Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્રારા લાભપંચમીની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી

લાભપંચમી નિમિત્તે ૬x૧૦ ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી.
જીવનમાં સુખી થવા માટે લાભ પાંચમ પ્રસંગે પાંચ નિયમો લેવા જોઈએ – સાધુ પ્રેમવત્સલદાસજી

તા.૧૯ – ૧૧ -૨૦ર૦ને ગુરુવારે શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર દ્રારા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં લાભપાંચમી – જ્ઞાનપંચમી ની ઉજવણી કરવામાં આવી હતી.

આ લાભપંચમી નિમિત્તે ૬x૧૦ ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. જેની અંદર સૌનું નવું વર્ષ શુભદાયી નીકળે અને સૌને આર્થિક લાભ પ્રાપ્ત થાય તે માટે ના ચિહ્મ શુભ અને લાભ કંડારવામાં આવ્યા હતા સાથે સાથે શ્રી ફળ ની કૃતિ પણ તૈયાર કરવામાં આવી હતી.

લાભપાંચમ હોવાથી વેપારીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ દર્શન કરીને મહંત શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ના શુભ આશીર્વાદ મેળવીને આજથી પોતાના ધંધા – વેપારનો પ્રારંભ કર્યો હતો.

લાભપંચમી પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ દિવસે એકાંક્ષી શ્રી ફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓને ચોપડાપૂજન કરવાનું રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે.

આ દીવસે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનની પાસે સુવર્ણનો કળશમાં શ્રી ફળ પધરાવવામાં આવે છે અને જનમંગલના પાઠ કરવામાં આવે છે. આ દિવસે વેપારીઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સંતના આશીર્વાદ લઈને પોતાનો ધંધા વેપારનો પ્રારંભ કરે છે.

લાભ પંચમી એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં લાભ થાય અને દેશ અને સમાજને પણ કાંઈક લાભ થાય તે માટે પાંચ નિયમો લઈને લાભપંચમી ઉજવવી જોઈએ

આ દિવસે આપણે સ્વછતા જાળવીશુ,દારુ – ગુટકાઆદિના વ્યસનો નહી કરીએ, માતાપિતાની સેવા કરીશું, લાંચ રુશ્વત નહી લઈએ, ક્રોધ નહી કરીએ આવા નિયમો જો આજના દિવસો જનસમાજ અંગીકાર કરે તો તે પણ સુખી થશે અને આ નિયમો લેવાથી દેશને અને સમાજને પણ ખૂબ જ લાભ થઈ શકે છે.

જે મનુષ્યો આધ્યત્મિક માર્ગે આગળ વઘવું છે તેમણે આ વર્ષમાં મારે ધર્મ,જ્ઞાન,વૈરાગય, ભકિત અને સેવા કરવી છે એવા મુખ્યત્વે પાંચ નિયમો ગ્રહણ કરવા જોઈએ.

આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે લાભપંચમીના દિવસથી સો ઘંધા – વેપારનો પ્રારંભ કરે છે. તેની સાથે – સાથે આજથી આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વઘવા માટે પણ જીવનમાં કાંઈક નૂતન સંકલ્પ કરીને પ્રારંભ કરવો જોઈએ.વેપારી ધંધામાં નફો થાય તેવો જ વેપાર કરે છે. તેમ આપણે આધ્યાત્મિક માર્ગે નફો થાય તેવો જ વેપાર કરવો જોઈએ એટલે કે, જીવનમાં સુખ – શાંતિ મેળવવા માટે સકારાત્મક દ્રષ્ટિ કેળવવી જોઈએ. દરેકમાંથી સારા ગુણો લેવાનો પ્રારંભ કરવો જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.