Western Times News

Gujarati News

મહિલાઓ સ્વશક્તિ જાગૃત કરી, દરેક ક્ષેત્રમાં સમાજનું નેતૃત્વ કરે તે જ સાચી પ્રગતિ છે -ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગર, જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયા-૨૦૧૯ સંદર્ભે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “મહિલાઓ સમાજકારણ,રાજકારણ, અર્થકારણ દરેક સ્તરે આગળ વધી રહી છે. પરંતુ હજી પણ ગ્રામીણ સ્તરે મહિલાઓ પોતાની શક્તિથી અજાગૃત છે. ત્યારે મહિલાઓ પોતાની સ્વશક્તિને પીછાણે, તેને જાગૃત કરે અને તેના થકી વિશ્વના દરેક ક્ષેત્રમાં તે સમાજનુ નેતૃત્વ કરે તે સમાજની સાચી પ્રગતિ ગણાશે.”

દર વર્ષની જેમ આ વર્ષે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ થીમ પર મહિલાલક્ષી કાર્યક્રમોની ઉજવણી થઇ રહી છે. શ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ રાજ્ય સરકારે મહિલાઓના ઉત્થાન માટે લીધેલા પગલાઓની જાણકારી આપતા ઉમેર્યું કે,મહિલાઓના ઉત્કર્ષ માટે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પ૦ ટકા અનામત, પોલિસ ભરતીમાં પણ ૩૩ ટકા અનામત આપી મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાના અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાનીએ ગાંધીજીને અને ગાંધી વિચારધારાને યાદ કરતા કહ્યું હતુ કે, વેદકાલીન સમયમાં સ્ત્રીઓ પુરૂષો સમોવડી જ હતી. જેમાં આપણે દેવી ગાર્ગી, મૈત્રેયી જેવી વિદુશીઓને આપણે જાણીયે જ છીએ પરંતુ મધ્યકાલીન સમયમાં થયેલા ફેરફારો બાદ સ્ત્રીઓ પરના પ્રતિબંધો અને બંધનોમાંથી તેમને મુકત કરી અને તેમની શક્તિ જાણી તેમને  સ્વતંત્રતાની ચળવળમાં  ગાંધીજી દ્વારા જોડવામાં આવી અને ત્યારથી ગાંધી વિચારધારા મુજબ સ્ત્રીઓને ફરી પુરુષ સમાન બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ ગાંધીજીએ સ્ત્રી ઉન્નતી માટેના આધુનિક પ્રયાસોનો પ્રારંભ કર્યો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીના હસ્તે મહિલાલક્ષી વિશિષ્ટ કામગીરી કરનાર યશસ્વી મહિલાઓનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં  નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કરશનભાઈ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ચંદ્વેશ બાંભી,આઈસીડીએસના પ્રોગ્રામ ઓફીસરશ્રી સાવિત્રી નાથ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રફુલ્લાબા જાડેજા, જી.જી.હોસ્પિટલના એસોસીયેટ પ્રોફેસરશ્રી ડો.શિલ્પાબેન ચુડાસમા તથા કસ્તુરબા વિકાસ ગૃહના સંચાલક કરશનભાઈ ડાંગર તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો નગરની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.