Western Times News

Latest News from Gujarat

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ‘હવામહેલ’ બનાવશે !

જમીનના ઠેકાણા નથી તેમ છતાં ડફનાળા ખાતે એસટીપી બનાવવા એક વર્ષ પહેલા મંજુરી: વિશ્વ બેંકની લોનના કામમાં પણ સદર એસટીપીના કામનો સમાવેશ કરતા કમિશ્નર

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી નદી શુધ્ધિકરણ માટે વિવિધ પ્રોજેક્ટોના આયોજન કર્યા છે. શહેરના ઉત્તર તથા મધ્ય ઝોનમાંથી નદીમાં અશુધ્ધ પાણી છોડવામાં આવતા હતા. જેને બંધ કરવા માટે કોતરપુર, આર્મી કેન્ટોનમેન્ટ તથા શંકરભુવન છાપરા પાસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જાહેરાત કરી હતી.

જે પૈકી શંકરભુવન છાપરા પાસે રપ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. કોતરપુર પ્લાન્ટ માટ ેહવે આયોજન થયુ છે. જ્યારે આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી જમીન માટે પ્રતિક્ષા થઈ રહી છે. ડીફેન્સ ડીપાર્ટમેન્ટ તરફથી હજુ સુધી જમીન ફાળવવામાં આવી નથી તેમ છતાં તંત્રએ ટેન્ડરો મંજુર કર્યાં છે. જયારે મ્યુનિ. કમિશ્નરે વિશ્વ બેંકની લોનમાંથી એસટીપી પ્લાન્ટ બનાવવા જાહેરાત કરી છે. તેથી તંત્ર જમીન વિના ‘હવામહેલ’ તૈયાર કરશે તેવા કટાક્ષ થઈ રહયા છે.

શહેરના શાહીબાગ-ડફનાળા વિસ્તાર તથા ઘોડાકેમ્પ તરથી આવતા સુએઝ વાટરને ટ્રીટ કરવા માટે મ્યુનિસિપલ ઈજનેર ખાતાએ રીવરફ્રન્ટ વિસ્તારમાં એસટીપી બનાવવા જાહેરાત કરી હતી. રીવરફ્રન્ટ ડફનાળા પાસે ‘બુધ્ધા’ની પ્રતિમાની પાછળના ભાગે રપ એમએલડીનો એસટીપી પ્લાન્ટ માટે આયોજન કરવામાં આવ્યુ છે. પરંતુ આ જમીન ડીફેન્સ વિભાગની માલિકી હોવાથી મનપા દ્વારા બે વર્ષ ‘અગાઉ જમીન ફાળવણી માટે પત્ર લખવામાં આવ્યો હતો.

ડીફેન્સ ડીપાર્ટમેન્ટ પાસેથી હજુ સુધી કોઈ નક્કર જવાબ મળતો નથી તેમ છતાં તંત્ર દ્વારા ત્રણ ત્રણ વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ટેન્ડરમાં સીંગલ પાર્ટી હોવાથી ટેન્ડર ખોલવામાં આવ્યા નહોતા. બીજા ટેન્ડરમાં કોઈપણ સંસ્થાએ રસ દાખવ્યો નહોતો. જ્યારે ત્રીજી વખતના ટેન્ડરને મંજુરી માટે વાટર સપ્લાય કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં વોટર સપ્લાય કમિટીએ ત્રણ ત્રણ વખત કામ પરત મોકલ્યા બાદ મંજુર કર્યું હતું જયારે સ્ટેન્ડીંગ કમિટિએ પણ બે વખત નનૈયો ભણ્યા બાદ તેવા સ્થળે એસટીપી બનાવવા મંજુરી આપી હતી જયાં કોઈ જમીન જ ઉપલબ્ધ નથી.

મ્યુનિસિપલ ઈજનેર વિભાગના સુત્રોઅ જણાવ્યા અનુસાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે આર્મી કેન્ટોન્મેન્ટ એરિયાની અંદાજે ૮પ૦૦ ચો.મી. જમીનની માંગણી કરવામાં આવી છે. સ્થાનિક લેવલે આ અંગે મંજુરી પણ મળી ગઈ છે. હવે ઉચ્ચ ઓથોરીટીની મંજુરી માટે પ્રક્રિયા ચાલી રહી છે.

રીવરફ્રન્ટમાં જે સ્થળે પ્લાન્ટ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે તેની પાસે જ આઈપીએસ મેસ આવેલી છે. તેથી એસટીપીની દુર્ગંધ મામલે પણ સવાલ ઉઠ્‌યા હતા. જેનું નિરાકરણ કરવામાં આવ્યુ છે. તથા તૈયાર થનાર એસટીપી પ્લાન્ટમાં ‘દુર્ગંધ’ દૂર કરવા માટે પણ ખાસ સુવિધા કરવામાં આવશે.

રાજ્યના વડોદરા શહેરમાં આ પ્રકારે ‘ઓર્ડર રીન્યુવલ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ડફનાળા વિસ્તારમાં હાલ દૈનિક ૧પ એમએલડી સુએરઝ વાટર પ્લાન્ટની આવક છે. જેનો નિકાલ નદીમાં થઈ રહ્યો છે.

મ્યુનિસિપલ સુત્રોના મંતવ્ય મુજબ ડફનાળા તથા ઘોડા કેમ્પ વિસ્તારમાં જે સુઅરેઝ વાટર આવે છે તેને ઈન્ટરસેપ્ટર મારફતે વાસણા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવામાં આવે છે. તથા ટ્રીટ કર્યા બાદ નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. કોતરપુર વિસ્તારમાં પણ સમાન પરિસ્થિતિ છે. આ વિસ્તારના સુઅરેઝ વાટરનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી. તેથી ડફનાળા વિસ્તારમાં પ્લાન્ટ બનાવવો જરૂરી છે.

પરંતુ પ્લાન્ટ બનાવવા માટે મ્યુનિ. કોર્પો. પાસે કોઈ જ જમીન નથી તેમ છતાં તેના ટેન્ડર મંજુર થઈ ગયા છે તેમજ સ્ટેન્ડીંગ કમિટી અને મ્યુનિ. બોર્ડ દ્વારા પણ તે મંજુર કરવામાં આવ્યા છે જેને લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આર્મી કેન્ટોન્ટમેન્ટ પાસેથી હજી એસટીપી બનાવવા માટે જગ્યા મળી નથી તેમ છતાં હવાઈ ઘોડા દોડાવતા મ્યુનિ. વહીવટી તંત્ર દ્વારા વધુ એક વખત એસટીપીના સ્થાને ‘હવામહેલ’ બનાવવા જાહેરાત થઈ છે. વિશ્વ બેંક તરફથી મળનાર લોનમાંથી ડફનાળા ખાતે રૂા.૪૦ કરોડના ખર્ચથી પ્લાન્ટ બનાવવા માટે કમિશ્નરે લીલી ઝંડી આપી છે.

સ્માર્ટસીટી અંતર્ગત તૈયાર કરવામાં આવેલા જલવિહાર પ્લાન્ટના પરિણામ થોડા નિરાશાજનક છે. જેના કારણે નદી શુધ્ધીકરણ પ્રોજેક્ટમાં તંત્રના ભાગે નિષ્ફળતા જ આવી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નરે નદી શુધ્ધીકરણની જવાબદારી સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટને સોંપી છે. જેના માટે એેક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં પણ તંત્રના ફાળે નિષ્ફળતા જ આવી છે.

જ્યારે પીરાણા એસટીપી પ્લાન્ટ તથા જીઆઈડીસી ટર્મિનલ પરથી મોટા પ્રમાણમાં સુઅરેઝ વાટર બાયપાસ કરવામાં આવે છે. નદીમાં છોડવામાં આવતા એસિટીક વાટર માટે જીપીસીબી એ પણ તાજેતરમાં મનપાને નોટીસ આપી છે. નારોલ, શાહવાડી વિસ્તારમાં એક મહિના અગાઉ ડ્રેનેઝ પ્રોજેક્ટ વિભાગે જીપીસીબીની નોટીસ મળ્યા બાદ ર૦ જેટલા અનઅધિકૃત જાડાણો દૂર કર્યા હતા.

સાબરમતી નદી શુધ્ધીકરણ માટે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ આયોજન થાય છે. પરંતુ યોગ્ય આયોજનના અભાવે તેનો નક્કર અમલ થતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ નદીમાં દુષિત પાણી છોડવામાં આવી રહ્યુ છે. તથા તે અંગેના અનેક પ્રમાણ પણ વારંવાર મળી રહ્યા છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા માત્રા દાવા અને જાહેરાતો જ થઈ રહ્યા છે. પરંતુ નદીને શુધ્ધ કરવાની દિશામાં કોઈ જ અસરકારક કાર્યવાહી થઈ રહી નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers