Western Times News

Gujarati News

અમેરિકાના બે દિગ્ગજ નેતાનું ભારતમાં આગમન

નવી દિલ્હી: અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને રક્ષા સચિવ માર્ક ટી એસ્પર આજે નવી દિલ્હી પહોંચશે. અમેરિકાના આ બંને દિગ્ગજ નેતાઓ ભારતમાં ૨ પ્લસ ૨ બેઠક મંત્રી સંવાદના ત્રીજી શ્રેણી માટે ભારતની રાજધાની આવી રહ્યા છે. મંગળવારે ભારત અને અમેરિકા વચ્ચે ૨ પ્લસ ૨ બેઠક થવાની છે.

પૂર્વ લદાખમાં ચીનનું અડિયલ વલણ અને દક્ષિણ ચીન સાગરમાં વધતા હસ્તક્ષેપનો તોડ કાઢવા માટે તેઓ આવી રહ્યા હોવાનું કહેવાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ નવી દિલ્હીમાં વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે થનારી આ બેઠક અનેક રીતે મહત્વની છે.

બંને દેશ બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફોર જિયોસ્પેશિયલ કોઓપરેશન પર હસ્તાક્ષર કરશે.
બેઠકમાં ચીનના મુદ્દાનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ સૈન્ય કરાર થશે. જે હેઠળ બંને દેશ બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફોર જિયોસ્પેશિયલ કોઓપરેશન પર હસ્તાક્ષર કરશે. ટુ પ્લસ ટુ વાર્તાનો અર્થ છે દ્વિપક્ષીય વાતચીત. જે બે દેશોના રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે થનારી બેઠક છે. આ બેઠકનું ફોર્મેટ જાપાનથી નીકળ્યું છે. જેનો હેતુ બે દેશો વચ્ચે રક્ષા સહયોગ માટે ઉચ્ચ સ્તરની રાજનયિક અને રાજનીતિક વાતચીતને સુવિધાજનક બનાવવાનો છે.

પહેલી મુલાકાત દરમિયાન ૨ ૨ વાર્તાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમરેકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૭માં પોતાની પહેલી મુલાકાત દરમિયાન ૨ ૨ વાર્તાની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૮માં નવી દિલ્હીમાં પહેલીવાર આ બેઠક યોજાઈ હતી. જ્યારે ગત વર્ષ ડિસેમ્બરમાં વોશિંગ્ટનમાં બીજી વાર બેઠક યોજાઈ હતી.

૨ ૨ ડાયલોગે ઓબામા પ્રશાસનમાં બે દેશો વચ્ચે થનારી વિદેશી અને વાણિજ્ય મંત્રી સ્તરની બેઠકની જગ્યા લીધી છે. ભારત ઉપરાંત અમેરિકા સમૂહના બીજા દેશો ઓસ્ટ્રેલિયા, જાપાન સાથે પણ આ પ્રકારની મંત્રી સ્તરની બેઠક યોજે છે. આ બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશમંત્રી એસ.જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે.

દક્ષિણ ચીન સાગરમાં તેની સૈન્ય ઉગ્રતા અને હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શનોને પહોંચી વળવાની રીતો સામેલ છે.
આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં હિન્દ-પ્રશાંત વિસ્તારમાં પ્રભાવ વધારવા માટે ચીનના પ્રયત્નો અને પૂર્વ લદાખ ક્ષેત્રમાં તેનું આક્રમક વર્તન પણ સામેલ છે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકા અનેક વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને ચીન પર આક્રમક પ્રહાર કરી રહ્યું છે.

જેમાં ભારત સાથે સરહદ વિવાદ, દક્ષિણ ચીન સાગરમાં તેની સૈન્ય ઉગ્રતા અને હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શનોને પહોંચી વળવાની રીતો સામેલ છે. પોમ્પિઓ અને એસ્પર પોતાના ભારતીય સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. અમેરિકાના આ બે દિગ્ગજ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને પક્ષોની મુલાકાતથી રક્ષા સંબંધ વધુ મજબૂત બનશે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત-અમેરિકા વચ્ચે રક્ષા સંબંધોમાં ખુબ તેજી આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.