Western Times News

Gujarati News

દાહોદમાં વિતેલા ૨૪ કલાકમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જણા કાળનો કોળિયો બન્યા

દેવગઢ બારિયા: ચાલકની ગફલત અને વાહનની વધુ પડતી ઝડપના કારણે દાહોદ જિલ્લામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન જુદી જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માતના બનેલા ત્રણ બનાવોમાં ત્રણ જણાં કાળનો કોળિયો બન્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતના બનેલા ત્રણ બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના જેસવાડા રોડ ઉપર ગડોઇ ઘાટીમાં ગત રોજ સવારના આઠેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક મોટર સાઈકલ ચાલક તેના કબજાની જીજે.૨૦.એબી.૪૧૯૮ નંબરની મોટર સાઈકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવી

ગડોઈ ઘાટીમાં સામેથી આવતી ગરબાડા તાલુકાના નાંદવા ગામના ૩૨ વર્ષીય હસમુખભાઈ જીથરાભાઈ રાઠોડની જીજે.૦૩.એફસી.૬૫૩૭ નંબરની હોન્ડા સાઈન મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાતા બંને મોટર સાઈકલ ચાલકો પોત પોતાની મોટરસાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતા નાંદવા ગામના હસમુખભાઈ રાઠોડને માથાના, પગના તથા શરીરના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી મોત નિપજયુ હતુ.

જ્યારે સામેની મોટરસાયકલના ચાલકને પણ ડાબા પગે તથા જમણા હાથે ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ સંબંધે નાંદવા ગામના મૃતક હસમુખભાઈ રાઠોડના કુટુંબી સંજીવકુમાર હીરાભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદના આધારે દાહોદ પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે રોડ પર ગત રોજ  વહેલી સવારે ૬.૩૦ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાના કુભાણી ગામના હોળી ફળિયામાં રહેતા કરણભાઈ ભોદીયાભાઈ રાઠવા પોતાના કબજાની હોન્ડા કંપનીની જીજે.૦૬.કેસી.૯૩૧૨ નંબરની હોન્ડા લીવો મોટરસાયકલ લઈને પોતાના કામ અર્થે જતા હતા. તે વખતે દુધિયા ગામે રોડ પર પુરપાટ દોડી આવતી હીરો કંપનીની એચ એફ ડીલક્ષ મોટરસાયકલ જોશભેર ટકકર મારી નાસી ગઈ હતી. જેથી કરણભાઈ ભોદિયાભાઇ રાઠવા મોટર સાયકલ પરથી ફંગોળાઇને રોડ પર પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું.

આ સંબંધે કુભાણી ગામના મરણજનાર કરણભાઈ ભોદિયાભાઇ રાઠવાના ભાઈ કનસિંગભાઈએ નોંધાવેલ ફરિયાદના આધારે સાગટાલા પોલીસે આ સંદર્ભે ફેટલનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે દાહોદ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ લીમખેડા તાલુકાના આંબા ગામે રોડ પર સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં લીમખેડા તાલુકાના રઈ ગામના રાવત ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રમેશભાઈ ગોપસિંહભાઈ રાવત તેના કબજાની જીજે.૨૦.૧૦૧૭ નંબરની મોટરસાયકલ લઈને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા વધુ પડતી ઝડપના કારણે મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા ચાલક રમેશભાઈ ગોપસિંગભાઈ રાવતની શરીર તથા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતાં

તેને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ સંબંધે રઈ ગામના રાવત ફળિયામાં રહેતા પીન્ટુભાઇ રમેશભાઈ રાવતની નોંધાવેલ ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.