવારે ૮ થી ૧૦ અને ૧૦ થી ૧૨, બપોરે ૧૨ થી ૨ અને ૨ થી ૪ તેમજ સાંજે ૪ થી ૬ સહિત એમ  કુલ-૫ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક સ્લોટમાં  ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ  આપવામાં આવશે. કોવીડ-૧૯ ના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સોશીયલ ડિસ્ટન્સીંગની સાથે દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકીટ દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન  ધોરણે જ અધિકૃત ટિકીટ વેબસાઇટ www.soutickets.in  ઉપરથી મેળવી શકાશે. પ્રવાસીઓને વધુ પુછપરછ તેમજ ફરિયાદ માટે ટોલ ફ્રી ફેલ્પલાઇન નં. ૧૮૦૦ ૨૩૨ ૬૬૦૦ પર સંપર્ક સાધવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.