Western Times News

Latest News from Gujarat

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: આત્મમંથન કરવાની જરૂર

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીમાં કોંગ્રેસે તમામ બેઠકો ગુમાવતા આંતરિક જુથવાદ સપાટી પર આવી ગયો:

રાજીનામા પડવાની શરૂઆત: સંખ્યાબંધ નેતાઓ પાર્ટી છોડવાની તૈયારમાં: કેટલાક નેતાઓ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિવૃતિ પણ જાહેર કરશે: પ્રણવદાના પુસ્તકથી રાષ્ટ્રીય કોંગ્રેસમાં ખળભળાટ મચશે

દેશમાં સતત બીજી વખત સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરનાર એનડીએનો મુકાબલો કરવા માટે વર્તમાન રાજકીય પક્ષોમાં ક્ષમતા નહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહયું છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત વધી રહેલી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસમાં હતાશાનું વાતાવરણ જાેવા મળી રહયું છે. એક પછી એક રાજયો ગુમાવવા ઉપરાંત જાણીતા નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડતાં કોંગ્રેસ દેશના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયો હોય તેવો પક્ષ બની ગયો છે. સાથે સાથે ભવિષ્યને ધ્યાનમાં રાખી કેટલાક રાજકીય નેતાઓ કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો ઉઠાવવા લાગ્યા છે.

હાલમાં ચાલી રહેલા ખેડુત આંદોલનમાં પણ કોંગ્રેસ વામણી પુરવાર થઈ રહી છે અને ડાબેરીઓ મેદાનમાં આવી ગયા છે. એક સમયે ભારતના સૌથી મોટા પક્ષ તરીકે ગણાતા કોંગ્રેસની સ્થિતિ સાવ પ્રાદેશિક પક્ષ જેવી થઈ જતાં હવે કાર્યકરોમાં પણ ઉત્સાહ જાેવા મળતો નથી. તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે તમામ બેઠકો ગુમાવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કારમી હારથી હવે સામાન્ય કાર્યકર પણ નેતાગીરી સામે સવાલો ઉઠાવવા લાગ્યો છે.

આ પરિસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાએ રાજીનામુ ધરી દીધા બાદ ગુજરાત કોંગ્રેસમાં હજુ વધુ કેટલાક રાજીનામા પડવાની સંપુર્ણ શક્યતા છે. ગુજરાત કોંગ્રેસ જેવી જ હાલત અન્ય રાજયોના કોંગ્રેસ એકમમાં જાેવા મળી રહી છે. રાષ્ટ્રીય નેતાગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે ત્યારે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. પ્રણવ મુખરજીના પુસ્તકનું પ્રકાશન થશે ત્યારે વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાશે તેવુ નિષ્ણાંતો માની રહયા છે.

દેશમાં એક માત્ર કોંગ્રેસ પક્ષે વર્ષો સુધી શાસન કર્યું છે ઈન્દિરા ગાંધીના સમયમાં કોઈ પણ વ્યક્તિ પક્ષના ચિન્હ્‌ પર ચુંટાઈ આવતી હતી. ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ પક્ષનો કમાન્ડ સંપુર્ણ રીતે ઈન્દિરા ગાંધીના હાથમાં હતો અને તેઓ સેન્ટ્રલ ઉપરાંત તમામ રાજયોના કોંગ્રેસ એકમ ઉપર પણ નજર રાખતા હતાં પરિણામ સ્વરૂપે દેશભરમાં કોંગ્રેસ પક્ષ ખુબ જ મજબુત હતો. ઈન્દિરા ગાંધી બાદ રાજીવ ગાંધીની હત્યા થતાં કોંગ્રેસમાં જાણે શુન્ય અવકાશ સર્જાયો હોય તેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.

નરસિંહ રાવના શાસન બાદ કોંગ્રેસમાં તમામ નેતાઓએ પોત પોતાના ચોકા રચીને રાજકારણ શરૂ કરી દીધું હતું. આ પરિસ્થિતિમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ધીમે ધીમે સપાટી પર આવવા લાગ્યો હતો. વાજપેયીના પાંચ વર્ષ પુરા થયા બાદ કોંગ્રેસે પોતાની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રાદેશિક પક્ષો સાથે સંધી કરી હતી જેના પરિણામે યુપીએ નો ઉદય થયો હતો અને સંસદની ચુંટણીમાં સતત બે વખત યુપીએ સત્તા સ્થાને આવ્યું હતું.

જુદા જુદા પક્ષોના ટેકાથી બનેલા યુપીએના શાસનમાં વડાપ્રધાન તરીકે મનમોહનસિંહની નિયુક્તિ કરવામાં આવી હતી. મનમોહનસિંહના શાસનમાં કોંગ્રેસના નેતાઓ ઉપર કોઈ કમાન્ડ રહયો ન હતો અને ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપો થવા ઉપરાંત અનેક કૌભાંડો બહાર આવ્યા હતાં. આ કાંડના કારણે યુપીએની છબી ખરડાઈ ગઈ હતી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ભાજપે પણ કેટલાક મજબુત પ્રાદેશિક પક્ષો સાથે જાેડાણ કરી એનડીએ બનાવ્યું હતું પરંતુ પ્રથમ બે વખતની નિષ્ફળતા બાદ ત્રીજી વખતે અનેક કૌભાંડો વચ્ચે વડાપ્રધાન પદના ઉમેદવાર માટે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવતા ભાજપનો સિતારો ચમકી ઉઠયો હતો. નરેન્દ્ર મોદી ચુંટણી પ્રચારમાં સતત પ્રજાજનોની વચ્ચે રહી યુપીએના કૌભાંડો જાહેર કરવા ઉપરાંત કેટલીક વર્ષો જુની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપતા હતાં.

યુપીએના શાસનમાં કૌભાંડોની હારમાળા સર્જાતા નાગરિકોએ એનડીએ ઉપર અને ખાસ કરીને નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મુકી તેમને સત્તા સ્થાને બેસાડયા હતાં. વડાપ્રધાન પદ સંભાળતા જ નરેન્દ્ર મોદી પ્રથમ દિવસથી જ પ્રજાની વચ્ચે રહેવાની સાથે અનેક લોક કલ્યાણની યોજનાઓ અમલમાં મુકી હતી જેના પરિણામે નાગરિકોમાં તેઓ વધુને વધુ લોકપ્રિય બની ગયા છે.

નરેન્દ્ર મોદી સરકાર સંભાળવાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ સંપુર્ણ કમાન્ડ ધરાવે છે. પક્ષ પ્રમુખની સાથે હંમેશા તેઓ ચર્ચા કરી પક્ષના હિતમાં નિર્ણયો લે છે અને તેનું પરિણામ પણ ભાજપને મળી રહયું છે. ઉમેદવારોની પસંદગીથી લઈને સંગઠનમાં ફેરફાર કરવા સહિતની તમામ કામગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તથા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખની સંમતિથી થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ આપ્રક્રિયાને સરમુખ્તયાર શાહી ગણાવી રહયા છે અને પોતાના પક્ષમાં થતાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની પ્રક્રિયાને આંતરિક લોકશાહી ગણાવી રહયા છે.

ભારતીય જનતા પાર્ટી અત્યારે દેશમાં સૌથી મજબુત પક્ષ તરીકે ઉભરી રહયો છે અને સ્પષ્ટ બહુમતી છતાં સાથી પક્ષોને ભાજપ સાથે રાખીને આગળ વધે છે શિવસેના સહિતના કેટલાક પક્ષોએ ભાજપ સાથે છેડો ફાડયો છે પરંતુ તેનાથી ભાજપને કોઈ ફરક પડયો નથી. હાલમાં દેશના રાજકારણમાં લોકપ્રિયતાની ટોચ પર બિરાજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ટકકર લઈ શકે તેવા કોઈ જ રાજકીય નેતા જાેવા નથી મળી રહયા. કોંગ્રેસે રાહુલ ગાંધીને જવાબદારી સોંપી હતી પરંતુ નરેન્દ્ર મોદીની સામે તેઓ ખુબ જ બિનઅનુભવી સાબિત થયા છે.

રાહુલ ગાંધીની કાર્યપધ્ધતિ સામે કોંગ્રેસમાં જ સવાલો ઉઠવા લાગ્યા છે અને કોંગ્રેસની ટોચની નેતાગીરી સામે કેટલાક પીઢ નેતાઓએ આક્રોશ વ્યકત કરતા કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ વકરી રહયો છે. ગુજરાત વિધાનસભાની છેલ્લે યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસે મક્કમ લડત આપી હતી પરંતુ આ પરિસ્થિતિને જાળવી રાખવામાં પ્રદેશ નેતાઓ નિષ્ફળ નીવડયા છે.

advt-rmd-pan

કોંગ્રેસની મજબુત લડતથી ભાજપની નેતાગીરી પણ ચોંકી ઉઠી હતી અને ભવિષ્યમાં આ સ્થિતિ ન સર્જાય તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોને ભાજપમાં સમાવવા માટે તૈયારીઓ કરતા જ તેને સફળતા મળવા લાગી હતી આ કામગીરીથી રાજયસભાની ચુંટણીમાં પણ ભાજપને ફાયદો થયો છે. દુરંદેશીની નીતિ અપનાવતા ભાજપના નેતાઓ સામે કોંગ્રેસના નેતાઓ વામણા પુરવાર થઈ રહયા છે. કોંગ્રેસની ઘટતી લોકપ્રિયતાથી તથા નેતાગીરીની નબળી કામગીરીથી કાર્યકરોમાં હતાશા છવાઈ ગઈ છે.

વિધાનસભાની આઠ બેઠકો ગુમાવ્યા બાદ પક્ષમાંથી રાજીનામાનો દોર શરૂ થયો છે અને હજુ પણ વધુ રાજીનામા પડવાના છે ત્યારે ભાજપ આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં વ્યસ્ત છે તો બીજીબાજુ કોંગ્રેસ આંતરિક જુથવાદને ડામવામાં વ્યસ્ત છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાની યોજાનારી ચુંટણીમાં કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ચુંટણી લડશે પરંતુ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં થતી કામગીરી ખુબજ નબળી હોય છે. રાજકીય નેતાઓ પોતપોતાના ટેકેદારોને તથા સગા સંબંધીઓને ટિકિટો અપાવવા માટે પ્રયત્નો કરતા હોય છે અને જાે ટિકિટ ના મળે તો પક્ષ વિરૂધ્ધ પ્રવૃતિ પણ કોંગ્રેસમાં જાેવા મળતી હોય છે. વર્ષોથી ચાલતી આવતી આ પ્રવૃતિને ડામવી હોય તો ગુજરાતમાં મજબુત નેતાની જરૂર છે.

અહેમદભાઈ પટેલના અવસાન બાદ પ્રથમ વખત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીઓ કોંગ્રેસ લડવાનું છે ત્યારે કોંગ્રેસ કેવું પ્રદર્શન કરે છે તેના પર તમામની નજર મંડાયેલી છે. હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીમાં પણ ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ તમામ ઘટનાક્રમ માત્ર ને માત્ર ભાજપની વધતી જતી લોકપ્રિયતાથી સર્જાઈ રહયો છે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહયા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers