Western Times News

Gujarati News

જાણીતા યૂટ્યૂબર ભુવન બામને કોરોના પોઝિટિવ આવ્યો

મુંબઈ: કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સ આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે આ યાદીમાં હવે જાણીતા યૂટ્યૂબર ભુવન બામનું નામ પણ ઉમેરાયું છે.

ભુવન બામે રવિવારે પોતાના ફેન્સ અને ફોલોઅર્સને આ વિશેની જાણકારી આપી હતી. ભુવને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકીને પોતે કોરોનાથી સંક્રમિત થયો હોવાનું જણાવ્યું છે. ભુવને બે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને આ વિશે જણાવ્યું હતું. ભુવને પહેલી સ્ટોરીમાં લખ્યું, છેલ્લા થોડા દિવસથી તબિયત સારી નહોતી.

ટેસ્ટ રિઝલ્ટ આવી ગયા છે અને હું કોવિડ-૧૯ પોઝિટિવ છું. લોકોને સાવધાની રાખવાની અપીલ કરતાં બીજી સ્ટોરીમાં ભુવને લખ્યું, આ વાયરસને હળવાશમાં ના લેશો. માસ્ક પહેરો, પોતાની જાતને સેનિટાઈઝ કરતાં રહો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. બધું બરાબર રહ્યું તો અહીં જ મળીશ. ઉલ્લેખનીય છે કે, ૨૬ વર્ષીય ભુવન બામને તેની યૂટ્યૂબ ચેનલ બીબી કી વાઈન્સ દ્વારા ખ્યાતિ મળી હતી. ‘બીબી કી વાઈન્સમાં ટૂંકા કોમેડી વિડીયો હોય છે.

જેમાં ભુવન પોતે વિવિધ પાત્રો ભજવે છે. ભુવન બામ કોમેડિયન, સિંગર, સોન્ગ રાઈટર, રાઈટર અને યૂટ્યૂબર છે. ભુવન બામ મૂળ દિલ્હીનો છે. હીર રાંઝા, સફર અને બસ મેં ભુવનના કેટલાક પ્રખ્યાત ગીતો છે. ઉપરાંત ભુવન બામે ‘પ્લસ માઈનસ’ નામની શોર્ટ ફિલ્મમાં દિવ્યા દત્તા સાથે કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભુવન બામ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, શ્વેતા તિવારી, કનિકા કપૂર, માનવ કૌલ, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, હિમાની શિવપુરી વગેરે જેવા બોલિવુડ અને ટેલિવુડના જાણીતા સિતારાઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.