Western Times News

Gujarati News

પોલીસે લોકોને દંડના બદલે માસ્કનું મહત્ત્વ સમજાવી માસ્ક પહેરાવ્યા

સુરેન્દ્રનગર: દિવાળી પછી રાજ્યમાં જ નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જે બાદમાં રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફ્‌યૂની જાહેરાત કરી છે.

બીજી તરફ કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર તરફથી અધિકારીઓને આદેશ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન સુરેન્દ્રનગર પોલીસની ગાંધીગીરી સામે આવી છે.

અહીં પોલીસે માસ્ક પહેર્યાં વગર બહાર નીકળતા લોકોને દંડ ન ફટકારતા તેઓને માસ્ક પહેરાવ્યાં હતા અને શા માટે માસ્ક પહેરવું જોઈએ તે વિશે પણ સમજાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં કોરોનાના કેસ વધતા જાહેર સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન પોલીસે વાહન ચાલકોને દંડ ફટકારવાને બદલે માસ્ક પહેરાવ્યા હતા. કદાચ પોલીસને હવે સમજાયું છે કે લોકોને દંડનો ડર નથી પરંતુ જો તેમને સમજાવવામાં આવ તો તેઓ માસ્ક પહેરી રાખે છે. આ માટે જ પોલીસે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે લખતર બસ સ્ટેન્ડ પર માસ્કનો દંડ દેવાના બદલે પોલીસે લોકોને પોતાની અને બીજા લોકોની સુરક્ષા માટે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી અને તેઓને માસ્ક પણ પહેરાવ્યા હતા. લખતરમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે પોલીસે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

લખતર તાલુકામાં અને ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે લોકો સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવે છે.

ત્યારે લખતર પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.એસ.ચુડાસમા અને સ્ટાફે લખતર બસ સ્ટેન્ડ પર માસ્ક વગર ફરતા લોકોને માસ્કનો દંડ કરવાના બદલે લોકોને સમજાવી માસ્ક પહેરાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેર વચ્ચે જો કોઈ વ્યક્તિ માસ્ક વગર બહાર નીકળે તો પોલીસ તેમને પકડીને ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારે છે.

બીજી તરફ લૉકડાઉન દરમિયાન પોલીસે કામ વગર બહાર નીકળતા લોકોને ફટકાર્યાં હોય તેવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. લૉકડાઉન દરમિયાન પોલીસ લોકોને ફટકારે ત્યારે મોર બોલે એવો શબ્દ ખૂબ પ્રસિદ્ધ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.