Western Times News

Gujarati News

ગ્રાહકો લગ્ન માટે કાર્ડ છપાવ્યા પછી લેવા આવતા નથી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ઘટાડી છે. આ કારણે લગ્નપ્રસંગ સાથે સંકળાયેલા વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લગ્નપ્રસંગમાં મહેમાનો ઘટાડવાના દિલ્હી સરકારના આદેશથી લગ્નના કાર્ડ છાપનારા લોકોના વ્યવસાયમાં સમસ્યા ઊભી થઈ છે. તેઓનું કહેવું છે કે જ્યારે મહેમાનોની સંખ્યા ૨૦૦ હતી ત્યારે લોકોએ ડિસેમ્બરમાં આયોજિત લગ્ન માટેના કાર્ડ છપાવ્યા હતા.

હવે જ્યારે મહેમાનોની સંખ્યા ઘટાડીને ૫૦ કરવામાં આવી છે ત્યારે ક્લાયન્ટ્‌સ (ગ્રાહકો) હવે આ કાર્ડ લેવા માટે પણ આવી રહ્યા નથી. દિલ્હી વેડિંગ એન્ડ ગ્રીટિંગ કાર્ડ મેન્યુફેક્ચરર્સના પ્રેસિડેન્ટ વિમલ જૈનના જણાવ્યા મુજબ નવેમ્બરમાં આયોજિત લગ્નના કાર્ડ તો ક્લાયન્ટ્‌સ દિવાળી પહેલા જ લઈ ગયા હતા. પણ, ડિસેમ્બરમાં આયોજિત લગ્નના કાર્ડ લેવા માટે ક્લાયન્ટ્‌સ આવી રહ્યા નથી. તેઓ ફોન પર એવું જણાવી રહ્યા છે કે તેઓ હવે માત્ર ૫૦ કાર્ડ લેવા માગે છે. જ્યારે દિલ્હી સરકારે મહેમાનોની સંખ્યા ૨૦૦થી ઘટાડીને ૫૦ કરી દીધી છે

ત્યારે ૧૦૦થી ૧૫૦ કાર્ડ લેવાનો કોઈ મતલબ નથી. આ કારણે લગ્નપ્રસંગના કાર્ડ છાપનાર વેપારીઓને મોટું નુકસાન થઈ શકે છે. લગ્નના કાર્ડ છાપનાર વેપારીઓના જણાવ્યા મુજબ દિલ્હી સરકારે લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ઘટાડવાનો ર્નિણય ઉતાવળમાં લીધો છે. કાર્ડ છાપતા પહેલા ક્લાયન્ટ્‌સ પાસેથી એડવાન્સમાં થોડા રૂપિયા લેવામાં આવે છે પણ એ રૂપિયા એટલા વધારે નથી હોતા કે ક્લાયન્ટ કાર્ડ લેવા આવે નહીં તો નુક્સાન ના થાય. લગ્નના કાર્ડની કિંમત, લેબર ચાર્જ, ડેકોરેશનની આઈટમ્સના રેટ વગેરે હવે કાર્ડ છાપનારાના માથે પડી શકે છે.

કાર્ડ છાપનારા એક વેપારીએ જણાવ્યું કે જ્યારે લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ૨૦૦થી ઘટાડીને ૫૦ કરવામાં આવી તો હવે કાર્ડ છપાવવા માટે કોણ આવશે? લગ્નપ્રસંગમાં ૫૦ મહેમાનનો મતલબ એવો છે કે વર-કન્યાના પક્ષ તરફથી ૨૫-૨૫ મહેમાનો આવી શકે. લગ્નપ્રસંગમાં આટલા ઓછા મહેમાન આવવાના હોય ત્યારે કોણ કાર્ડ છપાવે? આટલા મહેમાનને તો લોકો ફોન કરીને અથવા વોટ્‌સએપ પર મેસેજ મોકલીને આમંત્રણ આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.