Western Times News

Latest News from Gujarat

શું સંબંધોની પણ ટાઈમ લિમીટ હોય!

( -પંકિતા જી. શાહ)

ખબર નથી પડતી પણ કોઈની નજર જ લાગી ગઈ લાગે છે, નહીં તો આવું ના થાય. અમારે બંનેને તો કેટલું બધું બનતુ હતુ.‘એને મારા વગર ના ચાલે અને મને એનાં વગર’ પણ અચાનક અમારાં સંબંધોમાં શું થયું? કે તૂટી ગયા? આવું ક્યારેક તો સાંભળ્યું જ હશે.

ખૂબજ નજીક આવેલા સંબંધો અચાનક તૂટી જાય ત્યારે તકલીફ થાય છે. પણ સંબંધ કેમ તૂટે છે? એની પાછળ ઘણાં બધા કારણો જવાબદાર હોય છે. બે બહેનપણીઓ હતી. બંનેની ખૂબ જ સારી મિત્રતા. એવું કહેવાય કે પાક્કી દોસ્તી. એમાંથી એક ફ્રેન્ડે એની બીજી ફ્રેન્ડને કહ્યું, યાર ખબર નહીં પણ આજે મારી કોલેજની એક ફ્રેન્ડ સાથેનાં સંબંધો પૂરા થઈ ગયા. મારાં તરફથી નહીં પણ એનાં તરફથી. મને બહુ દુઃખ થયું. અત્યાર સુધી તો બધું જ બરાબર ચાલતું હતું પણ અચાનક ખબર નહીં એને શું થયું?

ત્યાં જ એની ફ્રેન્ડે કહ્યું, જો સાંભળ કોઈ પણ સંબંધ બંને પક્ષની નિભાવાય તો જ ચાલે બાકી વન સાઈડેડ હોય તો લોંગ ટાઈમ ના ચાલે. બની શકે તને એનાં માટે લાગણી હોય પણ એને તારા માટે ના પણ હોય. ઘણીવાર લોકો સ્વાર્થથી સંબંધ રાખતા હોય છે તો ક્યારેક કામ હોય ત્યાં સુધી. એટલે તું ચિંતા ના કર. તારાં તરફથી સંબંધ નિભાવવાની તે કોશિશ કરી જ છે.

સંબંધ તારાં તરફથી નથી તૂટ્યા. તું ખૂબજ સારી છે. આપણી જ વાત કર. આપણી ફ્રેન્ડશીપને ૨૦ વર્ષ થયા છે. આજ સુધી આપણી વચ્ચે કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો કારણકે આપણાં સંબંધો બંને સાઈડથી મજબૂત છે..  સંબંધોમાં પણ મજબૂતાઈ અને મોકળાશ જોઈએ. સંબંધ બંધન ના લાગવો જોઈએ. પાણીની જેમ વહેતો હોવો જોઈએ. જેમાં એકબીજા પ્રત્યેની ભૂલોને માફ કરવાની તાકાત જોઈએ.

એક કપલ હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે. પણ એક દિવસ અચાનક ગર્લ ફ્રેન્ડે એનાં બોય ફ્રેન્ડને કહ્યું, બસ હવે બહુ થયું. હું તારી સાથે નહીં જીવી શકુ. મને મજા નથી આવતી આજથી આપણાં સંબંધો પૂરા. ત્યાં જ પેલાં છોકરાએ કહ્યું, મેં શું કર્યું?

એટલે તેની ગર્લ ફ્રેન્ડે કહ્યું, ખબર નહીં પણ મને એવું લાગે છે કે હું બંધાઈ ગઈ છું. જો હું કામમાં હોઉં તારાં મેસેજનો રિપ્લાય આપી ના શકુ તો તને ખોટું લાગી જાય છે. તારો ફોન આવે તો હું કામમાં હોઉં વાત ના કરી શકું તો તું મેસેજ કર્યાં કરે છે.

તને ખોટું કે ખરાબ ના લાગે એટલાં માટે પણ મારે રિપ્લાય કરવો પડે છે. તું પાછળ જ પડી જાય છે. હા તું મને પ્રેમ કરે છે પણ એનો અર્થ એવો નથી કે હું મારી જીંદગી જીવવાનું ભૂલી જાઉં. તારે સમજવું જોઈએ. જો સંબંધમાં આટલો બધો બોજ હોય તો એ સંબંધની ટાઈમ લિમીટ આવી જ જાય છે.

સંબંધોમાં પણ ફ્લેક્સીબીલીટી ખૂબજ જરૂરી છે. જે સંબંધોને વારે વારે સાચવવા પડતાં હોય એ સંબંધોની પૂર્ણાહુતિ જ થઈ જાય છે. સંબંધો પણ ક્લીયર કટ હોવા જોઈએ કે જ્યાં મિસ અન્ડરસ્ટેન્ડીંગ ના હોય. જો સહેજ પણ એવું લાગે તો વાત કરી એને દૂર કરી લેવી જોઈએ.

એક બિઝનેસમેન હતો. એક દિવસ મંદિરમાં જઈ ભગવાનની મૂર્તિને કહેતો હતો, કે હે પ્રભુ આ દુનિયામાં બધાં જ સંબંધો સ્વાર્થનાં છે. મારું કોઈ જ નથી. આ વાત ત્યાં ઊભેલા મંદિરનાં પૂજારીએ સાંભળી. એમણે કહ્યું, કેમ ભાઈ શું થયું? આવું કેમ બોલો છો? ત્યાં જ બિઝનેસમેન રડતાં રડતાં બોલ્યો, દાદા હું અબજોપતિ હતો.

મારાં ખૂબ મિત્રો હતા.પણ અચાનક મને બિઝનેસમાં ખૂબ નુક્સાન થયું. હું તકલીફમાં આવી ગયો છું અત્યારે મારી સાથે કોઈ નથી. મારા બધાં જ મિત્રો અને સંબંધીઓએ મારી સાથેનાં સંબંધો તોડી નાંખ્યા છે.

ત્યાં જ પૂજારીએ કહ્યું, ઘણી વ્યક્તિઓ સામેની વ્યક્તિનું સ્ટેટસ – લેવલ જોઈને સંબંધ રાખતી હોય છે. તો સારું થયું તમારે એવાં સંબંધો તૂટી ગયા. આમેય સ્વાર્થથી બાંધેલાં સંબંધો બહુ ના ચાલે અને સારું થયું કે તમને પણ ખબર પડી કે એ સંબંધો સાચા નહોતા. હવે તારા જીવનમાં જે સંબંધ હશે તે સાચા હશે અને આજીવન રહેશે.

ઘણીવાર ભોળી અને લાગણીશીલ વ્યક્તિને બધાં મૂર્ખ સમજે છે પણ એજ લાગણીશીલ વ્યક્તિ સંબંધ નિભાવી જાણે છે.

છેલ્લે… સંબંધ ક્યારેક કામમાં આવશે એ સ્વાર્થથી સંબંધ ના રાખશો. જો સંબંધ સાચો હશે તો દૂર હોવા છતાંય તમને મદદ કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers