Western Times News

Gujarati News

અમદાવાદમાં પ્રવેશતા ભારે વાહનો પર પ્રતિબંધ

શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે. 

ગાંધીનગર :અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણ ને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરટીઓમાં કામકાજ માટે આવતા વાહનો માટે સવારે 10 થી 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે.

સુભાષ બ્રિજ આરટીઓ કચેરીના કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચિમન ભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે.

સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા 132 ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવરજવર કરી શકાશે.

વસ્ત્રાલ આરટીઓ કચેરીના કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ ફક્ત આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે.

આ સાથે જ આ જાહેરનામા અંતર્ગત જીવનજરૂરી ચીજવસ્તુઓ જેમ કે, દૂધ-શાકભાજી, ફ્રુટ, પેટ્રોલ-ડીઝલના વાહનોને ઉપરના રુટ પર સવારે 9 થી બપોરે 1 અને સાંજના 4 થી 9 સિવાયના સમયગાળામાં આવવા જવા માટે છૂટછાટ આપવામાં આવી છે.

જાહેરનામા મુજબ, અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાનો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. જેથી લાઈટ મોટર વ્હીકલ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતુ હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઈટ પેસેન્જર વ્હીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, તે સિવાયના વ્હીકલને શહેરમાં અવરજવર કરવા પર સવારે 8 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.