Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે

Files Photo

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે      વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હુત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.

વડાપ્રધાનશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.

પ્રધાનમંત્રીશ્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.

તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.  ધોરડો ખાતે વડાપ્રધાનશ્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રીશ્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.

અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.

વડાપ્રધાનશ્રી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.