Western Times News

Gujarati News

ઔરંગા નદીમાં પુરની જાણકારી મળતાં વલસાડમાં ૯૮૭ લોકોનું અગાઉથી સ્‍થળાંતર કરાયું 

વલસાડ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પુરની પરિસ્‍થિતિ સર્જાઇ હતી. ઔરંગા નદીમાં ભૈરવી ખાતે લગાવવામાં આવેલી અર્લી વોર્નિંગ થકી પૂરની જાણકારી ડીઝાસ્‍ટર વિભાગને અગાઉથી મળી રહેતાં વલસાડ શહેરના નીચાણવાળા વિસ્‍તાર એવા કાશ્‍મીરાનગર, બરૂડીયાવાડ તેમજ અન્‍ય વિસ્‍તારોના ૯૮૭ લોકોને  વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરની અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્‍થળે અગાઉથી જ સ્‍થળાંતરિત કરાયા છે. સમગ્ર પરિસ્‍થિતિ ઉપર જિલ્લા કલેકટરશ્રી સી.આર.ખરસાણ સતત નજર રાખી રહ્યા છે. વલસાડ જિલ્લામાં અર્લી વોર્નિંગ સિસ્‍ટમ ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પુરની જાણકારી અર્લી વોર્નિગ સિસ્‍ટમ થકી મળી રહેતાં વહીવટીતંત્ર સાબદું થઇને અગમચેતીની જાણકારી નીચાણવાળા વિસ્‍તારોને પહોંચાડી રહી છે. જિલ્લાના અધિકારીઓને અલગ અલગ વિસ્‍તારો ફાળવી લઇ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્‍તારોમાં એન.ડી.આર.એફ.ની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં જોવા જઇએ તો તા.૦૩/૦૮/૨૦૧૯ના રોજ સવારે ૬-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્‍યા દરમિયાન ઉમરગામ તાલુકામાં ૬૧ મી.મી., કપરાડા તાલુકામાં ૧૨૮ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૫૩ મી.મી., પારડી તાલુકામાં ૧૧૬ મી.મી., વલસાડ તાલુકામાં ૯૩ મી.મી. અને વાપી તાલુકામાં ૧૪૦ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.