Western Times News

Latest News from Gujarat

કરોડો ખેડૂતોને એક વાર ક્લિક કરતાંની સાથે જ નાણાંકીય સહયોગ પ્રાપ્ત થાય છે: પ્રધાનમંત્રી

બેંગલુરુ ટેક સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મારા કેબિનેટના સાથી શ્રી રવિશંકર પ્રસાદજી, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી યેદીરૂપ્પાજી અને ટેકનોલોજીની દુનિયાના મારા વ્હાલા મિત્રો, અહીં એ પણ બંધ બેસતી બાબત છે કે ટેકનોલોજી અંગે યોજાયેલી આ સમિટના આયોજનમાં ટેકનોલોજી સહાયક બની રહી છે.

આપણે પાંચ વર્ષ પહેલાં ડિજિટલ ઇન્ડિયા મિશનનો પ્રારંભ કર્યો હતો. આજે મને એ જણાવતાં આનંદ થાય છે કે ડિજીટલ ઇન્ડિયાને હવે માત્ર સરકારની પહેલ તરીકે જ ઓળખવામાં આવતુ નથી. ડિજિટલ ઇન્ડિયા જીવનનો એક માર્ગ બની ગયુ છે. ખાસ કરીને ગરીબો, સિમાંત અને જે લોકો સરકારમાં છે તેમના માટે. હું ડિજિટલ ઇન્ડિયાનો એટલા માટે આભારી છું કે તેના માધ્યમથી આપણા રાષ્ટ્રએ વિકાસનો વધુ માનવ કેન્દ્રીત અભિગમ અપનાવ્યો છે. ટેકનોલોજીનો આટલો મોટા પાયે ઉપયોગ થવાને કારણે આપણા નાગરિકોના જીવનમાં કેટલાંક પરિવર્તન આવ્યાં છે. એનો લાભ દરેક લોકો જોઈ શકે છે.

આપણી સરકારે ડિજિટલ અને ટેક સોલ્યુશન્સ માટે સફળતાપૂર્વક બજારનુ નિર્માણ કર્યું છે. પરંતુ તે તમામ યોજનાઓમાં ટેકનોલોજી મહત્વનો હિસ્સો બની રહી છે. આપણી સરકારનુ મોડેલ છે ટેકનોલોજી ફર્સ્ટ. ટેકનોલોજી મારફતે આપણે માનવ ગૌરવમાં વધારો કર્યો છે. કરોડો ખેડૂતોને એક વાર ક્લિક કરતાંની સાથે જ નાણાંકીય સહયોગ પ્રાપ્ત થાય છે. કોવિડ- 19નુ લૉકડાઉન જ્યારે ચરમસીમાએ હતુ ત્યારે ટેકનોલોજીના કારણે જ ગરીબ લોકો ઝડપી તથા યોગ્ય સહાય પ્રાપ્ત કરી શકયા હતા. આ સહાયના વ્યાપ બાબતે કેટલીક સમાંતર બાબતો પણ જોવા મળી છે.

ભારત જો વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના, આયુષ્યમાન ભારતનુ સફળ સંચાલન કરી શકતુ હોય તો તેમાં ટેકનોલોજીની ઘણી મોટી ભૂમિકા રહી છે. આ યોજનાએ ખાસ કરીને ભારતના ગરીબ લોકોને વિશેષ સહાય કરી છે. હવે તેમને ઉચ્ચ પ્રકારની અને પોસાય તેવી સારવાર પ્રાપ્ત કરવા અંગે ચિંતા કરવી પડતી નથી.

આપણી સરકારે બહેતર અને કાર્યક્ષમ રીતે સર્વિસ મળતી રહે તેની ખાત્રી માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કર્યો છે. ભારતમાં ઈન્ટરનેટ આશરે 25 વર્ષ પહેલાં આવ્યુ હતું. એક અહેવાલ મુજબ, તાજેતરમાં ઈન્ટરનેટ જોડાણોની સંખ્યા 750 મિલિયનનુ સિમાચિન્હ વટાવી ગઈ છે. પણ, શું તમે એ જાણો છો કે તેની અડધાથી વધુ સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં જ ઉમેરાઈ છે ? આપણી યોજનાઓ ફાઈલમાંથી બહાર નીકળીને લોકોના જીવનમાં આટલુ ઝડપથી અને વ્યાપક રીતે પરિવર્તન લાવી રહી છે તેમાં ટેકનોલોજી એ એક મહત્વનુ કારણ છે. હાલમાં આપણે ગરીબને તેનુ મકાન બાંધવામાં આટલી વ્યાપક ગતિ, ઝડપ અને પારદર્શકતાથી સહાય કરી શકીએ છીએ, તે ટેકનોલોજીને આભારી છે.

આજે આપણે લગભગ તમામ આવાસને વીજળી પૂરી પાડી શકીએ છીએ તેમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે ઝડપથી ટોલ બૂથ પરથી પસાર થઈ શકીએ છીએ તે પણ ટેકનોલોજીને કારણે જ શક્ય બને છે. આપણે આપણી મોટી જન સંખ્યાને ટૂંકા ગાળામાં રસી પૂરી પાડી શકીશુ તેવો આત્મવિશ્વાસ પણ હાલમાં આપણને ટેકનોલોજી જ પૂરો પાડી રહી છે.

મિત્રો, આપણે જ્યારે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે આગળનો પંથ સાથે ભણવાનો અને વિકાસ પામવાનો છે. આ અભિગમથી પ્રેરાઈને ભારતમાં સંખ્યાબંધ ઈનક્યુબેશન સેન્ટર ખુલી રહ્યાં છે. છેલ્લાં થોડાંક વર્ષ દરમ્યાન ભારતમાં હેકેથોનની એક મહાન સંસ્કૃતિનુ નિર્માણ થયુ છે. એમાંના કેટલાક પ્રસંગોમાં મેં હાજરી પણ આપી છે.

આપણાં યુવા માનસ એકઠાં થઈને આપણે દેશ અને દુનિયા જે મહત્વના પડકારોનો સામનો કરી રહ્યો છે તે હલ કરવાના માર્ગો વિચારે છે. સમાન પ્રકારે હેકેથોન્સ સિંગાપોર અને આસિયન રાષ્ટ્રો સાથે સહયોગમાં મદદરૂપ થઈ રહ્યાં છે. જેમનુ કૌશલ્ય અને સફળતા હવે વિશ્વ પ્રસિધ્ધ બની છે તેવાં આપણાં ધબકતા સ્ટાર્ટ-અપ પરિવારને ભારત સરકાર સહયોગ પૂરો પાડી રહી છે.

મિત્રો, આપણે અનેક વખત સાંભળ્યુ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પ્રતિભાને બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે. પડકારો લોકોમાં પડેલી ઉત્તમ બાબતોને બહાર લાવે છે. કદાચ આ બાબત ભારતના અને ટેકી માટે સુસંગત ગણી શકાય તેમ છે. જ્યારે કોઈ સતત ઉઘરાણી કરતો કે આગ્રહી ગ્રાહક હોય કે પછી દબાણ ઉભુ કરતી સમય મર્યાદા હોય, તમે જોયુ હશે કે એવી પ્રતિભાઓ તમે કદાચ તેમના અંગે જાણતા પણ નહી હોવ તે રીતે બહાર આવે છે.

વૈશ્વિક લૉકડાઉનનાં પ્રવાસ નિયંત્રણોને કારણે લોકોને, પોતાના કામના સ્થળથી દૂર, પોતાના ઘરમાં જ રહેવુ પડે તેવી સમસ્યા ઉભી થઈ હતી. બસ આવા વખતે આપણા ટેકનોલોજી સેકટરની સ્થિતિસ્થાપકતા જોવા મળી છે. આપણુ ટેકનોલોજી સેકટર હરકતમાં આવ્યુ અને ઘરેથી અથવા કોઈ પણ સ્થળેથી કામ ચાલુ જ રહે તેવા ઉપાયોનો ઉપયોગ શરૂ કરી દીધો. ટેક ઉદ્યોગને લોકોને સંગઠીત રાખવા માટેના મહાન ઈનોવેશન તરીકે ઓળખવામાં આવે છે.

કોવિડ – 19 મહામારી એ માર્ગમાંનો એક વળાંક છે, અંત નથી. તે તો માર્ગનો એક વળાંક હતો અંત નહીં. એક દાયકામાં જે પ્રમાણમાં ટેકનોલોજી અપનાવવાની કામગીરી નહી થઈ શકી હોય તે માત્ર થોડા સમયમાં જ શકય બન્યુ છે. કોઈ પણ સ્થળેથી કામ થઈ શકે તે એક ધોરણ બની ગયુ છે અને તે સ્થિતિ ટકીને રહેવાની છે.

આપણે શિક્ષણ, આરોગ્ય, ખરીદી અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં ટેકનોલોજી અપનાવીશું. મને ટેકનોલોજીની દુનિયાના મોટા ભાગના લોકો સાથે સીધા સંકળાવાનો મોકો મળ્યો હોવાથી હું આવુ આત્મવિશ્વાસ સાથે કહી શકુ તેમ છું. આપણા પ્રયાસોના કારણે જ આપણે અપાર ફીઝીકલ – ડિજિટલ કનવર્જન્સ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો બહેતર અનુભવ પ્રાપ્ત કરી શકીશું. આપણે ચોકકસપણે ટેક ટુલ્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવીશું.

