Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.ક્વોટા બેડમાં સારવાર દરમાં ઘટાડો કરાયો

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર માટે ખાનગી બેડના ભાવ ઘટાડવા બાદ મ્યુનિ.ક્વોટા બેડના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશન તરફથી રીફર કરવામાં આવતાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવા માટે ૧૦૫ હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી છે. જેમાં બેડ ખાલી હોય તેમ છતાં મનપા દ્વારા નક્કી કરવામાં આવેલ રકમ ચૂકવવામાં આવે છે.

રાજ્યના અધિક સચિવ અને ઓફીસર ઓન સ્પેશ્યલ ડ્યુટી ડો.રાજીવ કુમાર ગુપ્તાના જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોવિડ દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા. જેમાં જનરલ વોર્ડમાં ખાલી બેડ માટે રૂા.૭૨૦ અને દર્દી હોય તો રૂા.૪૫૦૦ ચૂકવવામાં આવે છે. તેવી જ રીતે એચ.ડી.યુ.માં ખાલી બેડ માટે રૂા.૧૦૮૦, ભરેલા બેડ માટે રૂા.૬૭૫૦, વેન્ટીલેટર વગરના આઈ.સી.યુ.માં ખાલી બેડ માટે રૂા.૧૪૪૦ તથા ભરેલા બેડ માટે રૂા.૯૦૦૦ તેમજ વેન્ટીલેટર સાથેના આઈ.સી.યુ.માં ખાલી બેડ માટે રૂા.૧૮૦૦ તથા ભરેલા બેડ માટે રૂા.૧૧૨૫૦ ચૂકવવામાં આવી રહ્યા છે.

જેમાં સુધારો કરી દર ઘટાડવામાં આવ્યા છે. જનરલ વોર્ડમાં ખાલી બેડ માટે રૂા.૬૫૦, દર્દી હોય તો રૂા.૪૦૫૦, એચ.ડી.યુ.માં ખાલી બેડ માટે રૂા.૭૫૦ તેમજ ભરેલા બેડ માટે રૂા.૬૦૫૦ વેન્ટીલેટર વગર આઈ.સી.યુ.માં ખાલી બેડ માટે રૂા.૧૩૦૦, દર્દી હોય તો રૂા.૮૧૦૦ તેમજ વેન્ટીલેટર સાથેના વોર્ડમાં ખાલી બેડ માટે રૂા.૧૬૦૦ અને ભરેલા બેડ માટે રૂા.૧૦,૧૦૦ દૈનીક ચૂકવવામાં આવશે. અગાઉ, કોવિડ હોસ્પિટલના ખાનગી ક્વોટાના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. તેથી આહના દ્વારા કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોની સંખ્યામાં ઘટાડો કરવા રજૂઆત કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જરૂરીયાત મુજબ તબક્કાવાર પ્રાઈવેટ હોસ્પિટલોને કોવિડ સેવામાંથી મુક્ત કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.