Western Times News

Gujarati News

ગોલ્ડન બ્રીજ ઉપર નર્મદા મૈયા બ્રિજની કામગીરીને કારણે કસક ગરનાળુ બંધ

રોજના સરેરાશ ૧૦ હજાર થી વધુ વાહન ચાલકોનું અંતર વધશે : કસકથી સ્ટેશન અવરજવર માટે તમામ વાહનોએ ભૃગુઋષી ફ્લાયઓવરનો કરવો પડશે ઉપયોગ

ભૃગુઋષિ ફ્લાયઓવર પર એક મહિનો ટ્રાફિક ડાયવર્ટ થશે તો ચક્કજમના દ્રશ્યો સર્જાશે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજને સમાંતર નર્મદા મૈયા ચારમાર્ગીય બ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે.ભરૂચ તરફના વાયડકટ પોર્શનના ડાઉનરેમ્પની કામગીરી પ્રગતિમાં હોય.જેમાં પાઈપ ફાઉન્ડેશનનું કામ કસક નાળાની મધ્યમાં શરૂ કરવાનું થાય છે .

કસક નાળું કે જેની નીચેથી વધુ પ્રમાણમાં વાહનોની અવર – જવર રહેતી હોય ટ્રાફિકની સમસ્યા અને કોઈ જાન હાનિ ન થાય તે હેતુસર સદર રસ્તાને ભારે મોટા વાહનો જેવા કે બસ,ટ્રક,ટ્રેલર તથા અન્ય નાના – મોટા વાહનો વિગેરે માટે બંધ કરવાની જરૂર જણાતી હોય તથા આ કામગીરી સંભવિત એક માસ સુધી ચાલનાર છે.તેમ કાર્યપાલક ઈજનેર ભરૂચે જણાવેલ છે.જે અન્વયે પોલીસ અધિક્ષકના પત્રથી જરૂરી અભિપ્રાય આપી રૂટ ડાયવર્ઝન અપાયેલ છે.

ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.એમ.ડી.મોડીયા એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૩૩  (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ ૨૧ ડિસેમ્બર થી ૧૯ જાન્યુઆરી દિન -૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસકનાળાને ભારે વાહનો જેવા કે બસ,ટ્રક,ટ્રેલર તથા અન્ય નાના – મોટા વાહનો વિગેરે માટે બંધ કરવા હુકમ કર્યો છે.
કસક રેલવે ગરનાળુ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

૩૦ દિવસ માટે કસક રેલવે ગરનાળુ બંધ થતાં અંદાજીત ૧૦ હજાર થી વધુ વાહનોએ ભરૂચ રેલવે સ્ટેશનથી કસક કે કસક થી રેલવે સ્ટેશન જવા માટે ૫ કિલોમીટર જેટલો ફેરો ફરવો પડશે જેથી અંતર વધવા સાથે જ તમામ પૂર્વ-પશ્ચિમ ભરૂચનું ટ્રાફિક ભારણ ભૃગુ ઋષિ ભોલાવ ફ્લાય ઓવર પર આવતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે.

ડાયર્વઝન કરાયેલા રૂટ…
કસક સર્કલ થી સ્ટેશન સર્કલ તરફ જતાં વાહનો – કસક સર્કલ થઈ શીતલ સર્કલ થી કોલેજ રોડ થઈ (ભૃગુઋષિ) ભોલાવ ઓવર બ્રીજ થી પોલીટેકનીક સ્કુલ થી રટેશન ત૨ફ જઈ શકાશે.એવી જ રીતે સ્ટેશન સર્કલ તરફ થી કસક સર્કલ તરફ આવતાં વાહનોની અવર – જવર બંધ થતાં- સ્ટેશન સર્કલથી ગોદી રોડ થઈ પોલીટેકનીક સ્કુલ થી ભૃગુઋષિ ભોલાવ ઓવર બ્રીજ થઈ શીતલ સર્કલ થી કસક સર્કલ તરફ અવર – જવર કરી શકાશે. જાહેરનામા માંથી એબ્યુલન્સ વાનને મકિત આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.