Western Times News

Gujarati News

કોંગ્રેસમાં આંતરિક લોકશાહીના નામે ચાલતી જૂથબંધી

ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરીફ પક્ષના ઉમેદવારો નહી પોતાના જ અસંતુષ્ટ નેતાઓ હરાવે છે

દિલ્હીથી લઈ નાના ગામડાઓ સુધીના સંગઠનમાં ચાલતો જુથવાદ હવે ચરમસીમાએ

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં દેશમાં સૌથી વધુ રાજ કરનાર કોંગ્રેસ પાર્ટીની આજે દશા અને દિશા ખુબ જ વિપરીત બની ગઈ છે એક સમયે કોંગ્રેસની ટિકિટ મળે એટલે ઉમેદવાર ચુંટાયેલો મનાતો હતો. કોંગ્રેસની ટિકિટ મેળવવા દિલ્હી સુધી દેશભરમાંથી ટિકિટ વાંચ્છુઓ દોડી જતાં હતાં પરંતુ આજે જુદા જ દ્રશ્યો જાેવા મળી રહયા છે. કોંગ્રેસના દિલ્હી દરબારમાં અસંતુષ્ટ જૂથો રજુઆત કરવા માટે પહોંચવા લાગ્યા છે.

કોંગ્રેસ પક્ષમાં કોઈપણ કાર્યકર કે આગેવાન અસંતોષ વ્યકત કરે તો તેને પક્ષની આંતરિક લોકશાહીમાં ખપાવી દેવામાં આવે છે આજ પરિસ્થિતિ હવે વિકટ બની ગઈ છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહીના નામે જુથબંધીનો સડો નાના ગામડાથી લઈ દિલ્હી સુધી પહોંચી ગયો છે. લોકસભામાં કોંગ્રેસની સીટોમાં અત્યંત ચોંકાવનારો ઘટાડો જાેવા મળી રહયો છે. કોઈપણ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને તેમના જ વિસ્તારના અસંતુષ્ટ નેતાઓ સામે ચુંટણી લડવાની હોય તેવુ વાતાવરણ જાેવા મળતુ હોય છે.

કોંગ્રેસના ઉમેદવારોને હરીફ પક્ષના ઉમેદવારો કરતા તેમના મત વિસ્તારના અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરોથી ડર લાગતો હોય છે. પરિણામે કોંગ્રેસના ઉમેદવારને હરીફ પક્ષના ઉમેદવાર કરતા પોતાના જ અસંતુષ્ટ નેતાઓ હરાવતા હોય તેવુ ચિત્ર જાેવા મળી રહયું છે તેમાય ખાસ કરીને વિધાનસભા અને લોકસભાની ચુંટણી જાહેર થાય ત્યારે પક્ષમાં ચાલતો આંતરીક વિખવાદ સપાટી ઉપર આવતો હોય છે આ પરિસ્થિતિમાં પણ કેટલાક રાજકીય નેતાઓનો વાણીવિલાસ બળતામાં ઘી ઉમેરતો હોય છે.

દેશના સૌથી મોટા રાજકીય પક્ષ ગણાતા કોંગ્રેસને ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. દેશમાં કુલ ૧૭ લોકસભાની ચુંટણી યોજાઈ છે જેમાં સૌથી વધુ વખત કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. દેશના ખુણાના ગામડાઓમાં પણ કોંગ્રેસનો કાર્યકર જાેવા મળતો હતો કોંગ્રેસ પક્ષમાં ઈન્દીરા ગાંધી લોખંડી મનોબળ ધરાવતા હતા અને તેઓએ દેશભરમાં કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવા સાથે તેનો વ્યાપ વધાર્યો હતો.

ઈન્દીરા ગાંધીજીનો નિર્ણય આખરી મનાતો હતો તેમના નિર્ણયની વિરૂધ્ધ ક્યારેય કોઈએ સવાલો ઉઠાવ્યા નહોતા. અસંતુષ્ટ નેતાઓ જાેવા પણ મળતા ન હતાં ઈન્દીરા ગાંધીના અવસાન બાદ રાજીવ ગાંધીએ પક્ષને વધુ મજબુત કરવા માટે સફળ પ્રયાસો કરી લોકચાહના પણ મેળવી હતી.

રાજીવ ગાંધી બાદ કોંગ્રેસ પક્ષ ધીમેધીમે હાંસિયામાં ધકેલાવા લાગ્યો હતો. કોંગ્રેસ પક્ષ નબળો પડતાં પ્રાદેશિક પક્ષો મજબુત બનવા લાગ્ય હતાં અને ભાજપ દેશભરમાં પોતાનો વ્યાપ વધારવા માટે પ્રયાસો શરૂ કરતા તેમાં સફળતા મળવા લાગી હતી ર૦૦૪માં યોજાયેલી ૧૪મી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને પ્રાદેશિક પક્ષોનો ટેકો મળતા યુપીએ બનાવવામાં આવ્યું હતું અને સત્તા સ્થાને પણ આવ્યુ હતું ત્યારબાદ ર૦૦૯માં પણ ૧પમી લોકસભાની ચુંટણી યોજાઈ હતી જેમાં પણ યુપીએની જીત થઈ હતી.

