Western Times News

Gujarati News

ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ કાગળ પર….ઠેર ઠેર રહેણાંક મકાનોમાં ટ્યુશન ધમધમી રહ્યા છે

ટ્યુશન ક્લાસીસમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક કોરાણે 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કેન્દ્ર સરકાર કોરોનાના સંક્રમણમાં આગામી અઢી મહિના મહત્વના હોવાનું જણાવી રહી છે રાજ્ય સરકાર પણ ડિસેમ્બર સુધી શાળા કોલેજ ખોલવાના સમર્થનમાં ન હોવાનું શિક્ષણવિભાગના સૂત્રો જણાવી રહ્યા છે બીજીબાજુ મોડાસા શહેર સહીત ભિલોડા તેમજ અરવલ્લી જીલ્લામાં ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે

હવે ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકો અને શિક્ષક ટ્યુશન કરાવવાની પદ્ધતિ બદલી શિક્ષણ વિભાગની આંખોમાં ધૂળ નાખી રહ્યા હોય તેમ સોસાયટી વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં મકાન ભાડે લઇ કે પછી વિદ્યાર્થીઓના ઘરે ટ્યુશન ક્લાસ શરુ કરી દીધા છે મોડાસા શહેરમાં કેટલાક ટ્યુશન ક્લાસીસમાં સરકારી શિક્ષકો પણ ટ્યુશન આપી રહ્યા હોવાની બૂમો ઉઠી છે વિદ્યાર્થીઓના જીવન જોખમે ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે

જેમાં વિદ્યાર્થીઓના વાલીઓની અતિમહત્વકાંક્ષા અને ટ્યુશન કરાવતા સરકારી શિક્ષકો સહીત ટયુશન ક્લાસીસ ચલાવતા સંચાલકોની લાલચ કારણભૂત બન્યું છે ત્યારે જીલ્લા શિક્ષણતંત્ર મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ચાલતા ટયુશન ક્લાસીસથી અજાણ છે કે પછી આંખ આડે કાન કરી રહ્યું છે તે જોવું રહ્યું.

હાલમાં કોરોનાને કારણે જે છૂટછાટ આપવામાં આપવામાં આવી છે એ હજુ પણ મર્યાદિત છે. આવા સમયે સ્કૂલ અને ટયૂશન કલાસ હજુ ચાલું કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પ્રશાસન દ્વારા ખાનગી ટયૂશન કલાસિસના સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે કોઇપણ સંજોગોમાં કલાસિસ ઘરે કે બહાર શરૂ કરવા નહીં, માત્ર ઓનલાઇન શિક્ષણ આપવું તેમ છતાં સરકારની ગાઈડલાઈન નો ઉલાળિયો થઇ રહ્યો છે

મોડાસા શહેરમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા કેટલાક સંચાલકો, શિક્ષકો અને સરકારી શાળામાં ફરજ બજાવતા કેટલાક લોભિયા શિક્ષકો ટ્યુશન કરાવવાની પધ્ધતિ બદલી ફ્લેટ,રહેણાંક વિસ્તારોના મકાનોમાં તેમજ ટ્યુશન આવતા વિદ્યાર્થીઓના ઘરે રોટેશન પ્રમાણે ટ્યુશન આપી રહ્યા છે

ટ્યુશન ક્લાસમાં શિક્ષક કે વિદ્યાર્થીઓ માસ્ક પણ પહેરતા નથી અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાતો ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી ટ્યુશન ચલાવતા શિક્ષક અને ક્લાસીસના સંચાલકો ટ્યુશન આપવાની પધ્ધતિ બદલી રાજ્ય સરકાર અને નગરપાલિકા તંત્રની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આવા લોભિયા લોકો સામે વહીવટી તંત્ર કોઈ દંડનીય કાર્યવાહી કરશે કે પછી આ આદેશ ફક્તને ફક્ત સ્કૂલ કોલેજ સુધી સીમિત રહેશે જેવા અનેક પ્રશ્નો પેદા થયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.