મિત્રો, ઔદ્યોગિક યુગની સિધ્ધિઓને આપણે પાછળ જોઈ શકાય તેવા અરીસાથી જોવાની રહે છે, અને આપણે હવે માહિતી યુગની મધ્યમાં છીએ. ભવિષ્યનુ ધારણા કરતાં વહેલુ આગમન થઈ રહ્યુ છે. આપણે વિતેલા યુગની વિચાર પ્રક્રિયાને ઝડપથી ખંખેરી નાખવાની રહેશે. ઔદ્યોગિક યુગમાં પરિવર્તન મુખ્ય બાબત હતી, પણ માહિતી યુગમાં પરિવર્તન પરિસ્થિતિ બદલનાર અને વ્યાપક પરિબળ બની રહેતુ હોય છે.

ઔદ્યોગિક યુગમાં  પ્રથમ કામ શરૂ કરવાનો લાભ સર્વસ્વ બની જતો હતો, પણ માહિતીના યુગમાં પ્રથમ શરૂઆત કોણે કરી તે મહત્વનુ બની રહેતુ નથી. પણ શ્રેષ્ઠ કામ કોણે કર્યુ તે મહત્વનુ બની રહે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે બજારનાં વર્તમાન સમીકરણો પલટાવી નાખી શકે તેવી પ્રોડકટ બનાવી શકે છે.

ઔદ્યોગિક યુગમાં સરહદો મહત્વની બની રહેતી હતી. પણ માહિતી યુગમાં આપણે સરહદો વટાવીને આગળ જઈ રહ્યા છીએ. ઔદ્યોગિક યુગમાં કાચો માલ શોધવાની બાબત મુખ્ય પડકાર હતી અને ખૂબ થોડા લોકોને તેમાં સફળતા પ્રાપ્ત થઈ શકતી હતી. માહિતીના યુગમાં માહિતી એ જ કાચો માલ છે અને તે આપણી સામે સર્વત્ર પડેલી છે, અને દરેક વ્યક્તિ તે પ્રાપ્ત કરી શકે છે. એક દેશ તરીકે ભારત માહિતી યુગમાં આગળ ધપવા માટેની હરણફાળ ભરી શકવા માટે સુસજજ છે.

આપણી પાસે ઉત્તમ પ્રતિભાઓની સાથે સાથે ઉત્તમ બજાર પણ છે. આપણાં સ્થાનિક ટેકનોલોજી સોલ્યુશન્સ વિશ્વમાં પ્રભાવ પાથરવાની ક્ષમતા ધરાવે છે. ભારત એક મહત્વના લાભદાયી તબક્કે આવી ઉભુ છે. હવે એ સમય પાકી ગયો છે કે જ્યારે સોલ્યુશન્સની ડિઝાઈન ભારતમાં થશે પણ તેનો ઉપયોગ દુનિયાભરમાં થશે.

મિત્રો, આપણા નીતિ વિષયક નિર્ણયોનો ઉદ્દેશ હંમેશાં ટેકનોલોજી અને ઈનોવેશન ઉદ્યોગનુ ઉદારીકરણ કરવા તરફી રહ્યો છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે આપણે વિવિધ પ્રકારે માહિતી ટેકનોલોજી ઉદ્યોગનો નિયમ પાલનનો બોજ હળવો કરી દીધો છે. આ ઉપરાંત, આપણે ટેક ઉદ્યોગના સહયોગીઓ સાથે સંપર્કમાં રહીને ભારત માટે ભવિષ્યમાં પણ ટકાઉ નિવડે તેવુ નીતિ વિષયક માળખુ ઘડી કાઢવા પ્રયાસ કરી રહ્યા છીએ.

તમે ઉદ્યોગના પ્રેરક પરિબળ છો. શું આપણે આપણાં પ્રોડકટ લેવલનાં ઈનોવેશન્સને હવે પછીના સ્તરે લઈ જવાનો સભાન પ્રયાસ કરી શકીએ ? ફ્રેમવર્કના સ્તરની માનસિકતા વિવિધ સફળ પ્રોડકટસની ભિન્ન પ્રકારની પ્રોડકટસના નિર્માણ માટેની વ્યવસ્થાનુ નિર્માણ કરી શકે તેમ છે. એક માળખાનુ  નિર્માણ કરવુ તે અનેક લોકોને માછીમારી કરવાનુ શિખવવા બરાબર છે અને સાથે સાથે તેમને ફીશીંગ નેટ આપીને મત્સ્ય ભરેલા તળાવ સમક્ષ લઈ જવા સમાન પણ છે !

