Western Times News

Gujarati News

અમદાવાદ હીરાના કારખાનામાં દિવાળી વેક્શન ૭ દિવસ કરાયું

Files Photo

અમદાવાદ: કોરોના મહામારીએ ઘણા ધંધાઓની હાલત કફોડી કરી નાખી છે. લૉકડાઉનના ચાર મહિના સુધી કારખાનાઓ બંધ રાખ્યા હોઈ હીરા ઉદ્યોગ પણ આર્થિક સંકડામણમાં છે. લૉકડાઉનને કારણે હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે.

દર વર્ષે દિવાળીએ ૨૨ દિવસનું વેકેશન પડતું હોય છે તેની જગ્યાએ આ વખતે વેકેશન ટૂંકાવીને સાત દિવસનું કરી દેવાયું છે. હીરા બજારમાં પણ વેકેશન સાત દિવસનું કરી દેવાયું છે. કોરોનાને કારણે જાહેર થયેલા લૉકડાઉને અનેક ધંધા-ઉધોગનો ભોગ લઈ લીધો છે.

જેમાં અમદાવાદનો હીરા ઉધોગ પણ બાકાત રહ્યો નથી. લૉકડાઉનને કારણે હીરા ઉધોગને પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

અનલોક બાદ હીરા બિઝનેસ ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે. ત્યારે હીરા ઉધોગના માલિકોએ પણ દિવાળી વેકેશન ટૂંકાવી કારખાના ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે. આ અંગે અમદાવાદ ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ મગનભાઈ જણાવે છે કે, અમદાવાદમાં ૨૦૦ હીરાના કારખાના છે.

જેમાં ૭૦ હજારથી વધુ કારીગરો કામ કરે છે. હીરાનો મુખ્ય ઉદ્યોગ મુંબઈ અને સુરત જ રહ્યો છે. અમદાવાદમાં હીરા ઉદ્યોગ હવે માત્ર મજૂરી કામ માટે એટલે કે હીરા ઘસવા અને તેના પોલીશિંગ માટેનું જ વર્ક રહેલું છે.

લૉકડાઉનમાં કારીગર વર્ગને જ સૌથી વધુ નુકસાન થયું છે. એક કારીગર જો મહિને ૧૫ હજારનું કામ કરતો હોય એવા ૭૦ હજાર કારીગરને લૉકડાઉનના ચાર મહિના કામ મળ્યું ન હતું.

એટલે કારીગર વર્ગને પગારની બાબતે કરોડોનું નુકસાન થયું છે. હાલ ડાયમંડ બિઝનેસમાં થોડી લેવાલી શરૂ થઈ છે એટલે હવે રત્નકલાકારોને પણ પૂરતું કામ મળી રહે તે માટે દિવાળી વેકેશન ટૂંકવવાનો ર્નિણય લેવાયો છે.

હીરાના કારખાનાના વેપારી જીતુભાઇ જણાવે છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં હાલ હીરાની લેવાલી જોવા મળી છે. જેને લઈ ઉદ્યોગમાં થોડી તેજી આવી છે. દિવાળીમાં કારખાનાઓ બંધ ન રહે તો તેનો સીધો ફાયદો કારીગરોને થશે.

મહત્ત્વનું છે કે એક સમયે મિલો બંધ થતાં અમદાવાદમાં હીરા ઉદ્યોગ લોકો માટે રોજગારી આપતો ઉદ્યોગ બન્યો હતો. હાલ પણ કારખાના સાથે ૭૦ હજાર જેટલા રત્નકલાકારો હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.