Western Times News

Gujarati News

બદલાયેલા જમાનામાં દિવાળીનો તહેવાર એક ફારસ અને ફોરમાલીટી સમાન બની ગયો

નૂતન વર્ષની ઉજવણી.

અગાઉના જમાનામાં લોકો નૂતન વર્ષની ઉજવણી બહુ ઉત્સાહ અને આનંદપૂર્વક કરતાં હતાં. દરેક ઘરોમાં રંગરોગાન થતાં, તાંબા પિત્તળના વાસણો સારી રીતે માંજીને કલાઇ કરાવી લેતાં હતાં. ઘરનું આંગણ વાળીઝૂડીને સ્વચ્છ બનાવવામાં આવતું હતું. ઘરનાં મુખ્ય દરવાજા ઉપર આસોપાલવના તોરણ બનાવીને લટકાવવામાં આવતાં હતાં.

પોતાના વતનથી દૂર નોકરી કરતાં પુત્ર પુત્રીઓ, ભાઈભાંડુઓ, બહેનો દરેક વ્યક્તિ દિવાળી કરવા વતનમાં આવતાં હતાં. સગાંસંબંધીઓનું હેતપુર્વક સ્વાગત કરવામાં આવતું હતું. કોઈક કારણોસર, કોઈ પરિવારમાં, પારિવારિક મતભેદ હોય તો પણ એકબીજાને ભેટીને નવાવર્ષની શુભકામના આપતાં હતાં.

ઘરે આવેલા મહેમાનોનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવતું હતું. મહેમાનોને ઘરે બનાવેલા નાસ્તા મૂકવામાં આવતાં હતાં અને મ્હોં મીઠું કરાવવા માટે મોહનથાળ, મગસ, ઘુઘરા કે ઘેબર જેવી ઘર બનાવટની મીઠાઈઓ આપવામાં આવતી હતી.

કુટુંબના, સગાંસંબંધીઓ તથા આડોશપાડોસનાં વ્યક્તિઓ વડીલોના આશીર્વાદ તથા નવા વર્ષની શુભકામના લઇ દેવદર્શન કરવા જતા હતાં. નાના બાળકોને વડીલો તરફથી બોણીમાં નવી કડકડતી નોટો આપવામાં આવતી હતી.

ઘરમાં નવી આવેલી વહુને સાડી, દાગીના તથા આશીર્વાદની ભેટ આપવામાં આવતી હતી. આમ નૂતન વર્ષનો આખો દિવસ બહુ આનંદ, ઉલ્લાસ અને રંગેચંગે ઉજવાતો હતો.

હવેના બદલાયેલા કોમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં દિવાળીનું પર્વ માત્ર ફોરમાલીટી બનીને રહી ગયું છે. હવે લોકો પોતાના વતનમાં જઈ માતાપિતા સાથે દિવાળીનું પર્વ મનાવવાને બદલે, જે વ્યક્તિ જ્યાં રહે છે ત્યાંજ દિવાળી ઉજવે છે.

આમ વડીલો સાથેનો સંપર્ક તથા સંબંધ ઓછો થવા લાગ્યો છે. ઘરમાં સૌ ભેગા મળીને સામૂહિક ભોજન લેવાને બદલે હવે લોકો મોંઘીદાટ હોટલમાં જમવા જાય છે, તેથી કૌટુંબિક ભાવના પણ ઓછી થવા લાગી છે.

હવે લોકો દીવાળી કાર્ડ લખવાને બદલે માત્ર મોબાઈલ દ્વારા શુભેચ્છા પાઠવી દે છે.  આમ બદલાયેલા જમાનામાં દિવાળીનો તહેવાર એક ફારસ અને ફોરમાલીટી સમાન બની ગયો છે. યોગેશભાઈ આર જોશી, હાલોલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.