Western Times News

Gujarati News

અમદાવાદના કોરોના દર્દીને વડોદરા સુધી લાબું થવું પડશે

વડોદરા: અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે બેડ ખુટી પડ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના નવા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી હવે આણંદ, કરમસદ કે ગાંધીનગરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે.

ત્યારે હવે અમદાવાદના કોરોના દર્દીઓ છેક વડોદરા સુધી લંબાશે. અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ મામલે વડોદરામાં ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે.

અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે. આજવા ગામમાં આવેલી પાયોનિયર ગ્રૂપની ન્યૂ લાઈફ હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. હોસ્પિટલમાં પથારી, તબીબો, નર્સિંગ સહિત સ્ટાફ તૈયાર કરાઈ છે.

હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. શહેરના ૪૨ તબીબોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાતા વડોદરામાં સ્થિતિ બગડી શકે છે.

તો બીજી તરફ, વડોદરામા કોરોના ટેસ્ટીંગ વધારવા રાજ્ય સરકાર દ્વારા સૂચના અપાઈ છે. ખુલ્લેઆમ ફરતા કોરોના દર્દીઓને શોધી કાઢવા ટેસ્ટીંગ વધારવા આદેશ અપાયા છે. વડોદરામા રોજના ૪ હજાર ટેસ્ટના બદલે હવે ૫ હજાર ટેસ્ટ કરવામા આવશે.

પોઝિટિવ દર્દીના સંપર્કમા આવેલા ૧૦ થી ૧૫ લોકોના ટેસ્ટ કરવા પણ સૂચના અપાઈ છે. કોર્પોરેશન તંત્ર કોરોના ટેસ્ટ માટે બેદરકારી દાખવી રહી છે. વડોદરામાં કોરોનાના કારણે પાલિકા સંચાલિત બગીચાઓના સમયમાં ઘટાડો કર્યો છે.

શહેરના કમાટીબાગ, લાલબાગ સહિત ૧૧૫ બગીચાઓના સમયમાં ઘટાડો કરાયો છે. હવે બગીચાઓ સવારે ૬ થી ૯, અને સાંજે ૪ થી ૭ દરમિયાન જ ખુલ્લા રહેશે. તેમજ બાગની આસપાસ ઊભા રહેતા પથારા અને ફેરિયાઓ પણ બંધ કરાવાયા છે. કમાટીબાગમાં લોકોની ભારે ભીડ થાય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતુ નથી.

તેથી આ ર્નિણય લેવાયો છે. વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગના પોલીસે ૧૧ કેસ કર્યા છે.

પાદરા, વડુ, સાવલી અને ભાદરવા પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે. પોલીસે ભીડ ભેગી થતાં વેપારીઓ સામે ગુનો નોધી ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.