Western Times News

Gujarati News

આપણો લક્ષ્યાંક મૃત્યુદરને 1 ટકાથી નીચે લાવવાનો હોવો જોઈએઃ પ્રધાનમંત્રી

લોકોએ રોગચાળાનો સામનો કેવી રીતે કર્યો છે એ સમજવું મહત્ત્વપૂર્ણ છે એવો અભિપ્રાય વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લોકોના પ્રતિભાવને ચાર તબક્કામાં વહેંચી શકાશે. પ્રથમ તબક્કો ડરનો હતો. એમાં લોકોએ રોગચાળામાં પ્રતિક્રિયા આપી હતી.

બીજો તબક્કામાં વાયરસ વિશે શંકાના બીજ રોપાયા હતા, જેમાં કેટલાંક લોકોએ રોગચાળાનો ભોગ બનાવવાની વાત છુપાવી હતી. ત્રીજો તબક્કો સ્વીકાર્યતાનો હતો, જેમાં લોકો વાયરસ વિશે વધારે ગંભીર થયા હતા અને અતિ સતર્કતા પ્રદર્શિત કરી હતી. ચોથા તબક્કામાં રિકવરી રેટમાં વધારા સાથે લોકોએ વાયરસથી સુરક્ષા વિશે ખોટી ધારણા વિકસાવી છે, જેથી બેદરકારીને કારણે કેસમાં વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચોથા તબક્કામાં વાયરસની ગંભીરતા વિશે જાગૃતિ વધારવી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત છે. તેમણે નોંધ્યું હતું કે, જે દેશોમાં અગાઉ અસર ઓછી હતી, ત્યાં રોગચાળાનો ફેલાવો વધારે થયો હોવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ જ પ્રકારનું વલણ આપણા દેશમાં કેટલાંક રાજ્યોમાં પણ જોવા મળ્યું છે, જ્યાં વહીવટીતંત્ર દ્વારા વધારે સતર્કતા અને ચેતવણી દાખવવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, RT-PCR પરીક્ષણો વધારવા, હોમ આઇસોલેશનમાં દર્દીઓની સ્થિતિ પર વધારે સારી રીતે નજર રાખવી, ગ્રામીણ અને સામુદાયિક સ્તરે આરોગ્ય કેન્દ્રોને વધારે સારી રીતે સજ્જ કરવા તથા વાયરસથી સલામતી માટે જાગૃતિ અભિયાનો જાળવવા મહત્ત્વપૂર્ણ બાબત છે. તેમણે જણાવ્યું હતું કે, આપણો લક્ષ્યાંક મૃત્યુદરને 1 ટકાથી નીચે લાવવાનો હોવો જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.