Western Times News

Latest News from Gujarat

બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી અને પત્રકાર મિલન વ્યાસના માતૃશ્રીનું દુઃખદ અવસાન

ગાંધીનગર, વેસ્ટર્ન ટાઈમ્સના ગાંધીનગરના પ્રતિનિધી મિલનભાઈ વ્યાસના માતૃશ્રી વિદ્યાબેન ઉમેશચંદ્ર વ્યાસ (ઉ.૭૩)નું શુક્રવારના રોજ ટુંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયુ છે.  વિદ્યાબેન બ્રહ્મસમાજના મહિલા અગ્રણી રહેવા સાથે માનવ સેવા ટ્રસ્ટ થકી અને સમાજીક પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યુ હતુ.

સ્વ. વિદ્યાબેન ઉમેશચ્ંદ્ર વ્યાસને તા. 14મી ડિસેમ્બરના રોજ વહેલી પરોઢે ઓક્સિજનની માત્રા ઘટી જતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. અને છેલ્લા ત્રણેક દિવસથી તેઓ વેન્ટીલેટર પર હતાં. સ્વ. વિદ્યાબેન પોતાના જીવનમાં અનેકવિધ પ્રવૃતિઓ સાથે કાર્યરત રહ્યા હતા. ગાંધીનગર બ્રહ્મસમાજના મહિલા પાખના હોદ્દેદાર રહેવા સાથે તેમણે આપેલા માનવ સેવા ટ્રસ્ટ થકી અનેક સામાજીક પ્રવૃતિઓમાં યોગદાન આપ્યું હતુ. આ સંસ્થા થકી ચલાવાતાં સ્ટેનોગ્રાફરના વર્ગોમાં તાલીમ મેળવીને આશરે 250થી વધુ ઉમેદવારોને સરકારી નોકરીઓ મળી છે.

આ ઉપરાંત આ સંસ્થા અંતર્ગત તેમણે શહેરના સંપન્ન વર્ગમાંથી કપડાં ઉઘરાવીને દૂરના અંતરિયાળ વિસ્તારોમાં વંચિતોને તેનું વિતરણ કરવા જેવા અનેક સેવાકીય કામો કર્યા હતા.  ઘણાં સમયથી વયને કારણે નિવૃત જીવન ભોગવી રહ્યા હતા. તેમના સરળ સ્વભાવ અને વિવિધ પ્રવૃત્તિઓ થકી તેમણે મહિલાઓ જ નહિં પરંતુ સમગ્ર સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા સાથે તેઓ અનેક યુવાનોની કારકિર્દી ઘડતરમાં મદદરૂપ બન્યા હતા. તેમના નિધનથી બ્રહ્મસમાજ સહિત પત્રકાર આલમમાં પણ શોકની લાગણી ફેલાઈ હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers