Western Times News

Gujarati News

વિપક્ષી નેતા ધાનાણી સહિત અનેક કોંગ્રેસના નેતાની અટકાયત કરાઈ

અમદાવાદ: આજે કૃષિ કાયદાના વિરોધમાં મેદાનમાં ઉતરેલા ખેડૂતોએ બંધના એલાનની જાહેરાત કરી છે. આવામાં દિલ્હી સહિત મહારાષ્ટ્ર સહિત પંજાબ, રાજસ્થાન, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા અને ઝારખંડમાં વધારે અસર જાેવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ હતીે તેવામાં ગુજરાતમાં પણ બંધની અસર જાેવા મળી રહી છે. બંધને સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે. અમરેલીમાં સ્કૂટર લઈને આવેલા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા વગેરે જગ્યાઓ પર બંધનો મિશ્ર પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વાર બંધને સફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમરેલીમાં બજારો બંધ કરાવવા માટે સ્કૂટર પર નીકળેલા પરેશ ધાનાણી સામે પોલીસે કાર્યવાહી કરી છે. અટકાયત દરમિયાન પોલીસ અને ધાનાણી વચ્ચે શાબ્દીક ટપાટપી પણ થઈ હતી. પોલીસ તેમની પાસે પહોંચી તો તેમણે કહ્યું કે મેં કોઈને બંધ કરવાનું નથી કહ્યું, આ દેશમાં બધાને વિરોધ કરવાનો અધિકાર છે. ધાનાણીએ એવું પણ કહ્યું કે, મને કોઈ અડવાની હિંમત ના કરતા, મને કોરોના થયો તો હું તમારી ઉપર ફરિયાદ કરીશ. પોલીસ અને ધાનાણી વચ્ચે દલીલબાજી ચાલી રહી હતી

ત્યારે પોલીસે કહ્યું કે તમે હાથ ઊંચા કરીને દુકાનો બંધ કરાવી રહ્યા હતા આ રીતે કોઈના રોજગારને અટકાવી ના શકાય. પરેશ ધાનાણીએ પોતે એકલા નીકળ્યા હોવાની પણ દલીલ કરી પરંતુ અંતમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી અને તેમને પીસીઆર વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થનમાં ઉમટી પડેલા સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ તેમનો બચાવ કરતા પણ નજરે પડ્યા હતા.

આ જ રીતે સુરતમાં પણ બજારોને બંધ કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા હતા અને કેટલીક જગ્યાઓએ બળજબરી પૂર્વક બંધનું પાલન કરાવવા માટેના પ્રયાસ કર્યા હતા જેની સામે પોલીસે કાર્યવાહી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તો કેટલાક વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે પણ વેપારીઓ બંધનું સમર્થન કરીને તેમાં જાેડાયા હતા. સુરતના માન દરવાજાનું શાક માર્કેટના વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધમાં જાેડાયા હતા.

શહેરમાં ધરણા કરી રહેલા કાર્યકર્તાઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વડોદરાની વાત કરીએ તો અહીં બંધનું પાલન ૧૧થી ૩ દરમિયાન કરવાની વાત હતી જેના બદલે સવારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવાના પ્રયાસ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.