Western Times News

Gujarati News

સરકારી નોકરી મેળવવા જતા યુવાને ૯.૫૯ લાખ ગુમાવ્યા

અમદાવાદ: પેટિયું રળવા માટે એક યુવક રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેણે પહેલેથી જ સારી નોકરી કે સારો ધંધો કરવાનું વિચાર્યું હતું. અને રિક્ષા ચલાવતા ચલાવતા તે એક યુવકના સંપર્કમાં આવ્યો હતો. જે યુવકે પોતાને ગાંધીનગરમાં ઊંચી ઓળખાણો હોવાનું કહી રિક્ષાચાલક ને તલાટી કે ક્લાર્ક બનાવવાનું કહ્યું હતું અને તે ભરતીમાં ફોર્મ ભરવા માટે કે પરીક્ષા આપવા માટે આ ઠગબાજ યુવકે તેના પિતા સાથે મળી રીક્ષા ચાલક પાસેથી ટુકડે-ટુકડે ૯.૫૯ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

જોકે, સરકારી નોકરીના સ્વપ્ન જોનાર રિક્ષાચાલકના રૂપિયા પણ ગયા અને સ્વપ્ન પણ પૂરું ન ન થયું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ તેણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મેઘાણીનગરમાં રહેતા રાકેશ કુમાર ગુપ્તા અમદાવાદ શહેરમાં રીક્ષા ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૧૮માં તેઓ ચાંદખેડા તરફ શટલ ફેરી મારતા હતા. ત્યારે મોટેરા શાકમાર્કેટ પાસે શૈલેન્દ્ર પટેલ નામનો વ્યક્તિ તેમની રિક્ષામાં બેસી ગયો હતો. તેણે રાકેશ કુમારને કહ્યું કે, તેને અવારનવાર રીક્ષાની જરૂર પડતી હોય છે, જેથી રાકેશ કુમારનો મોબાઇલ નંબર લીધો હતો.

ત્યારબાદથી આ શૈલેન્દ્ર નામનો વ્યક્તિ અવારનવાર રાકેશ કુમારની સાથે રીક્ષામાં આવવા જવા માટે સંપર્ક રાખતો હતો. વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં રાકેશકુમાર શૈલેન્દ્રને ગાંધીનગર સચિવાલય ખાતે મુકવા જતા હતા. ત્યારે આ શૈલેન્દ્ર રાકેશ કુમારના ભણતર વિષે પૂછી તેમના બધા સર્ટીફિકેટ માંગતો હતો. શૈલેન્દ્રએ રાકેશકુમારને જણાવ્યું કે, ગાંધીનગરમાં તેની ઘણી બધી લાગવગ છે અને સરકારી નોકરી અપાવી દેશે તેવો રાકેશ કુમારને દિલાસો આપ્યો હતો. બાદમાં હવે તલાટી અને ક્લાર્કની ભરતી પડવાની છે

તેમ શૈલન્દ્રએ રાકેશકુમારને કહી પાંચ દસ લાખની તૈયારી હોય તો તારું સેટીંગ કરાવી દઈશ તેમ જણાવ્યું હતું. જોકે, રાકેશ કુમારે આ શૈલેન્દ્રને જણાવ્યું કે, તે તેના પિતાને આ બાબતે વાત કરીને જણાવશે. બાદમાં રાકેશ કુમારે આ અંગે તેના પિતાને વાત કરી હતી. ત્યારે તેના પિતાએ શૈલેન્દ્રને મળવા માટે કહ્યું હતું.

બાદમાં શૈલેન્દ્રના ઘરે જઈને રાકેશ કુમાર અને તેના પિતા મળ્યા હતા. ત્યારે શૈલેન્દ્ર અને તેના પિતાએ લાખો રૂપિયા માંગ્યા હતા અને તાત્કાલિક ભરતી પડવાની હોવાનું જણાવી તાત્કાલિક પૈસા માંગ્યા હતા. જેથી સામાન્ય કમાણી કરનાર રાકેશ કુમારે અલગ-અલગ જગ્યાએથી પૈસાની વ્યવસ્થા કરી ટુકડે-ટુકડે ૯.૫૯ લાખ રૂપિયા શૈલેન્દ્રને આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.