Western Times News

Gujarati News

કોરોના સંક્રમિત પત્રોથી નેતાને ટાર્ગેટ કરવાની શંકા

Files Photo

નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસનો ખતરો ઓછો નથી થઈ રહ્યો. અનેક દેશોમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા સતત વધી રહી છે. એક વખત કાબૂમાં આવ્યા બાદ પણ અનેક દેશોમાં હાલત ફરીથી ખરાબ થઈ રહી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલે દાવો કર્યો છે કે દિગ્ગજ રાજકીય નેતાઓને કોરોના સંક્રમિત પત્રો મોકલીને શિકાર બનાવવામાં આવી શકે છે! ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન તરફથી દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે.

ઇન્ટરપોલ તરફથી એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ દસ્તાવેજોને લઈને સાવધાની રાખવી. ઇન્ટરપોલે દાવો કર્યો છે કે કોવિડ સંક્રમિત પત્રો અથવા દસ્તાવેજો મારફતે રાજકીય હસ્તીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. તાજેતરમાં જાહેર કરવામાં આવી માર્ગદર્શિકા પ્રમાણે ઇન્ટરપોલે દુનિયાના અન્ય દેશો સહિત ભારતની તપાસ એજન્સીઓને ચેતવણી આપી છે, જેમાં કામ કરવાની અલગ અલગ રીત પર દેખરેખ વધારવાનું કહેવામાં આવ્યું છે.

ઇન્ટરપોલ તરફથી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય વૈશ્વિક નેતાઓને નિશાન બનાવીને કોરોના સંક્રમિત પત્રો મોકલવામાં આવી શકે છે. આનાથી ખૂબ જ સચેત રહેવાની જરૂર છે. ઇન્ટરપોલના જણાવ્યા પ્રમાણે દુનિયાના મોટા નેતાઓને કોરોના સંક્રમિત કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, તપાસ એજન્સીઓના અધિકારીઓ, ડૉક્ટર્સ, જીવનજરૂરી સેવામાં રોકાયેલા લોકોને ડરાવવા માટે તેમના ચહેરા પર ઉધરસ ખાવાના અને થૂંકવાના કેસ સામે આવી ચૂક્યા છે.

જો આવું કરનાર વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેનાથી ખતરો વધી શકે છે. કહેવામાં આવ્યું છે કે સપાટીઓ પર અને વસ્તુઓ પર થૂંકવાના અને ઉધરસ ખાઈને જાણી જોઈને કોરોના સંક્રમણ ફેલાવવાની સૂચના મળી છે. અમુક કોવિડ-૧૯ સંક્રમિત પત્રો પણ મળ્યા છે. જેનાથી રાજકીય નેતાઓને શિકાર બનાવી શકાય છે. આ કામ કરનાર લોકો અન્ય સમૂહોને પણ પ્રભાવિત કરી શકે છે. આંતરરાષ્ટ્રીય એજન્સીએ કહ્યુ કે અમુક લોકો કોરોના સંક્રમિત હોવા છતાં જાણી જોઈને એવા વિસ્તારોમાં જઈ શકે છે

જ્યાં કોરોનાનું સંક્રમણ નથી ફેલાયું. આ સાથે જ કોરોના સંક્રમિતના સેમ્પલ્સ ઑનલાઇન વેચવાનો દાવો કરતી એક યાદી પણ મળી છે. ઇન્ટરપોલ તરફથી તમામ વિભાગોને સતર્ક રહેવાની સૂચના આપી છે. જોકે, ઇન્ટરપોલે પોતાની ગાઇડલાઇન્સમાં કોઈ એવા ઉદાહરણનો ઉલ્લેખ નથી કર્યો, જ્યાં કોઈ રાજકીય નેતાને કોવિડ સંક્રમિત પત્ર મોકલવામાં આવ્યો હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.