Western Times News

Gujarati News

જમીન હડપ કરનારાને હવે ૧૪ વર્ષની જેલ કરાશે

ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યમાં સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજાે મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો-કાનૂની જાેગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે. રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ-ર૦ર૦ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલની અનૂમતિથી આ વિધેયકને એક્ટનું સ્વરૂપ મળતાં તેની કાયદાકીય જાેગવાઇઓ-નિયમોનો હવે મુખ્યમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરાયો છે.

સીએમ રુપાણીએ આ કાયદાને અમલમાં મૂકાયો હોવાની માહિતી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી હોવાની ફરિયાદો અને તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યુ છે.

ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની આવી ગૂનાહિત પ્રવૃત્તિઓ કરતા ભૂમાફિયા કે કોઇ પણ ચમરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી. રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. સરકારનો દાવો છે કે, આ કાયદાની કડક શિક્ષાત્મક જાેગવાઇઓને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂમાફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે. આ કાયદા હેઠળ ગુનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે.

સીએમે આ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટને વધુ વ્યાપક અને કડક સજા કરી ભૂમાફિયાઓને નશ્યત કરી શકાય તેવો સકંજાે કસતો એકટ બનાવવા જે જાેગવાઇઓ સુનિશ્ચિત કરવામાં આવી છે તેની વધુ વિગતો આપી હતી. રૂપાણીએ કહ્યું કે આ કાયદાની જાેગવાઇઓ તાત્કાલિક ધોરણથી અમલમાં આવતાં અસરકારક અમલીકરણ થવાથી જમીનોનો ગેરકાયદેસર કબજાે લેનાર, આવી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઇ જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.