Western Times News

Gujarati News

અમૂલે ઊંટના દૂધમાંથી મિલ્ક પાઉડર-આઈસ્ક્રિમ લોંચ કર્યા

વડોદરા: રણપ્રદેશમાં સફર કરવા માટેનું વહાણ ગણાતું ઊંટ હવે ઉનાળામાં પણ તમને ઠંડક આપવામાં મદદ કરશે. ચોકલેટ સિવાય ફ્રેશ અને લાંબુ આયુષ્ય ધરાવતા ઊંટનુ દૂધ રજૂ કર્યા બાદ અમૂલ હવે ઊંટના દૂધમાંથી આઈસક્રીમ અને મિલ્ક પાઉડર લોન્ચ કર્યું છે.

ભારતમાં પ્રથમ વખત છેલ્લા બે વર્ષથી ઊંટનું દૂધ ચર્ચામાં રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાતને બિરદાવી હતી.

આણંદ જિલ્લાના મોગરમાં અમૂલ ડેરીના ચોકલેટ પ્લાન્ટમાં યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ઊંટના દૂધને પૌષ્ટિક ગણાવવા બદલે કેવી રીતે તેમની મજાક ઉડાવાવમાં આવી હતી.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઊંટના દૂધમાંથી મળતા પોષક તત્વોને લઈને તેને પ્રમોટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમની આસપાસના કેટલાક લોકોએ મજાક ઉડાવી હતી, તેવો ખુલાસો પીએમે કર્યો હતો.

‘અમૂલ કેમલ મિલ્ક પાઉડરથી પહેલીવાર દેશના લોકોને ઊંટના દૂધના પોષકતત્ત્વો મળશે’, તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફએ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ કહ્યું હતું.

‘કચ્છના ઊંટના પશુપાલકો પાસેથી ખરીદવામાં આવેલા દૂધમાંથી બનાવેલો મિલ્ક પાઉડર ૮ મહિના સુધી સારો રહેશે’, તેમ તેમણે કહ્યું હતું.

‘કચ્છના દૂધ ઉત્પાદકો માટે આ એક વાસ્તવિક આશીર્વાદ સાબિત થશે કારણ કે આ દૂધની શેલ્ફ લાઈફ વધારવામાં અને અમૂલના દેશવ્યાપી વિતરણ નેટવર્કના માધ્યમથી તેની ઉપલબ્ધતાને વધારવામાં મદદ કરશે’, તેમ સોઢીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારથી ઊંટના દૂધમાંથી પ્રોડક્ટ્‌સ લોન્ચ કરવામાં આવી છે ત્યારથી ગુજરાતમાં ઊંટના દૂધના ભાવ બમણા થઈ ગયા છે.

એપ્રિલ, ૨૦૧૮માં જીસીએમએમએફએ દૂધી ખરીદી, પ્રક્રિયા અને માર્કેટિંગ માટે કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યુનિયન લિમિટેડ અથવા સરહદ ડેરી, સહજીવન ટ્રસ્ટ અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે એમઓયુ કર્યા હતા. કચ્છ મિલ્ક યુનિયન દર મહિને આશરે ૭૦ હજાર લિટર જેટલું ઊંટનું દૂધ ભેગુ કરે છે. ગુજરાતમાં આશરે ૩૦ હજાર ઊંટ છે, જેમાંથી મોટાભાગના કચ્છી અને ખરાઈ છે. રાજ્ય રબારી, ફકીરાણી જાટ, સામ અને સોઢા સમુદાયના આશરે ૧ હજાર ઊંટ સંવર્ધકો માટે ઘર બની ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.