Western Times News

Gujarati News

રાજ્યના વિકાસ અને GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલનો મોટો ફાળો છે:મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય-રાષ્ટ્રના વિકાસ અને GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ અને પરિશ્રમના સમન્વયનો સિંહફાળો રહેલો છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે પણ રજિસ્ટર્ડ શ્રમિકોના કલ્યાણ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી શ્રમિક કલ્યાણ – તેમના પરિવારના સર્વગ્રાહી વિકાસની સતત ચિંતા કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારના સંશાધનો શ્રમિકો-ગરીબ, મઝદૂર છેવાડાના માનવીને સમર્પિત છે. શ્રમિક સંતુષ્ટ હશે તો જ ઊદ્યોગોમાં ઉત્પાદન વૃદ્ધિ, ઉન્નતિ અને પ્રોડકશન તથા GDPમાં વધારો થશે તેવા સાર્વત્રિક શ્રમિક કલ્યાણ ભાવથી સરકાર કાર્યરત છે.

મુખ્યમંત્રીશ્રી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત વિવિધ યોજનાઓના ઇ-શુભારંભ તેમજ બે નવનિર્મિત ભવનના ઇ-લોકાર્પણ અવસરે ગાંધીનરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરી રહ્યા હતા.

શ્રમ રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ શ્રી સુનિલ સિંઘી, શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ શ્રી વિપૂલ મિત્રા, ઇન્ડીયન ઓઇલ કોર્પેરશનના પ્રાદેશિક એકઝીકયુટીવ ડાયરેકટર શ્રી લાંબા તેમજ વેલ્ફેર કમિશનર શ્રી હિતેશ રાહુલ ગાંધીનગરથી આ પ્રસંગે સહભાગી થયા હતા.

રાજ્યના વિવિધ જિલ્લા મથકો તેમજ ઊદ્યોગોના સ્થળોએથી શ્રમયોગીઓ, એચ.આર. મેનેજર્સ અને વેપાર, ઊદ્યોગ જગતના અગ્રણીઓ આ અવસરે જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ અને વડોદરામાં કુલ ૪.પ૯ કરોડના ખર્ચે નવનિર્મિત શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોના ઇ-લોકાર્પણ તેમજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા CSR અન્વયે ૩પ લાખના અનુદાનથી શ્રમિકોની આરોગ્ય તપાસ માટેની ૩ મોબાઇલ વાન અને મોબાઇલ એપ ના લોન્ચીંગ કર્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય-રાષ્ટ્રના ઊદ્યોગ-વેપારના વિકાસમાં શ્રમિકો- શ્રમયોગીઓ રાષ્ટ્રનિર્માણની ભાવનાથી સતત કાર્યરત છે. આ શ્રમિકો પોતાના બ્રેડ-બટરની ચિંતા નહિ, પરંતુ રાષ્ટ્ર-રાજ્યના આર્થિક, ઔદ્યોગિક સર્વગ્રાહી વિકાસની જવાબદારી સાથે પોતાનું કામ કરે છે.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં દિવંગત આત્માઓની શાંતિ માટે બે મિનિટના મૌન સાથે આ ઇ-લોકાર્પણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. ઉપસ્થિત સૌએ આ મૃતાત્માઓની શાંતિની પ્રાર્થના મૌન પાળીને કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના શ્રમિકોને ઊદ્યોગોમાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તેમના વારસદારોને રૂ. ૧ લાખની સહાયની શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે શ્રમયોગીઓને પોતાના ઘરેથી કામકાજના સ્થળે જવા-આવવા માટે સરળ ટ્રાન્સપોર્ટેશન અન્વયે ‘‘સાયકલ સબસિડી યોજના’’ની પણ શરૂઆત કરાવી હતી.

આ યોજના અન્વયે શ્રમિકોને સાયકલ ખરીદી માટે રાજ્ય સરકાર રૂ. ૧પ૦૦ની સહાય આપશે. આવા ૧૭૦૮ શ્રમિકોને ૩૩ લાખ ૩૦ હજારની સહાય તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારે કૃષિ-ઊદ્યોગ અને સેવા-સર્વિસ સેકટર ત્રણેયના સંતુલિત વિકાસ, પ્રોપર ગ્રોથ માટે નીતિ-નિયમો, કાયદાઓ ઘડયા છે તેમાં સૌને સુરક્ષા મળે તેનું પણ ધ્યાન રાખ્યું છે. લઘુત્તમ વેતનથી લઇને અકસ્માત મૃત્યુ સહાય સુધીની વ્યવસ્થાઓ સરકારે સુનિશ્ચિત કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે શ્રમ એવ જયતે ને ચરિતાર્થ કરીને રાજ્યના શ્રમિકોના શ્રમના મહિમાથી તેમને દુનિયાના પડકારો ઝિલી પરાવલંબી નહિ, સ્વાવલંબી બનાવવાની દિશા રાજ્ય સરકારે લીધી છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે મંત્ર આપ્યો છે, તેને સાકાર કરવા શ્રમિકોના શ્રમ, સરકાર અને ઊદ્યોગોના પ્રોત્સાહનથી, મહેનતથી આગળ વધવા પણ પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સમગ્ર દેશ માટે લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટીઝ બન્યું છે તેની છણાવટ કરતા કહ્યું કે, દેશભરના રાજ્યોના શ્રમિકો, કારીગરો ગુજરાતમાં રોજી-રોટી માટે આવીને વસ્યા છે.

રાજ્ય સરકારે કોરોના સંક્રમણમાં આવા શ્રમિકોને એકવાર પોતાના વતન-પરિવાર પાસે જવાની તેમની ઇચ્છા પૂર્ણ કરવા ૧૦ હજારથી વધુ ટ્રેન, ર૦૦૦થી વધુ બસોની સેવાઓ આપીને આઝાદી પછીના સૌથી મોટા માઇગ્રેશનને સફળતાથી પાર પડયું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ શ્રમિકો પણ હવે પરત આવીને પૂન: ઊદ્યોગ-વેપાર એકમોમાં જોડાઇ રહ્યા છે અને કોરોના સામેનો જંગ વિકાસ કામોની ગતિથી જીતવા ‘‘હારશે કોરોના – જિતશે ગુજરાત’’ને ચરિતાર્થ કરે છે.

તેમણે કોરોના સંક્રમણ કાળમાં પણ ગુજરાતમાં ૧૩ હજાર કરોડથી વધુના વિકાસ કામો કરીને વિકાસની ગતિ અટકવા દીધી નથી તેની ભૂમિકા આપતાં ગૌરવ સહ જણાવ્યું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન અને રોલ મોડેલ છે તે પ્રસ્થાપિત થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે શ્રમયોગીઓના ૧૦૦ જેટલા સંતાન જેમણે સ્પર્ધાત્મક પરિક્ષાની તાલીમ મેળવી સફળતા પ્રાપ્ત કરીને સરકારી નોકરીઓ મેળવી છે તેમનું વર્ચ્યુએલ સન્માન કર્યુ હતું. શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ ૧૮ જેટલી યોજનાઓના ૯૮૩૬ લાભાર્થીઓને રૂ. ર કરોડ ૩ર લાખની રકમ-સહાયનું ડી.બી.ટી ટ્રાન્સફરથી ચુકવણું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું.

મુખ્યમંત્રીશ્રીએ શ્રમયોગીઓની જીવનશૈલીમાં આમૂલ બદલાવ લાવતી અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ, યોજનાઓ માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા. શ્રમ રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જે શ્રમિકો પોતાનો પરસેવો અને પરિશ્રમથી ઊદ્યોગો-વેપારને જીવંત રાખે છે તેમના કલ્યાણ, સ્વાસ્થ્ય સુખાકારીની ચિંતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમથી સરકાર કરી રહી છે તેની વિગતો આપી હતી.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ શ્રી સુનિલ સિંઘીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની આયોજન ભૂમિકા આપી હતી.  વેલ્ફેર કમિશનર શ્રી હિતેશ રાહુલે સૌનો આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.