Western Times News

Latest News from Gujarat

ધમરોડ હાઈવે ઉપરથી ઔદ્યોગિક પ્રદુષિત કેમિકલનું નિકાલ કરતા બે ટેન્કર ઝડપાયા

ઝઘડિયા જીઆઈડીસી માંથી ગેરકાયદેસર રીતે કેમીકલ ભરી નિકાલ કરતા હતા.

સુરત જીપીસીબી અને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી સેમ્પલ મેળવી વધુ તપાસ હાથધરી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ગેરકાયદેસરના કેમિકલ નિકાલની રોજ બરોજ ઘટના વધતી જાય છે અને હવે આ કૌભાંડ આંતરરાજ્ય બનતું જાય છે.આ બાબતો માં પ્રજા માં જાગૃતિ આવી છે પરંતુ તંત્ર નિંદ્રાવસ્થા માં જતું નજરે પડી રહ્યું છે.

ત્યારે આવીજ એક ઘટના સામે આવી છે.જેમાં ભરૂચ જીલ્લાની ઝઘડિયા જીઆઈડીસી માંથી કેમીકલ વેસ્ટ ભરી બે ટેન્કરને ધમરોડ હાઈવે ઉપર થી ઝડપાતા કોસંબા પોલીસ મથક ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રીના સમયે બે શંકાસ્પદ લાગતા તેમજ રાજ્ય બહારના રજીસ્ટ્રેશન નંબર ધરાવતા કેમીકલ ટેન્કરો જેમના નંબર એમએચ ૦૪ જીસી ૨૩૧૫ અને એમપી ૦૯ કેડી ૬૭૦૦ ની માહિતી પર્યાવરણ વાદીઓને મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અને સુરત જીપીસીબી અને કોસંબા પોલીસ ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જીપીસીબી દ્વારા તેમની રૂટિન મુજબ ની તપાસ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બંન્ને ટેન્કરો જપ્ત કરી ચાલકો ની અટકાયત કરવામાં આવી હતી.

આ ઘટના અંગે પ્રકુતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ઔદ્યોગિક વિકાસ ની સાથે સાથે ગેરકાયદેસર ઔદ્યોગિક વેસ્ટ કેમિકલ નિકાલ ના ગોરખધંધા નો પણ વિકાસ થયો છે.પ્રદુષણ માફિયા ઓ સરકાર ની નીતિઓ/નિયમો થી બે કદમ આગળ જ હોય છે.ભ્રષ્ટ તંત્ર અને ઢીલા/લુલા કાયદાઓ નો લાભ આ માફિયાઓ ઉઠાવી રહ્યા છે.

ગાડીઓ ના ખોટા નમ્બર પ્લેટ નો ઉપયોગ, ખોટા વહન ના દસ્તાવેજો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને હવે આ આંતરરાજ્ય કૌભાંડ બની ગયું છે.તારીખ ૨૦ના રોજ રાજસ્થાન પાસિંગ વાહન હતું આજ ના બનાવ માં એક એમપી નું પાસિંગ અને બીજું મહારાષ્ટ્ર ના પાસિંગ ની ગાડી મળી આવી છે અને ગાડી ના ડ્રાઈવર ના કેહવા મુજબ તેણે આ બંને ગાડીઓ ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ એક કંપની માંથી ભરી હતી અને પોતે અભણ હોવાથી કંપની નું નામ જાણતો નથી તેમ જણાવ્યું હતું.

સુરત જીપીસીબી ના રીજનલ ઓફિસર પી.યુ.દવે એ જણાવ્યું હતું કે પોલીસ સાથે પરામર્શ માં રહી ને તપાસ ચાલુ છે અને સ્થળ તપાસ કરી નમૂના એકત્રીકરણ કરી પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવાની છે તે કરવામાં આવશે અને સંયુક્ત રીતે પ્રક્રિયા ચાલુ છે.ત્યાર બાદ જ માલુમ પડશે કે ટેન્કર કઈ કંપની માંથી ભરાયું હતું અને તેમાં કયું કેમિકલ વેસ્ટ હતું અને પોલીસ તપાસ માં જે બહાર આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગતરોજ તારીખ ૨૯-૧૧-૨૦૨૦ ના રોજ રાત્રે કીમ ખાડી માં ટેન્કર દ્વારા જાહેર માં મુખ્ય હાઈવે પર થી જ કેમિકલ ના નિકાલ કરતા ટેન્કર માફિયા ને પર્યાવરણ વાદીઓ તરફથી પકડવામાં આવ્યા હતા.જેમાં ટેન્કર અને બે વ્યક્તિઓ ની અટક કરવામાં આવી છે.કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ એ ફરિયાદમાં કંપની નું નામ લખવામાં આવ્યું નથી તેમજ કાયદા ની હલકી કલમો લગાવવા માં આવી હતી.

જેનાથી આવી વ્યક્તિઓ જામીન લઈ ફરી એજ વ્યવસાય માં સક્રિય થઈ જાય છે અને એક જ ટેન્કર પણ અનેક વખત પકડાય છે.તેમ છતાં કોઈ કડક કાર્યવાહી નહિ કરવામાં આવતા આવા તત્વોને છૂટો દૌર મળી રહ્યો છે.જેના પગલે પર્યાવરણ ને નુકશાન થઈ રહ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers