Western Times News

Gujarati News

ખેલાડીઓ બાદ હવે નિવૃત્ત જવાને ઉચ્ચારી ચીમકી, “ખેડૂતોની માંગ સ્વીકારો નહીંતર મેડલ પાછા લો”

નવી દિલ્હી, છેલ્લા બાર પંદર દિવસથી પાટનગર નવી દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હવે  ભારતીય લશ્કરના નિવૃત્ત જવાનો આવ્યા હતા. ભૂતપૂર્વ સૈનિકોએ કેન્દ્ર સરકારને એવી ચેતવણી આપી હતી કે ખેડૂતોની માગણી નહીં સ્વીકારો તો અમે વીરતા માટે અમને અપાયેલા મેડલ્સ પાછા આપી દેશું.

અગાઉ અમે લશ્કરના જવાનો હતા, આજે અમે ખેડૂત છીએ એમ નિવૃત્ત જવાનોએ કહ્યું હતું. ખાસ કરીને પંજાબના નિવૃત્ત લશ્કરી જવાનો અને અધિકારીઓએ આવી ચેતવણી આપી હતી. અત્યાર અગાઉ પંજાબ, હરિયાણા અને ચંડીગઢના સ્પોર્ટ્સમેન પોતપોતાના એવોર્ડ અને ઇનામ અકરામ પાછા આપી ચૂક્યા હતા.

આ ફૌજીઓએ કહ્યું હતું કે જવાન દેશની રક્ષા કરે છે અને ખેડૂત અનાજ આપે છે. આપણે ત્યાં જય જવાના જય કિસાનનું સૂત્ર છે. જવાન અને કિસાન એકમેકના પૂરક છે. માટે જવાનો કહે છે કે ખેડૂતોના માગણી સ્વીકારી લો. એકલા પંજાબમાં સાડા ત્રણ લાખ નિવૃત્ત ફૌજીઓ રહે છે.

ભારતીય લશ્કરમાં 30 વર્ષ ફરજ બજાવનારા કેપ્ટન ગુલાબ સિંઘે કહ્યું હતું કે અમે દેશમાં જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જઇને ફરજ બજાવી હતી. હવે અમે ખેડૂતોના સમર્થનમાં દિલ્હી જઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ગરીબ ખેડૂતનો દીકરોજ લશ્કરમાં જોડાઇને દેશની સેવા કરતો હોય છે. આપણા દેશના કિસાનો અન્ય દેશોની તુલનાએ ઘણા ગરીબ છે. આજે એ પોતાના હક માટે લડી રહ્યો છે. એની માગણી સરકારે સ્વીકારી લેવી જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.