Western Times News

Gujarati News

નવી દિલ્હીમાં 80 વર્ષ જૂનાં આઠ બંગલોને તોડી સાંસદો માટે 76 ફ્લેટનું નિર્માણ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સાંસદો માટે બનેલા બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફ્લેટ નવી દિલ્હીમાં ડો. ડી બી માર્ગ પર સ્થિત છે. 80 વર્ષથી વધારે જૂનાં આઠ બંગલોને તોડીને એના સ્થાને 76 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. (PM Narendra Modi has inaugurated 76 newly constructed flats for MPs at B.D. Marg, near Parliament House. Comprising of three Towers, the Flats are named after our holy rivers ‘Ganga’, ‘Yamuna’ & ‘Saraswati’, which have an immense historical & cultural significance.)

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાંસદો માટે આ બહુમાળી ફ્લેટમાં ગ્રીન બિલ્ડિંગ એટલે કે પર્યાવરણને અનુકૂળ ફ્લેટના નિયમોને સામેલ કરવામાં આવ્યાં છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ નવા ફ્લેટ તમામ રહેવાસીઓ તથા સંસદ સભ્યોને સલામત અને સુરક્ષિત રાખશે. તેમણે કહ્યું હતું કે, સાંસદો માટે રહેઠાણ લાંબા ગાળાની સમસ્યા છે, પણ હવે એનું સમાધાન મળ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ જૂની સમસ્યાઓનું સમાધાન એને ટાળવાથી ન મળે, પણ આ માટે સમાધાનો શોધવા પડે. તેમણે દિલ્હીમાં આ પ્રકારના ઘણા પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી, જે ઘણા વર્ષોથી અધૂરાં હતાં અને તેમની સરકારે પૂર્ણ કર્યા છે અને એ પણ નિર્ધારિત સમયમર્યાદા અગાઉ. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન આંબેડકર રાષ્ટ્રીય સ્મારક વિશે ચર્ચા શરૂ થઈ હતી,

પણ 23 વર્ષના લાંબા વિલંબ પછી આ સરકાર દ્વારા સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય માહિતી પંચની નવી બિલ્ડિંગ, ઇન્ડિયા ગેટ નજીક યુદ્ધ સ્મારક અને રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નિર્માણ એમની સરકારે કર્યું છે. આ તમામ પ્રોજેક્ટ લાંબા સમયથી વિલંબિત હતા.

પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે, તમામ સાંસદોએ સંસદની કામગીરી માટે કાળજી રાખી છે અને તેઓ સંસદની કામગીરીને નવી ઊંચાઈએ લઈ ગયા છે. તેમણે સંસદની કામગીરીને વધારે અસરકારક બનાવવા માટે કાર્યદક્ષ નેતૃત્વ પ્રદાન કરવા બદલ લોકસભાના અધ્યક્ષની પ્રશંસા કરી હતી.

તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, રોગચાળાના સમયગાળા દરમિયાન પણ સંસદની કામગીરી જળવાઈ રહી છે, જેમાં નવા નિયમનો લાગુ કરવામાં આવ્યાં છે અને સાવચેતીનાં કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસદના ચોમાસુ સત્રમાં બંને ગૃહોએ શનિવાર-રવિવારે પણ સરળતાપૂર્વક અને અસરકારક રીતે કામગીરી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, યુવાનો માટે 16થી 18 વર્ષની વય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. આપણે વર્ષ 2019ની ચૂંટણી સાથે 16મી લોકસભાની મુદ્દત પૂર્ણ કરી છે તથા આ સમયગાળો દેશની પ્રગતિ અને વિકાસ માટે ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2019માં 17મી લોકસભાની મુદ્દત શરૂ થઈ છે અને આ સમયગાળા દરમિયાન લોકસભાએ કેટલાક નિર્ણયો પહેલાથી લીધા છે, જેમાં લોકસભાએ હાથ ધરેલા કેટલાંક ઐતિહાસિક નિર્ણયો પણ સામેલ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી (18મી) લોકસભા દેશને નવા દાયકામાં પ્રગતિના પંથે લઈ જવા માટે અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.