Western Times News

Gujarati News

૩૦ ટકા ગરીબ બાળકોને શિક્ષણ મળી રહ્યું નથી

Files Photo

અમદાવાદ: કોરોના વાયરસના કારણે માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે સ્કૂલો પણ બંધ કરવી પડી હતી અને હાલમાં પણ સ્કૂલો શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ઓછી આવક ધરાવતા ઘરોના બળકો માર્ચથી કોઈ પણ જાતનું શિક્ષણ મેળવી શક્યા નથી. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અને યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. બંને સંસ્થાઓએ મળીને ‘એક્સેસ ટુ લર્નિંગ ફોર લો-ઈન્કમ હાઉસહોલ્ડ્‌સ ડ્યુરિંગ કોવિડ-૧૯ સ્કૂલ ક્લોઝર્સ અંતર્ગત એક સર્વે કર્યો હતો.

આ સર્વે આ વર્ષે જૂલાઈથી સપ્ટેમ્બર દરમિયાન આવા ૩૭૫ ઘરના ૭૦૦ બાળકો પર કરવામાં આવ્યો હતો. આ સર્વેનો હેતુ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારોના બાળકોને અભ્યાસમાં કેવી તકલીફ પડી તે જાણવાનો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું કે ૩૦ ટકા બાળકો કોઈ પણ જાતનું શિક્ષણ મેળવી શક્યા ન હતા. જ્યારે ૩૩ ટકા વિદ્યાર્થીઓએ નિયમિત રીતે ખાનગી સ્કૂલોનું શિક્ષણ લીધું હતું. ૨૬ ટકા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલો એટેન્ડ કરી હતી.

સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે આ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં લાંબો સમય વિક્ષેપ પડ્યો છે અને તેમને સ્કૂલોમાં લાવવા માટે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. આ અભ્યાસ આઈઆઈએમએના પ્રોફેસર અંકુર સરીન અને રિસર્ચ એસોસિયેટ્‌સ અને ઈન્ટર્નની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. રિમોટ લર્નિંગ સૌથી મોટો પડકાર છે.

રિમોટ લર્નિંગ માટેના સાધનો અને રિસોર્સનો અભાવ હોવાથી તે મોટો પડકાર છે. ૬૦ ટકાથી ઓછા પરિવારો ૪જી સુવિધા સાથેના સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકોને વારંવાર ઈન્ટરનેટ રિચાર્જ કરવું તથા એકથી વધુ બાળકો હોય તેવામાં પ્રત્યેક બાળકને સ્માર્ટફોન પૂરો પાડવો શક્ય નથી. બીજી એક સમસ્યા એ છે કે ૩૦ ટકા જેટલા બાળકોને કોઈ પ્રશ્નો હોય તો તેઓ શિક્ષકોને મળી શકે તેવી કોઈ સુવિધા નથી. તમામ બાળકોમાંથી ૭૦ ટકા બાળકો ટેક્સ્ટ મેસેજ દ્વારા એસાઈન્મેન્ટ મેળવે છે

જ્યારે ૩૦ ટકા વિદ્યાર્થીઓ લાઈવ સ્ટ્રીમિંગ ક્લાસ દ્વારા એસાઈન્મેન્ટ મળે છે. ઘણા વાલીઓને ખાનગી સ્કૂલોની ફી ચૂકવવામાં મુશ્કેલીપડી રહી છે. સરકાર દ્વારા વાલીઓને ફી ચૂકવવા માટે રાહત આપવાનો આદેશ કર્યો હોવા છતાં ખાનગી સ્કૂલોમાં જેમના બાળકો અભ્યાસ કરે છે તેમાંના અડધાથી વધારે વાલીઓને સ્કૂલો દ્વારા બાકીની ફી ચૂકવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જે લોકોને મુશ્કેલી પડી રહી છે તેમાંથી અડધા વાલીઓને સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે, તેમ સર્વેમાં નોંધવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.