Western Times News

Gujarati News

ઓડિશા રાજ્યના 1019 બાળકોની નિઃશુલ્ક સફળ સર્જરી આ હોસ્પિટલમાં થઈ ચૂકી છે

માનવતાની સેવા  —  સર્વોપરી ધર્મ -શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દર્દો દૂર કરનારું એક મંદિર છે જેણે નાના બાળકોના હૃદયની બીમારી તદ્દન નિઃશુલ્ક દૂર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.

વર્ષ 2020ની 20મી નવેમ્બર એક મહત્વનો દિવસ ત્યારે રહ્યો જ્યારે સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ અને ઓડિશા રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર આવનારા બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો જે બે વર્ષ અગાઉ એટલે કે 18 નવેમ્બર 2018ના રોજ પહેલીવાર થયો હતો. શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ઓડિશા રાજ્યને તેના આર્થિક રીતે પછાત વર્ગના અને જરૂરિયાતમંદ બાળકોના હૃદયની ખામી દૂર કરતી કાર્ડિયાક સર્જરી તદ્દન નિઃશુલ્ક રીતે કરાવવાની તક મળશે.

સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી ઓડિશા રાજ્યના 1019 બાળકોની નિઃશુલ્ક સફળ સર્જરી થઈ ચૂકી છે અને હવે ભવિષ્યમાં વધુ પરિવારો તેમના બાળકોના ખિલખિલાટ ચહેરા જોઈ શકશે

આ પ્રસંગે ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક, માનનીય ન્યાયમૂર્તિ શ્રી વિનીત સરન (સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ), માનનીય ન્યાયમૂર્તિ શ્રી મોહમ્મદ રફિક (ઓડિશા હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ), માનનીય ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રી કલ્પેશ ઝવેરી, અધિક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય વિભાગ, ઓડિશા સરકાર) અને એમડી (એનએચએમ) તથા અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત હતા.

ઓડિશા સરકારે 18 નવેમ્બર 2018ના રોજ રાજ્યના બાળકોના હૃદયમાં રહેલી ખામીને દૂર કરવા માટે એક ડગલું આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. સમજૂતી કરાર મુજબ ઓડિશા સરકાર જરૂરિયાતમંદ બાળકોને શોધીને તેમના પરિવહનનો ખર્ચ ભોગવશે.

એક ઉમદા માનવ સેવાને અનુસરીને તેને આગળ વધારતાં શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલે આ બાળકોની સર્જરી તદ્દન નિઃશુલ્ક અને તે પણ પ્રેમ, નિઃસ્વાર્થ સમર્પણ અને 100 ટકા તબીબી સંભાળ સાથે કરી આપવાનો નિર્ણય કર્યો હતો.

કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન પણ હોસ્પિટલ દૈવી કૃપા સાથે કામ કરી રહી હતી. હવે ધીરેધીરે ફરી એકવાર ઓડિશાથી બાળકો આવવાના શરૂ થશે. શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજ ભીમાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “હૃદયની બીમારીઓથી મુક્ત સમાજનું સર્જન કરવા માટે અમારી હોસ્પિટલે નાના બાળકોના હૃદયની ખામી દૂર કરવાનું એક અભિયાન છેડ્યું છે.”

ઓડિશા રાજ્ય સ્વામીજી અને સાંઈ હોસ્પિટલના હૃદયની અત્યંત નજીક હતું અને ઓડિશાના બાળકો પણ ખુબ જ ખાસ છે. ઓડિશા રાજ્ય સાથે હોસ્પિટલે સૌથી પહેલી સમજૂતી કરી હતી અને એ પછી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકાર સાથે પણ આ પ્રકારની સર્જરી કરવાની સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઓડિશા સરકાર સાથે સમજૂતી કરાર રિન્યૂ થવાથી હોસ્પિટલને રાજ્યના બાળકોની સેવા કરવાની વધુ એક તક મળશે અને તેનાથી નાનકડા ફૂલ સમાન હસતાં ચહેરાઓ નવી જિંદગી શરૂ કરી શકે.

જ્યારે માનનીય ન્યાયમૂર્તિ શ્રી વિનીત સરને ઓડિશા રાજ્યને તેમનું બીજું નિવાસસ્થાન ગણાવ્યું હતું. શ્રી વિનીત સરને જ ઓડિશા સરકારને પ્રશાંતિ મેડિકલ સર્વિસિઝ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો પરિચય કરાવ્યો હતો.

માનનીય ન્યાયમૂર્તિ શ્રી મોહમ્મદ રફિકજીએ જણાવ્યું હતું કે, માનવતાની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે અને સાંઈ હાર્ટ હોસ્પિટલ આ નિઃસ્વાર્થ સેવાનું સર્વોત્તમ ઉદાહરણ છે. આ દિશામાં અથાગ પ્રયાસો કરવા બદલ તેમણે હોસ્પિટલ તથા ઓડિશા સરકારના મક્કમ નિર્ધારના વખાણ કર્યા હતા. આ ઉમદા કાર્ય સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા માનનીય ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રી કલ્પેશ ઝવેરીએ અદ્દભૂત રાજ્ય ઓડિશાના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાંઈ હાર્ટ હોસ્પિટલ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર બાળકોના હૃદયની ખામીઓ દૂર કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે.

સર્જરી અને સર્જરી થાય એ પહેલા તથા એ પછીની સારસંભાળ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે. જ્યારે બાળક અને તેમની સાથે પ્રશાંતિ મેડિકલ સર્વિસિઝ એન્ડ રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન સુધી આવનારા તેમના સ્વજનનો પરિવહનનો ખર્ચ ઉઠાવી ઓડિશા સરકાર મહત્વની મદદ પૂરી પાડે છે. સમજૂતી કરાર રિન્યૂ થવાથી માનવતાની સર્વોત્તમ સેવા કરવાના લક્ષ્ય તરફ વધુ એક પગલું સમીપ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.