Western Times News

Gujarati News

નર્મદા નીરની બાકી મુદ્દલ રૂા.21.94 કરોડઃ વ્યાજ રૂા.168.35 કરોડ

રાજ્ય સરકારે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણત્રી કરીઃ અમદાવાદ મનપા દ્વારા વન ટાઈમ સેટલમેન્ટનો લાભ લેવા વિચારણા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, “મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડીયા”આ પંક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન માટે યથાર્થ સાબિત થઈ રહી છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા મિલ્કતવેરાના બાકી લેણા પેટે ચક્રવૃદ્ધિ વ્યાજ વસુલ કરવામાં આવે છે.

તેમજ તેની વસુલાત માટે રીબેટ કે સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરને સપ્લાય થતા નર્મદા નીરના બાકી લેણા પેટે મનપા પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસુલ કરવામાં આવી રહ્યું છે. તથા તેની વસુલાત પેટે વનટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી છે.

મ્યુનિ.મિલકતવેરાની માસ્ક રાજ્ય નર્મદા નીરમાં પણ મુદ્દલ કરતા વ્યાજની રકમ ૮૦૦ ગણી વધારે છે. રાજ્ય સરકારની વનટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લેવા માટે મનપા દ્વારા સક્રિય વિચારણા થઈ રહી છે.

રાજ્ય સરકાર તરફથી સપ્લાય કરવામાં આવતા નર્મદા નીર પેટે મનપા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ચૂકવવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પાેરેશનના કોતરપુર, જાસપુર અને રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નર્મદાના પાણી ટ્રીટ કરી સપ્લાય થાય છે.

રાસ્કા પ્લાન્ટમાં શેકી કેનાલમાંથી પાણી સપ્લાય થાય છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૨૦૦૦ની સાલતી રાસ્કામાં પાણી લેવામાં આવે છે.

તે સમયે નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ફ્કીસ વોટર પેટે પ્રતિ એક હજાર લીટરના વીસ પેલા અને નોર્મલ વોટલ ચાર્જ પેટે પ્રતિ એક હજારના ૩૦ પૈસા નક્કી કરવામાં આવ્યા હતા. કોર્પાેરેશન દ્વારા દૈનીક જથ્થાનો જે ઓર્ડર આપવામાં આવ્યો હોય તેને ફીક્સ કે રીઝર્વ વોટરમાં ગણતરી થાય છે.

જ્યારે ખરેખર વાપરવામાં આવેલા પાણીના જથ્થાની નોર્મલ વોટરમાં ગણતરી થાય છે. આમ, નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા પાણીના એક જ જથ્થા પર બે રીતે ચાર્જ લેવામાં આવ્યા હતાં.

મ્યુનિ.કોર્પાેરેશને ૨૦૦૦થી ૨૦૦૩ની સાલ સુધી નોર્મલ વોટર ચાર્જ પેટે સરકારને રૂા.ચાર કરોડ ચૂકવ્યા હતા. નવેમ્બર ૨૦૦૩થી જાન્યુઆરી ૨૦૦૭ સુધી પણ વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા નોર્મલ વોટર પેટે નાણાં ચૂકવવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના કલ્પસર વિભાગ દ્વારા જાન્યુઆરી ૨૦૦૭થી ફીક્સ અને નોર્મલ વોટરના ચાર્જ મર્જ કરવામાં આવ્યા હતા. તથા પ્રતિ હજાર લીટર દીઠ એક રૂપિયો નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં દર વરસે ૧૦ ટકાનો વધારો આપવાનો રહેતો હતો. તે મુજબ ૨૦૨૦-૨૧માં પ્રતિ એક હજાર લીટર રૂા.૩.૮૦ લેખે સરકારને ચૂકવવામાં આવી રહ્યાં છે.

મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા દર મહિને સરેરાશ રૂા.બે કરોડ રાસ્કામાં સપ્લાય થતાં નર્મદા નીર પેટે સરકારને ચૂકવાય છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા માર્ચ-૨૦૨૦ સુધી કુલ રૂા.૧૨૯.૭૮ કરોડ ચૂકવાયા છે. પરંતુ આ તમામ રકમ નોર્મલ એટલે કે ખરેખર વપરાશ થયેલ પાણી પેટે ચૂકવાયા છે.

જ્યારે ૨૦૦૭ સુધી ફીક્સ વોટર ચાર્જ પેટે રૂા.૧૧.૩૧ કરોડ તથા નોર્મલ વોટર ચાર્જ પેટે રૂા.૧૦.૬૩ કરોડ મળી કુલ રૂા.૨૧.૯૪ ચૂકવવાના બાકી છે. જેની સામે રાજ્ય સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી રૂા.૧૬૮.૬૩ કરોડ પેનલ્ટી લગાવી છે.

મ્યુનિ.કોર્પાેરેશનની માસ્ક રાજ્ય સરકારે પણ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરી છે. તેથી શહેરના સામાન્ય નાગરીકોની માફક મનપાની પણ કમર તૂટી જાય તેમ હોવાથી સરકારે “વન ટાઈમ” સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા બાકી રૂા.૨૧.૯૪ કરોડ એકસાથે ચૂકવવામાં આવશે તો સરકાર દ્વારા રૂા.૧૬૮.૬૩ કરોડ વ્યાજની માફી આપવામાં આવશે.

મ્યુનિ.કોર્પાેરેશનના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ નર્મદા નીરના પેમેન્ટમાં મનપા અને સિંચાઈ વિભાગ વચ્ચે વિસંગતતા જાેવા મળે છે.

મ્યુનિ.કોર્પાેરેશનના દાવા મુજબ નડીયાદ સિંચાઈ વિભાગમાં રૂા.૩૫.૧૨ કરોડ જમા કરાવ્યા છે. તથા રૂા.૨૧.૯૪ કરોડ બાકી રહે છે. જ્યારે નડીયાદ સિંચાઈ વિભાગ દ્વારા રૂા.૨૯.૭૯ કરોડની ઉઘરાણી કરવામાં આવી રહી છે.

તેવી જ રીતે અમદાવાદ સિંચાઈ વિભાગમાં પણ જમા કરાવેલ અને બાકી રકમમાં રૂા.૨૨ કરોડનો તફાવત રહે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.