અંકલેશ્વરની અંબે ગ્રીન સીટી સોસાયટીએ પોતાના ખર્ચે ૩ બેડ મૂકી કોવિડ સેન્ટર ઉભું કર્યું
અત્યાર સુધી માં સોસાયટીમાં ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓ માંથી ૨ ની કોવિડ સેન્ટર માં સારવાર કરાઈ અને ૧૨ દર્દીઓને હોમ આઈસોલેટ કર્યા હતા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, રાજ્યની કદાચ પ્રથમ એવી સોસાયટી હશે જેણે પોતાનું કોવિડ સેન્ટર ઊભું કર્યું છે.અંકલેશ્વરની અંબે ગ્રીન સીટી સોસાયટીમાં ૩૦૦ મકાનો આવેલા છે.આ સોસાયટી માંથી અત્યાર સુધી ૧૪ લોકોને કોરોના પોઝિટીવનો રિપોર્ટ આવ્યો હતો.જે બાદ શહેર-જીલ્લાની કોવિડ હોસ્પિટલમાં બેડની અસુવિધા થતાં સોસાયટીનાં રહીશોએ આખરે આરોગ્યની તમામ સુવિધાથી સજ્જ પોતાનું જ ૩ બેડનું કોવિડ સેન્ટર ઊભુ કરી દીધુ હતુ.આ કોવિડ સેન્ટરમાં અત્યાર સુધી ૨ દર્દીને સારવાર આપી છે.જેના માટે સોસાયટીમાં રહેતા તબીબ સેવા પુરી પાડી રહ્યા છે.
સોસાયટીમાં રહેતા ૧૫૦૦ થી વધુ લોકો માટે આ કોવિડ સેન્ટર આશિર્વાદરૂપ બન્યુ છે.આ કોવિડ સેન્ટર માટે કોઈએ બેડ તો કોઈએ દવાનો ખર્ચ, ઓક્સિજનની સુવિધાની જવાબાદારી સંભાળી લીધી છે.દર્દી માટે ટીવીની સુવિધા પણ કરવામાં આવી છે.દર્દીઓ પરિવારની નજીક જ રહી સારવાર મેળવી શકે તેવી વ્યવસ્થા અન્ય લોકો માટે પ્રેરણાદાયી બની રહી છે.ઘણી હોસ્પિટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને બેડ ન મળતાં હોવાના કારણે સોસાયટીના પ્રમુખ અને અન્ય સભ્યોને ચર્ચા કરી સોસાયટીમાં જ કોવિડ કેર સેન્ટર ઊભુ કરી દીધું છે.
સોસાયટીના પ્રમુખ હિતેશ વશીએ જણાવ્યું હતું કે તમામ ખર્ચ સોસાયટીના ફંડમાંથી જ થાય છે
સોસાયટીમાં જે દર્દીઓ આવતા હતા.તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં બેડ નહીં મળવાની સમસ્યા નડતી હતી.જે બાદ સોસાયટીના ગેસ્ટ હાઉસમાં ત્રણ બેડનું સારવાર સેન્ટર શરૂ કર્યું છે. સોસાયટીમાં કુલ ૧૪ દર્દી હતા.તેમાં ૧૨ લોકોને હોમ આઈસોલેટ કર્યા હતા.અત્યાર સુધી ૨ દર્દીની આ કોવિડ સેન્ટરમાં સારવાર કરી છે.ઓક્સિજનની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે અને તમામ ખર્ચ સોસાયટીના ફંડ માંથી જ કરવામાં આવે છે. સોસાયટીના રહીશો જાતે જ ખર્ચ ઉપાડી નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે.
તો ત્યાં રાખવામાં આવેલ ડૉક્ટર હરેશ શાહે જણાવ્યું હતું કે દર્દીની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે કોવિડની ગાઈડ લાઈન મુજબ જે દવાની દર્દીને જરૂર પડે તે મુજબ સારવાર કરવામાં આવે છે.દર્દીની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે અને જો વધુ ક્રિટિકલ જણાય અને વેન્ટિલેટરની જરૂર પડે તો જ અમે અન્ય હોસ્પિટલમાં રિફર કરીએ છીએ.