ર૦૦૪માં ૧૪મી લોકસભાની ચુંટણીમાં યુપીએની જીત મળ્યા બાદ એક ચોંકાવનારી ઘટના ઘટી હતી આ ચુંટણી સોનિયા ગાંધીની આગેવાનીમાં લડવામાં આવી હતી પરંતુ તેમણે કોઈ કારણસર વડાપ્રધાન બનવાની ના પાડી દેતા આખરે મનમોહનસિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતાં.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

ર૦૦૯માં પણ મનમોહનસિંહ વડાપ્રધાન પદે યથાવત રહયા હતાં યુપીએના આ ૧૦ વર્ષના શાસનમાં અનેક કૌભાંડો થયાનો અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થવા લાગ્યો હતો. ર૦૦૪ પહેલા યોજાયેલી ૧૩મી લોકસભાની ચુંટણીમાં ભાજપે એનડીએ બનાવી પ વર્ષ શાસન કર્યું હતું પરંતુ ત્યારબાદ એનડીએની હાર થતા યુપીએ સત્તા સ્થાને આવ્યું હતું.

વડાપ્રધાન મનમોહનસિંહના ૧૦ વર્ષના શાસનકાળ દરમિયાન કોલ કૌભાંડ, સ્પ્રેકટ્રમ સહિતના કૌભાંડો જાેરશોરથી ચગ્યા હતાં. કૌભાંડોના કારણે કોંગ્રેસને ઈમેજ દેશભરમાં ખરડાઈ હતી તો બીજીબાજુ ભાજપે વડાપ્રધાન પદ ના ઉમેદવાર તરીકે ર૦૧૪માં ૧૬મી લોકસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતાર્યાં હતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યાં સુધી સંગઠન પર મજબુત પકડ રાખી હતી અને ત્યારબાદ તેઓ લોકસભાની ચુંટણી માટે વડાપ્રધાન પદ ના ઉમેદવાર જાહેર થતાં દેશભરમાં સઘન ચુંટણી પ્રચાર કરી ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી હતી.

ર૦૧૯ના વર્ષમાં પણ ૧૭મી લોકસભાની ચુંટણીમાં ભાજપ સત્તા સ્થાને આવ્યું છે. એનડીએમાં કેટલાક ઘટક પક્ષો તેમની સાથે જ છે પરંતુ જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતા છે કે જેમણે સતત બીજી વખત સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સંભાળી છે. સ્પષ્ટ બહુમતીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રપણે નિર્ણય લઈ શકે છે અને સાથે સાથે સંગઠન ઉપર પણ તેમની મજબુત પકડ છે આ જ પરિસ્થિતિ ઈન્દિરા ગાંધીના શાસનમાં પણ કોંગ્રેસમાં જાેવા મળતી હતી.

દેશમાં છેલ્લી બે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની સીટોમાં ચોંકાવનારો ઘટાડો થયો છે પક્ષમાં ચાલતા આંતરિક જુથવાદના કારણે કોંગ્રેસની સ્થિતિ ખુબ જ નાજુક બનવા લાગી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં આંતરીક જુથવાદના કારણે પક્ષની સ્થિતિ ખુબ જ વિકટ બનવા લાગી છે. રાજસ્થાનમાં સત્તા જતા સહેજમાં જ રહી ગઈ. જયારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં પણ કોંગ્રેસમાં જુથબંધીના કારણે કાર્યકરોમાં ભારે રોષ જાેવા મળી રહયો છે. આંતરીક જુથવાદના કારણે ચુંટણી પરિણામ પર તેની સ્પષ્ટ અસર જાેવા મળતી હોય છે. કોંગ્રેસમાં આજે મોવડી મંડળ સુધી જુથવાદ જાેવા મળી રહયો છે. તાજેતરમાં જ કેટલાક સીનીયર નેતાઓએ નેતાગીરીના મુદ્દે સ્ફોટક પત્ર લખતા કોંગ્રેસનું રાજકારણ ગરમાઈ ગયું છે. પત્ર લખનાર નેતાઓને હાંસિયામાં ધકેલવામાં આવી રહયા છે પરિસ્થિતિ એવી છે કે આજે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકે સોનિયા ગાંધીને જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસમાં લોકસભા સહિતની ચુંટણીઓ આવે ત્યારે આંતરિક જુથવાદ સપાટી પર આવતો હોય છે દેશભરમાં કોંગ્રેસમાં હાલ અનેક જુથ પડી ગયા છે જેના પરિણામે પક્ષને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહયું છે. કોંગ્રેસ નબળુ પડતા જ ભાજપ દેશભરમાં ખુબ જ મજબુત બની ગયું છે સાથે સાથે કેટલાક પ્રાદેશિક પક્ષો પણ મજબુત બન્યા છે.

કોંગ્રેસમાં જુથવાદના કારણે કેટલાય સંનિષ્ઠ નેતાઓને પક્ષ છોડવાની ફરજ પડી છે. ગુજરાતમાં જુથબંધી વર્ષોથી ચાલી આવે છે તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની ચુંટણી પૂર્વે કોંગ્રેસ પક્ષમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચતા વિપક્ષના નેતા પદેથી દિનેશ શર્માએ પક્ષના હિતને ધ્યાનમાં રાખી રાજીનામું આપી દેવાની ફરજ પડી છે.

આ સમગ્ર ઘટનાક્રમથી કોંગ્રેસને ફાયદો થવા કરતા નુકસાન વધુ થશે અને તેનું પરિણામ આગામી ચુંટણીમાં જાેવા મળશે. આજ રીતે વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં પણ જૂથવાદ બહાર આવી ગયો છે અને આ અંગેની રજુઆતો પ્રદેશ કક્ષા સુધી થઈ રહી છે પરંતુ કોંગ્રેસમાં શિસ્ત સમિતિ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવુ લાગી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.