પિતા-પુત્રને ગાડીનું ટાયર બદલવું ૧૫ હજારમાં પડ્યું
 
        અમદાવાદ: ગાંધીનગરમાં રહેતા વેપારી પિતા-પુત્ર વેપાર માટે રોજ અમદાવાદ અપડાઉન કરતા હતા. નવેમ્બર માસમાં એક દિવસ સાંજે ઘરે જતા હતા ત્યારે તેમની ગાડીમાં પંક્ચર પડ્યું હતું. ગાડીમાં પાછલી સિટ પર એક બેગ મૂકીને પિતા-પુત્ર પંક્ચર પડેલું ટાયર બદલતા હતા ત્યારે અજાણ્યા શખ્સો બેગ લઈને ફરાર થઈ ગયા હતા. રોકડા સહિત ૧૫ હજારની મતા ચોરી થતા મેઘાણીનગર પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં રહેતા મયુરકુમાર પટેલ તેમના પરિવાર સાથે રહે છે.
તેઓ વિજય મિલ ફ્રૂટ માર્કેટ પાસે ભઠ્ઠી ધરાવી વેપાર કરે છે. તેઓ રોજ ગાંધીનગરથી તેમના વ્યાપારના સ્થળે ગાડી લઈને અપડાઉન કરે છે. ગત ૨૮ નવેમ્બરના રોજ સાંજના સમયે તેઓ તથા તેમના પુત્ર તેમની ગાડી લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. ઘરે જવા નીકળ્યા ત્યારે દુકાનેથી પીળા કલરની બેગ લઈને નીકળ્યા હતા અને આ બેગ ગાડીની પાછળની સીટમાં મૂકી હતી. બંને પિતા-પુત્ર ગાડી લઈને સાંજના આશરે છ વાગ્યાની આસપાસ મેઘાણીનગરના રોહીદાસ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. અહીં તેમની ગાડીમાં પંક્ચર પડતા ગાડી સાઇડમાં રોકી હતી.
બંને પિતા-પુત્ર ગાડીમાંથી નીચે ઉતરી ડેકીમાંથી સ્પેર વ્હીલ કાઢી ગાડીમાં સ્પેર વ્હીલ બદલી પંક્ચર પડેલું ટાયર ડેકીમાં મૂકી ગાડીમાં બેસીને રવાના થતા હતા. આ સમયે મયુરકુમારની નજર ગાડીમાં પાછળની સીટ ઉપર પડતા બેગ ગાયબ હતી. તેઓએ ગાડીમાંથી નીચે ઉતરી બેગની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બેગ મળી આવી ન હતી. તેમણે તેમના પુત્રને આ બાબતે પૂછપરછ કરી હતી, પરંતુ તેમને પણ આ અંગે કંઇ ખબર ન હતી.
જેથી તેમની બેગ તેઓ ટાયર બદલતા હતા તે સમયે ચોરી થઇ હોવાની શંકા ગઈ હતી. આ બેગમાં દસ હજાર રોકડા તથા તેમના પુત્રને ગિફ્ટમાં આવેલું આઈ-પેડ પણ હતું અને અન્ય પરચૂરણ વસ્તુઓ પણ આ હતી. જોકે, મોડું થઈ ગયું હોવાથી તેઓ ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ ધંધાનું કામ હોવાથી તેઓ પોલીસને જાણ કરવા આવ્યા ન હતા. પરંતુ બાદમાં તેઓએ આ અંગે મેઘાણીનગર પોલીસને જાણ કરતાં પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

 
                 
                 
                