Western Times News

Gujarati News

શહેરમાં વાહન વેચાણમાં ઘટાડો: વ્હીકલ ટેક્ષની આવક પણ ઘટી

પ્રતિકાત્મક તસવીર

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોનાના પગલે દુનિયાભરના દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ઓટો બજાર પણ તેમાંથી બાકાત રહ્યું નથી. કોરોના અને લોકડાઉનના પરીણામે અમદાવાદ શહેરમાં નવા વાહનોના વેચાણમાં ચિંતાજનક હદે ઘટાડો થયો છે. તથા ગત વર્ષની સરખામણીએ માત્ર ૪૦ ટકા વાહનોના જ વેચાણ થયા છે. જેની સીધી અસર મ્યુનિ. તિજાેરી ઉપર પણ થઇ છે. મ્યુનિ.કોર્પાેરેશનની વ્હીકલ ટેક્ષ આવકમાં પણ ૩૪ ટકા જેટલો ઘટાડો થયો છે. જ્યારે મિલકતવેરાની આવકમાં પણ ૨૦ ટકા ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં દ્વિ-ચક્રી, ત્રિ-ચક્રી તથા ફોર વ્હીલર વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. મ્યુનિ.રેવન્યુ કમીટી ચેરમેન ગૌતમભાઈ કથીરીયાના જણાવ્યા મુજબ ૨૦૧૯-૨૦માં ઓક્ટોબર મહિના સુધી ૧ લાખ ૨૯ હજાર ૯૮૮ વાહન રજીસ્ટર્ડ થયા હતા તથા મ્યુનિ.કોર્પાેરેશનને વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૪૭.૧૬ કરોડની આવક થઈ હતી. જેની સામે ૨૦૨૦-૨૧માં ૨૩ ઓક્ટોબર સુધી ૪૯૬૩૭ નવા વાહનો રજીસ્ટર્ડ થયા છે.

એપ્રિલ મહિનામાં એકપણ વાહનનું વેચાણ થયું ન હતું. જ્યારે મે માં ૨૧૭, જૂનમાં ૭૧૮૫, જુલાઈમાં ૧૧૫૪૮, ઓગસ્ટમાં ૧૧૩૯૫, સપ્ટેમ્બરમાં ૧૦૨૨૩, ઓક્ટોબરમાં ૯૬૭૯ વાહનોનાં વેચાણ થયાં છે. મ્યુનિ.કોર્પાેરેશને વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૩૧.૧૭ કરોડની આવક થઇ છે. આમ, ગત વર્ષની સરખામણીએ વ્હીકલ ટેક્ષની આવકમાં રૂા.૧૫.૯૮ કરોડનો ઘટાડો થયો છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં વાહન વેચાણમાં વધારો થવાની આશા છે.

મ્યુનિસિપલ કોર્પાેરેશનની મિલ્કતવેરા આવકમાં પણ ઘટાડો થયો છે. લોકડાઉનના કારણે નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિના દરમ્યાન પ્રોપટી ટેક્ષ પેટે માત્ર રૂા.૩.૩૭ કરોડની આવક થઈ હતી. અનલોકમાં રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. સાથે-સાથે રાજ્ય સરકારે પણ આત્મનિર્ભર યોજના અંતર્ગત કોમર્શીયલ મિલ્કતોને ૨૦ ટકા વળતર આપ્યું હતું. જેના કારણે જૂનથી ઓગસ્ટ મહિનામાં રૂા.૫૩૭.૬૦ કરોડની આવક થઈ હતી.

જ્યારે ૨૦૨૦-૨૧માં ૨૩ ઓક્ટોબર સુધી પ્રોપર્ટીટેક્ષ પેટે રૂા.૫૭૨.૩૬ કરોડની આવક થઈ છે. ૨૦૧૯-૨૦માં આ જ સમયગાળા સુધી મિલકતવેરા પેટે રૂા.૭૧૮.૫૮ કરોડની આવક થઈ હતી. આમ ગત નાણાંકીય વર્ષની સરખામણીએ પ્રોપર્ટીટેક્ષની આવકમાં રૂા.૧૪૧.૩૮ કરોડનો ઘટાડો થયો છે. પ્રોફેશનલ ટેક્ષની આવક પણ રૂા.૨૦ કરોડ ઘટી છે. ૨૦૧૯-૨૦માં ૨૩ ઓક્ટોબર સુધી વ્યવસાયવેરાની આવક રૂા.૧૧૫.૨૬ કરોડ થઈ હતી. જેની સામે ૨૦૨૦-૨૧માં રૂા.૯૫.૨૫ કરોડની આવક થી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ.ટેક્ષ વિભાગના જાણકાર સૂત્રોએ જણાવ્યા મુજબ કોરોના અને લોકડાઉનના કારણે આવકમાં ઘટાડો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષની કુલ આવકની ૯૦ ટકા આવક રીબેટ યોજના દરમ્યાન થઇ છે. તેથી દિવાળીના તહેવારો દરમ્યાન વધુ એક વખત રીબેટ યોજના જાહેર કરવામાં આવે તો આવક વધી શકે છે. આર્થિક મંદીના ગાળામાં સીલીંગ ઝુંબેશ કરવી યોગ્ય નથી. નાગરીકોને વ્યાજમાં રાહત થાય તથા તંત્રની આવકમાં પણ વધારો થાય તે માટે વ્યાજ રીબેટ યોજના એકમાત્ર ઉપાય છે. મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટણી માટે ત્રણ મહિના બાદ નિર્ણય થવાનો છે તેથી આ સમયગાળા દરમ્યાન રીબેટ યોજના જાહેર કરવી જરૂરી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.