Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ર૬ સ્થળોએ ઝાડ ધરાશાયી

 

નવનિર્મિત ઈન્કમટેક્ષ ઓવરબ્રીજના છેડા પર રસ્તો બેસી ગયો 

શહેરમાં બે સ્થળોએ જર્જરીત મકાનનો કેટલોક ભાગ તૂટી પડતાં અફડાતફડી : જીવરાજ પાર્ક સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયાની ફરિયાદ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલે બપોર બાદ સતત વરસાદ પડવાનો શરૂ થતાં જનજીવન ખોરવાયુ હતું અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં આ ઉપરાંત સતત વરસાદના કારણે શહેરમાં ર૬ જેટલા સ્થળો પર ઝાડ તૂટી પડવાની ફરિયાદો કોર્પોરેશનને મળી હતી જેના પગલે કોર્પોરેશનની ટીમો દ્વારા ઝાડ કાપીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ શહેરમાં અનેક સ્થળો પર રસ્તાઓ તૂટી જવાની ઘટનાઓથી કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે.

અમદાવાદ શહેરમાં લાંબી રાહ જાવડાવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી ચોમાસાનો માહોલ છવાયો હતો દરમિયાનમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ગઈકાલે બપોર બાદ શહેરભરમાં એકધારો વરસાદ પડવાનો શરૂ થયો હતો વરસાદ પડતાંની સાથે જ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત ટ્રાફિકજામના કારણે નાગરિકો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે પડેલા સતત વરસાદના પગલે મ્યુનિ. કોર્પો.નું તંત્ર સજ્જ બની ગયું હતું અને બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમમાં એક પછી એક ફરિયાદો આવવા લાગી હતી.

મ્યુનિ. કોર્પો.ના કંટ્રોલરૂમનો ફોન મોડી સાંજથી સતત રણકવા લાગ્યો હતો એક પછી એક વિસ્તારોમાં ઝાડ પડવાની ફરિયાદો મળવા લાગતા કોર્પોરેશનનું તંત્ર સજ્જ બની ગયું હતું અમદાવાદ શહેરમાં કુલ ર૬ સ્થળો પર ઝાડો પડવાની ફરિયાદ મળી હતી જેમાં મણિનગર સહિતના વિસ્તારોમાં વાહનો પર ધરાશાયી થતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો

અમદાવાદ શહેરના (૧) નારણપુરા ચાર રસ્તા (ર) દિનેશ હોલ આશ્રમ રોડ, (૩) સિવિલ હોસ્પિટલ પાસે ઝુંપડપટ્ટી પર ઝાડ ધરાશાયી (૪) વાડજ પોસ્ટ ઓફિસ પાસે (પ) ગુજરાત કોલેજ (૬) દિવાન બલ્લુભાઈ સ્કુલ પાસે (૭) ભાઈકાકા હોલ થલતેજ (૮) એચ.પી. પેટ્રોલપંપ બોડકદેવ (૯) મહાલક્ષ્મી પાંચ રસ્તા પાલડી (૧૦) ઈન્કમટેક્ષ રેસીડેન્સી વેજલપુર પાસે રીક્ષા પર ઝાડ ધરાશાયી (૧૧) સનરાઈઝ પાર્ક ડ્રાઈવીંગ (૧ર) ઈન્કમટેક્ષ ચાર રસ્તા (૧૩) મીરજાપુર કોટની સામે રીક્ષા પર ઝાડ ધરાશાયી (૧૪) પાંચકુવા લાઠી બજાર (૧પ) દક્ષામાંના મંદીર રાયપુરમાં મકાન પર ઝાડ ધરાશાયી (૧૬) હેવમોર વિજય ચાર રસ્તા (૧૭) ઘીકાંટા કોટ પાસે ગાડી પર ઝાડ ધરાશાયી (૧૮) દુધેશ્વર ચાર રસ્તા ધોબીઘાટ (૧૯) નહેરૂપાર્ક વસ્ત્રાપુર (ર૦) મુક્તિમેદાન મણીનગર (ર૧) સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે ગાડી પર ઝાડ ધરાશાયી (રર) ગાયકવાડ હવેલી (ર૩) શાહઆલમમાં મકાન પર ઝાડ ધરાશાયી (ર૪) મણિનગરમાં એએમટીએસ બસ ડેપો પાસે એસ.ટી. બસ પર ઝાડ ધરાશાયી (રપ) જેતપુર ગામ અને (ર૬) દર્પણ છ રસ્તા પાસે ઝાડ ધરાશાયી થવાની ફરિયાદો મ્યુનિ. કોર્પો.ને મળી છે.

ઝાડ પડવાની ફરિયાદો મળતા જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા આ વિસ્તારોમાંથી ઝાડો કાપી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે આ ઉપરાંત બે જર્જરિત મકાનોનો કેટલોક ભાગ તૂટી પડવાની ફરિયાદો પણ કોર્પોરેશનને મળી છે સદ્‌નસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા.

અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે પડેલા સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભુવાઓ પડવાની ફરિયાદો પણ મળી છે ચોકાવનારી બાબત એ છે કે શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક જ સ્થળ પર પાંચમી વાર ભુવો પડયો છે અને આ વખતે તો આ સ્થળે મોટાભાગનો રસ્તો બેસી ગયો છે જેના પરિણામે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે.

રસ્તાઓ જાખમી બનતા વાહનચાલકો પણ ગભરાયા છે જાકે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વહેલી સવારથી જ ભારે દોડધામ કરવામાં આવી રહી છે અને આવા રસ્તાઓ પર બેરીકેટ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હજુ ગયા મહિને જ શહેરના ઈન્કમટેક્ષ ચાર રસ્તા પર ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે પરંતુ ગઈકાલ સાંજના વરસાદમાં ઓવરબ્રીજના છેડા પર કેટલોક ભાગ બેસી જતાં કોર્પોરેશનનું તંત્ર ચોંકી ઉઠયુ છે અને તાત્કાલિક આ અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.