Western Times News

Latest News from Gujarat

ગુજરાતમાં કોરોના રસીકરણની તૈયારી પૂર્ણ

Files Photo

બ્રિટનની ૯૦ વર્ષની મહિલાને કોરોનાની પ્રથમ પૂર્ણ વિકસિત રસી અપાઈઃ રાજયમાં કોને પહેલા રસી આપવી તે અંગેની ફોમ્ર્યુલા તૈયાર: ખાસ ટીમો દ્વારા સર્વે કરી પ૦થી વધુ ઉંમરના લોકોની યાદી તૈયાર કરાશે: સંપુર્ણ યાદી તૈયાર થયા બાદ જે તે નાગરિકોને મેસેજ મોકલી રસી લેવા માટે બોલાવવામાં આવશે: કોરોના વોરીયર્સને પ્રાથમિકતા અપાશે: તમામ શહેરો તથા જીલ્લા મથકોએ વેકસિનના સંગ્રહ માટેની તૈયારીઓ પુરજાેશમાં

ભારત દેશમાં કોરોનાના કારણે ભયનો માહોલ ફેલાયો હતો સરકારે લોકડાઉન જાહેર કર્યાં બાદ અનલોકમાં તબક્કાવાર છુટછાટો આપતા નાગરિકો હવે ખુલ્લેઆમ ફરવા લાગ્યા છે અને કોરોનાનો જાણે કોઈ ભય જ ના રહયો હોય તે રીતે સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરી રહયા છે. જેના પરિણામે દિવાળી પછી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. બીજીબાજુ કેન્દ્ર સરકાર કોરોનાની રસી માટેની તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે જ આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહયા છે અને રસી ઉત્પાદિત કેન્દ્રોની તેમણે મુલાકાત પણ લઈ મહત્વપુર્ણ ચર્ચા પણ કરી હતી. દેશમાં વર્ષના પ્રારંભે કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતાં અને હવે તેમાં સફળતા મળી હોય તેવુ જાણવા મળી રહયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રસીકરણની પ્રક્રિયાના મુદ્દા પર વિશેષ ભાર મુકયો હતો. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તમામ રાજય સરકારોએ કોરોનાની રસી આપવા માટેની પ્રક્રિયાનું ઈન્ફ્રાસ્ટ્રકચર ગોઠવી દીધું છે. ગુજરાતમાં પણ આ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. કોરોના રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને ત્યારબાદ સીરમ, ફાઈઝર સહિતની કોરોના રસી ભારત દેશમાં ઉપલબ્ધ થવાની છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રશિયાને મોટી માત્રામાં ઓર્ડર પણ આપી દીધો છે. આમ ભારતને પાંચ જેટલી કંપનીઓની રસી મળવાની છે અને પ્રત્યેક નાગરિકને રસી મળી રહે તે માટેની તૈયારીઓ થઈ ગઈ છે.

ગુજરાતમાં કોરોનાની રસી આવે ત્યારથી તેના સંગ્રહ તથા રસીકરણની પ્રક્રિયા અંગે છેલ્લા રપ દિવસથી સરકારી તંત્ર કામગીરી કરી રહયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સુચના મુજબ આ સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની તમામ રસી સ્ટોર કરવા માટે ડીપફ્રીઝરની ખાસ જરૂર આવશ્યક છે તે જાેતાં રાજયના મોટાભાગના શહેરો, નગરો તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ તેની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ આ કામગીરી અંતિમ તબક્કામાં છે. સુરત સહિતના શહેરોમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ થયેલી આ કામગીરીનું નિરીક્ષણ પણ કરી લીધું છે. રસી સાચવવા માટે જુદા જુદા તાપમાન પર તેને રાખવામાં આવશે.

આ ઉપરાંત કેટલીક વિદેશી રસીઓ માટે માઈનસ પ૦ ડીગ્રીથી પણ વધુ તાપમાનની જરૂર હોવાથી આ માટેના ખાસ ફ્રીજ વિદેશથી કેન્દ્ર સરકાર મંગાવી રહી છે. કોલ્ડ સ્ટોરેજની આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ થવાની છે. કેન્દ્ર સરકાર આ માટે વ્યવસ્થા ગોઠવી રહી છે. ખાસ કરીને બિહાર સહિતના રાજયોમાં પ્રત્યેક નાગરિકોને રસી મળી રહે તે માટે અને રસીના સંગ્રહ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ પ્રક્રિયા ખુબ જ સરળતાથી પૂર્ણ થઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ ગુજરાત સહિત તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી અને તેમાં કોરોના રસીની વિતરણની કામગીરી અસરકારક રીતે થાય તે જાેવા તાકિદ કરી હતી આ ઉપરાંત રસી આપવાની કામગીરીમાં કોઈપણ જાતનો વિવાદ ન થાય તે માટે અગાઉથી જ કોને પહેલા રસી આપવી તે અંગેની જાહેરાત કરવાની પણ સુચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોરોનાની રસી સૌ પ્રથમ કોરોના વોરિયર્સને આપવાની જાહેરાત કરી છે તેથી તબીબો, પોલીસ તથા કોરોના કાળમાં ખડેપગે સેવા બજાવનાર તમામ કર્મચારીઓને આ રસી આપવામાં આવશે.

ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ જ રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. કોરોનાની રસી ટુંક સમયમાં જ ઉપલબ્ધ થઈ જવાની છે અને તેને આપવાની તબક્કાવાર કામગીરી કરવામાં આવનાર છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આ તૈયારીની કામગીરી સંપુર્ણ કરી દેવામાં આવી છે અનેક સ્થળો પર રસીને સાચવવા માટે ફ્રીઝની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટે નાગરિકોને જુદી જુદી કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. સૌ પ્રથમ આરોગ્ય વિભાગે ખાસ ટીમો બનાવી છે અને ડોર ટુ ડોર ફરીને તમામ નાગરિકોનો સૌ પ્રથમ ડેટા તૈયાર કરવામાં આવનાર છે. જાેકે મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન આ કામગીરી થઈ હોવાથી તેમાં ઉપલબ્ધ માહિતીનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. હાલમાં આરોગ્ય વિભાગ આ કામગીરીમાં વ્યસ્ત છે.

પ૦ વર્ષથી વધુ ઉંમરના તથા પ૦ વર્ષથી ઓછી ઉંમરના નાગરિકોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ યાદીમાં તમામ નાગરિકોની સંપુર્ણ વિગતો હશે. જેમાં નાગરિકના સરનામા તથા મોબાઈલ નંબર ઉપલબ્ધ કરવામાં આવશે. આ યાદી તૈયાર થઈ ગયા બાદ તેની સંપુર્ણ વિગત સાથેનો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલવામાં આવનાર છે.

ગુજરાતમાં કેટેગરી પ્રમાણે નાગરિકોની સંપુર્ણ વિગતો સાથે યાદી તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલ્યા બાદ કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા રાજય સરકારોને ખાસ ગાઈડલાઈન આપવામાં આવશે અને તે ગાઈડલાઈન પ્રમાણે જ રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.

advt-rmd-pan

મહાનગરોમાં મ્યુનિ. કમિશ્નર જયારે જિલ્લા કક્ષામાં જિલ્લા કલેકટર તથા તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ યાદી તૈયાર કરવાની રહેશે. જાેકે આ તમામ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. કેટલાક વિસ્તારોમાં હજી આ કામગીરી બાકી છે. આ કામગીરી માટે ચુંટણી દરમિયાન મતદાન મથક દીઠ જે રીતે પંચ દ્વારા ટીમની રચના કરવામાં આવે છે તેજ રીતે સર્વે ટીમોની રચના કરવામાં આવી રહી છે અને મતદાન મથકો વિસ્તાર મુજબ જ આ ડેટા તૈયાર કરવામાં આવનાર છે.

ગુજરાતમાં સર્વે ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી નાગરિકોની યાદી ૧૩મી ડીસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે અને યાદી તૈયાર થઈ ગયા બાદ ઉંમર પ્રમાણે તેનુ વિભાજન કરવામાં આવનાર છે ત્યારબાદ રાજય સરકાર દ્વારા જ આ યાદીમાં મુખ્ય બે ભાગ પાડી પ૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની યાદી અલગથી તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં કોરોના રસી આપવાની કામગીરીની તૈયારી પુરજાેશમાં ચાલી રહી છે અને ખાસ કરીને મહાનગરોમાં આ કામગીરી પુર્ણ થઈ ગઈ છે. ચુંટણીપંચની યાદીનો પણ ઉપયોગ થઈ રહયો છે પરંતુ હાલની સ્થિતિએ ઉંમર પ્રમાણે વિભાજન કરવાનું હોવાથી ખુબ જ ઝડપથી આ કામગીરી પુર્ણ કરવાની તાકિદ કરાઈ છે.

ગુજરાતમાં કોરોનાની રસી આવ્યા બાદ તરત જ કેટેગરી પ્રમાણે તમામ નાગરિકોને એસએમએસથી અથવા તો ફોન કરીને અથવા તો અન્ય કોઈ રીતે સંદેશો પાઠવી તેમને રસી આપવા માટેની જાણ કરવામાં આવશે. આ માટે કોમ્પ્યૂટર નિષ્ણાંત તથા સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. આમ ગુજરાતમાં રસીકરણ માટેની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers