Western Times News

Gujarati News

દાહોદમાં ગરબાડા રોડ પર બોલેરો તથા મોટરસાયકલ વચ્ચે સર્જાયેલો અકસ્માત

દાહોદ શહેરમાં આવેલ ગરબાડા રોડ પર અતુલ શક્તિ શોરૂમ નજીકમાં રોડ પર બોલેરો પીકપ ગાડી તથા મોટરસાયકલ વચ્ચે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત મોટરસાયકલ પર સવાર બે પૈકી એકનું સ્થળે મોત નિપજયુ હતુ. જયારે બોલેરો પીકપ ગાડી ત્રણ પલટી ખાઈ જવા પામી હતી. જયારે બોલેરો પીકપ ગાડીનો ચાલક પોતાની ગાડી મૂકી નાસિ હતો.

પ્રાપ્ત વિગત અનુસાર એક ફોર વ્હીલર ગાડીનો ચાલક ગત રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે પોતાની જીજે.૨૦.વી.૯૯૪૦ નંબરની બોલેરો પીકપ ગાડી ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ દાહોદ તરફ આવી રહ્યો હતો.

તે સમયે વરમખેડા ગામના સ્ટેશન ફળિયામાં રહેતા વિલેશભાઈ રત્નાભાઈ બારીયાની જીજે.૧૭.બીડી.૨૪૧૭ નંબરની ટી.વી.એસ અપાચી મોટરસાયકલની ગરબાડા રોડપર શક્તિ શોરૂમની નજીકમાં રોડ પર જોશભેર ટકકર મારી દેતા મોટરસાયકલ ચાલક વિલેશભાઈ રત્નાભાઈ બારીયા રોડની સાઈડમાં ફેંકાઈ જતા તેને કોઈ ઈજા થઈ ન હોતી.

જ્યારે મોટરસાયકલની પાછળ બેઠેલ બાબુભાઈ જંગલિયાભાઈ પરમાર મોટરસાયકલ સાથે રોડ પર પટકાતા તેનું માથું રોડ પર ભટકાતા નાકની ડાબી બાજુથી માથા સુધીનો ભાગ ફાટી જતા ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જયારે બોલેરો પીકપ ગાડી રોડ પર ત્રણ વાર પલટી ખાઈ ગઈ હતી અને બોલેરો પીકપ ગાડીનો ચાલક નાસી ગયો હતો. આ સમયે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તરત જ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને મૃતકની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી પીકપ ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.