માળખા સ્તરની આવી જ માનસિકતાનુ એક ઉદાહરણ યુપીઆઈ હતું. પરંપરાગત પ્રોડકટ લેવલના સ્તરની વિચાર પ્રક્રિયા હાથ ધરાઈ હોત તો આપણે માત્ર ડિજિટલ પેમેન્ટ પ્રોડકટ બહાર પાડી શકયા હોત. આપણે ભારતને યુપીઆઈ સ્વરૂપે એક એવી પેમેન્ટ પ્રોડકટ આપી છે કે જ્યાં દરેક પોતાની ડિજિટલ પેમેન્ટ પ્રોડકટ મુકી શકે છે અને ડિજિટલ પેમેન્ટ પ્લગ- ઈન કરી શકે છે. આનાથી ઘણી પ્રોડકટનુ શક્તિકરણ થયુ છે.

ગયા મહિને બે અબજથી વધુ આર્થિક વ્યવહારો નોંધાયા છે. આપણે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જેવુ જ સમાન પ્રકારનુ કામ હાથ ધરી રહ્યા છીએ. તમારામાંના કેટલાકે સ્વામિત્વ યોજના અંગે સાંભળ્યુ હશે. એ આપણા ગ્રામ વિસ્તારોમાં વસતા કરોડો લોકોને તેમની મિલકતનાં ટાઈટલ્સ આપવાની એખ મહત્વાકાંક્ષી યોજના છે. આ કામગીરી પણ ડ્રોન જેવી ટેકનોલોજીના માધ્યમથી હાથ ધરાશે. તેનાથી અનેક વિવાદોનો અંત તો આવશે જ પણ સાથે સાથે લોકોનુ સશક્તિકરણ થશે. એક વાર મિલકતના હક્કો મળી જશે એટલે ટેકનોલોજીકલ ઉપાયો સમૃધ્ધિની ખાત્રી આપી શકશે.

મિત્રો, ટેકનોલોજી સંરક્ષણ ક્ષેત્રમાં પણ પ્રગતિનો માર્ગ મોકળો કરવાની બાબતને ગતિ આપવાનુ કામ રહી છે. આગાઉ યુધ્ધનુ પરિણામ કોની પાસે સારા ઘોડા કે હાથી છે તેને આધારે નક્કી થતુ હતું. તે પછી અગ્ની શક્તિનો યુગ આવ્યો. હવે વૈશ્વિક સંઘર્ષોમાં ટેકનોલોજી ખૂબ મહત્વની ભૂમિકા બજાવી રહી છે. સોફટવેરથી માંડીને ડ્રોન અને યુએવી ટેકનોલોજીએ સંરક્ષણ ક્ષેત્રનુ ચિત્ર બદલી નાખ્યુ છે.

મિત્રો, ટેકનોલોજીનો ઉપયોગ જેમ વ્યાપક બનતો જાય છે તેમ તેમ ડેટા પ્રોટેકશનની સાથે સાથે સાયબર સિક્યોરિટી ખુબ જ મહત્વની બની રહે છે. આપણા યુવાનો સક્ષમ સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ પૂરાં પાડવામાં મહત્વની ભૂમિકા બજાવી શકે તેમ છે. આ સોલ્યુશન ડિજીટલ પ્રોડકટસ માટે સાયબર હુમલાઓ અને વાયરસ સામે અસરકારક રસીનુ કામ કરી શકે તેમ છે. આજે આપણો ફીનટેક ઉદ્યોગ ઘણી સારી રીતે કામ કરી રહ્યો છે. કરોડો લોકો સહેજ પણ ભીતિ વગર આર્થિક વ્યવહારો કરી રહ્યા છે. આવુ લોકોના વિશ્વાસને કારણે શકય બને છે અને તેને જાળવી રાખવાનુ અને મજબૂત બનાવવાનુ કામ ખૂબ મહત્વનુ છે. ડેટા વ્યવસ્થાનુ મજબૂત માળખુ સ્થાપિત કરવુ તે પણ આપણી અગ્રતા છે.

મિત્રો, આજે મેં જ્યારે મુખ્યત્વે માહિતી ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે ત્યારે વિજ્ઞાનના ક્ષેત્રે પણ ઈનોવેશનની જરૂરિયાત અને વ્યાપ તેટલો જ સુસંગત છે. બાયોસાયન્સ હોય કે એન્જીન્યરીંગ, પ્રગતિ માટે ઈનોવેશન મહત્વનુ છે. આપણા યુવાનોની પ્રતિભા અને ઈનોવેશન કરવાના તેમના ઉત્સાહને કારણે ઈનોવેશનના ક્ષેત્રે ભારત દેખીતી રીતે લાભદાયક સ્થિતિમાં છે.

મિત્રો, આપણા યુવાનોની ક્ષમતા અને ટેકનોલોજીની સંભાવનાઓ અપાર છે. એ સમય પાકી ગયો છે કે આપણે આપણુ ઉત્તમ સત્વ દાખવીએ અને તેનો લાભ લઈએ. મને વિશ્વાસ છે કે આપણુ આઈટી સેકટર આપણને ગૌરવ અપાવશે. PIB Ahmedabad.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers