Western Times News

Gujarati News

દમ-શ્વાસ-બ્રોંકાઇટીસના રોગની વિચિત્રતા

9825009241

આપણાં દેશમાં દમ રોગ જે બ્રોંકીયલ અસ્થમાં તરીકે ઓળખાય છે તેનું પ્રમાણ પુખ્તવયની વ્યક્તિઓમાં ૪ થી૭% છે. જ્યારે બાળકોમાં દમનું પ્રમાણ પુખ્તવયની વ્યક્તિ કરતા બમણું છે. સ્ત્રીઓ અને પુરુષોમાં દમની અસર સરખાં પ્રમાંણમાં જાેવા મળે છે. ધુળ, ધુમાડો, પ્રદૂષણ વધારે હોય એવા સ્થળ ઉપર રહેતી વ્યક્તિઓએ પોતાના નાક, મોં તથા કાન ઉપર માસ્ક પહેરવો જાેઇએ અથવા પતલું કપડું લગાવવું જાેઇએ. મારે ત્યાં આવતી ઘણી વ્યક્તિઓની ફરિયાદ છે કે ચીવટ રાખવા છતાં શ્ર્‌વાસની બિમારી થઇ જાય તો તેઓ માટે સહુથી પ્રાથમિક બાબત એ છે કે કફને ફેફસામાંથી બહાર કાઢવો.

ક્રોનીકબ્રોંકાઇટીસમાં સતત ધૂમ્રપાનથી શ્ર્‌વાસનાળીની શાખામાં સોજાે આવી શ્ર્‌વાસનળી સાંકળી થઇ જાય છે. ધુમ્રપાનને લીધે આ રોગ દિન પ્રતિદિન વધતો જ જાય છે. ધુમ્રપાન કરનાર લગભગ બધીજ વ્યક્તિઓને આ રોગ થાય છે. કેમીકલ ફેકટરીમાં કામ કરતાં કારીગરો, મિલ કામદારો, કોલસાની ખીણમાં કામ કરતાં કામદારો જેઓ જુદા જુદા રજાેટીના સંપર્કમાં આવવાથી આ રોગ થઇ શકે છે. ખેતરમાં કામ કરતાં મજૂરોમાં પણ આવા લક્ષણો જાેવા મળે છે. ગામડામાં મહિલાઓ રસોઇ માટે લાકડા, છાંણા, કોલસા, કેરોસિન વાપરે છે તેઓમાં પણ આ રોગ જાેવા મલે છે. શહેરોમાં વાહનોને લીધે થતું પ્રદુષિત વાતાવરણ પોલ્યુશનથી પણ આ રોગ થવાની સંભાવના રહે છે.

શ્ર્‌વાસના રોગોનું મૂળ કારણ તમારા ઘરમાં જ હોય છે. જેમકે, ધૂણી, ધુળ, રજકણ ઉડવા, ગંધ, હવામાનમાં ફેરફાર અને અહિત સેવન વિગેરે. જાે ઘરમાં લાંબા સમય સુધી ભેજ રહેતો હોયતો ભેજવાળી જ્ગ્યામાં ફંગસ-ફૂગ બેક્ટેરીયા પેદા થાય છે. આ સજીવો શ્વાસોશ્વાસમાં જાયતો એલર્જીથી થતા રોગો પેદા કરે છે. માટે ભેજ દૂર કરવો. ભારે કસરત, ઠંડી હવા, ભેજવાળી હવા, માનસિક તાણ, ચિંતા, ગુસ્સાને લીધે પણ આ રોગ થઇ શકે છે. ઘરમાં સાફસૂફી માટે વપરાતાં એસિડ, ફિનાઇલ જેવી કેમીકલ જંતુનાશક દવાઓ,પ્રસાધનનાં સાધનો, કપડાં ધોવાનો પાવડર, સાબુ વિગેરેમાંના કેટલાક કેમીકલ્સ વ્યક્તિને એલર્જીના રોગો પેદા કરવા માટે કારણભૂત હોય છે. ઘરમાં વપરાતી લોખંડની પાઇપ, પાણી ભરવાની ટાંકી, જે જૂના હોય તો તેમાં એસ્બેસ્ટોસનું પ્રમાણ વધુ હોય છે. જે પણ એલર્જીના રોગો પેદા કરી શકે. ટૂંકમાં વ્યક્તિ પોતાના ૯૦% સમય ઘરમાં અને વ્યવસાયના સ્થળે પસાર કરે છે. આ સ્થળો ઉપર દર્શાવેલા કારણો અને પરિસ્થિતિ એલર્જીથી થતા રોગો માટે જવાબદાર હોઇ શકે.

થોડા સમય પહેલા એક દર્દી સૂકી ખાંસી માટે મારી ક્લિનિકે બતાવવા આવ્યો ત્યારે તેને અસહ્ય ખાંસી આવતી હતી. ખાંસીને લીધે બોલી શકતો ન હતો. મોઢું લાલચોળ થઇ ગયું હતું. આંખમાંથી પાણી આવી ગયું હતું. તે સૂકી ખાંસીથી એટલો બધો હેરાન થઇ ગયો હતો કે વાત ના પૂછો. તેને છેલ્લા ઘ મહિનાથી ખાંસી આવતી હતી. ઘણા એન્ટીબાયોટીક્સના કોર્સ કર્યા, કફસીરપ પીધા પણ ફેર પડતો ન હતો. તેને તપાસતા અને હિસ્ટ્રી જાેતા તેનાં ઘરમાં છેલ્લા ત્રણ મહિનાથી સુથારીકામ અને કલરકામ ચાલતું હતું. તેને આ એલર્જીક બ્રોંકાઇટીસ થવાનું કારણ ઘરમાં ચાલતુ હતુ.

આવી જ રીતે ૧૦ વર્ષથી એક બેન પણ સૂકી ખાંસીથી પીડાતી હતી. તેને પણ એંટીબાયોટીક્સના કોર્સ કર્યા પણ ફેર ન હતો. એક મોડી રાત્રે તેના પપ્પાનો ફોન આવ્યો કે તેમની દીકરીને સૂકી ખાંસી ખાઇને બેવડ વળી ગઇ છે. તેને ફોન પર સલાહ આપતા કહ્યુ કે આજની રાત કોઇ સગા કે પડોસીના ઘરે સૂવા લઇ જાવ. આ સલાહથી તેને ૬૦% ફાયદો જણાયો. તેની હીસ્ટ્રી બીજા દિવસે જાેતા માલૂમ પડ્યું કે તેણીએ પોમેરીયન કુતરુ પાડ્યું છે અને તેની સાથે રમતા તેના સંપર્કમાં આવતી રૂંવાટીથી તેને સૂકીં ખાંસી આવતી અને તેણી એલર્જીક બ્રોકાંઇટીસની ભોગ બની હતી અને કૂતરાને ઘરમાંથી દૂર કરતાં ખાંસી ઓછી થઇ ગઇ.
આ રોગ એક વાર લાગુ પડયા પછી હંમેશ માટે ચાલુ રહેતો નથી. અવારનવાર હુમલો થાય છે અને આપોઆપ કે સાદાસીધા ઉપચારોથી પણ શાંત થઇ જાય છે.

આ રોગનો હુમલો એકાએક થાય છે તેથી એક જ મિનિટ પહેલાં તો સાજાેસારો લાગતો માનવી બીજી મિનિટે શ્વાસની મૂંઝવણથી તરફડતો થઇ જાય છે. આવા હુમલા કોઇને રોજબરોજ, કોઇને પંદર દિવસે ને કોઇને મહિનામાં એક વખત થાય કે વર્ષે પણ થાય, કોઇને અમુક ઋતુમાં તો કોઇને અમુક વર્ષો સુધી હેરાન કર્યા પછી શરીર સુધરવાથી, હવાફેરથી અથવા બીજા કોઇ કારણથી આરોગ સારો થઇ જાય છે. જાણેકે શ્વાસનો ઉપદ્રવ હતો જ નહીં પણ વળી પાછો દસ પંદર વર્ષે હુમલો થ્ઇ આવે છે. આ છે આ રોગની વિચિત્રતા !!

આ રોગમાં લોહીની તપાસમાં ઇઓસીનોફિલ વધેલા હોય છે. જ્યારે દમ-શ્વાસના રોગોમાં હોતા નથી. દમ શ્વાસના દર્દીમાં શ્વાસનો ઉપદ્રવ મુખ્ય હોય છે. ખાંસી ઉધરસ સાથે કફના ગળફા પડે છે. અથવા તો માત્ર વેગવાન શ્વાસનો ઉપદ્રવ જ હેરાન કરે છે.

advt-rmd-pan

જે દર્દીઓને વારંવાર હુમલો થાય છે. તેમના જ શબ્દોમાં વર્ણવીએતો તેઓ એમ કહેતા હોય છે કે દમ ચડતા અગાઉ ખબર પડી જાય છે કે હવે દમ ચડશે અને તે વખતે પરસેવો થવા માંડે યા તો પેટ જરા ભારે લાગે. સાધારણ અકળામણ જેવું લાગે. આવું થયા પછી છાતી પર ધીમે ધીમે દબાણ જેવું લાગે, જે વધતુ જાય અને પહેલા શ્વાસલેવામા તકલીફ પડે પણ જ્યારે બરાબર હુમલો થાય ત્યારે શ્વાસ લેવા કરતાં કાઢવામાં ખૂબ તકલીફ પડે અને રાતમાં ઊંઘમાં પણ હુમલો થાય, પરસેવો ખૂબ થાય અને બેઠા થઇ જવું પડે અને શ્વાસ લેવામા અને કાઢવામાં એટલી બધી તકલીફ અને મૂંઝવણ થાય કે દર્દી રાહત મળે એવી આશાએ બારી પાસે દોડી જાય અને શ્વાસ લેવા લગભગ લડાઇ જેવુંજ કરે છે.

ગળાના સ્નાયુઓ પણ ખૂબ સંકોચાઇ જતા શ્વાસમાં વૃધ્ધિ કરે છે. ઘણી વાર શરીરનો રંગ ભૂરો પડી જાય છે અને હાથપગ ઠંડા થઇ જાય છે અને ધીમે ધીમે હુમલાનું જાેર ધીમુ થતું જાય છે, શ્વાસ લેવામાં રાહત થાય અને થોડી ઉધરસ સાથે ગળફા બહાર નીકળે અને ધીમે ધીમે પાછું પૂર્વવત થઇ જાય. હુમલાને અંતે થાકી ગયેલો દર્દી પાછો સૂઇ પણ જાય. આવો હુમલો થોડી મિનિટો ચાલે પણ આગળ વધતા આવો હુમલો ઘણી વાર કલાકો અને દિવસો સુધી પણ લંબાય છે.

ક્યારેક આવો હુમલો ખતરનાક બની જાય છે. જ્યારે હુમલો શમી જાય છે ત્યારે દર્દી એકદમ પૂર્વવત થઇ જાય છે અને જાેનારને ખ્યાલ પણ ના આવે કે થોડા સમય પહેલાં દર્દી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો હતો. પણ હુમલો ના હોય એ સમયે પણ તેની યાદ માત્ર જ દર્દીના ગાત્રોશિથિલ કરી નાખે છે અને એટલેજ દમના દર્દીઓમાં આ રોગની થોડી ઘણી માનસીક અસર પણ દેખાય છે. પરંતુ મને હંમેશા ખાતરી થઇ છે કે માનસિક અસર એ કારણ નથી. પણ વારંવાર આવતા દમના હુમલાનું પરિણામ માત્ર જ છે.

ઉપચારઃ જેના માટે અરડૂસી, ભોરીંગમૂળ જેવા દ્રવ્યોનો ઉપયોગ મદદરૂપ બની રહેશે. એલર્જીક અથવા ક્રોનીકબ્રોંકાઇટીસ માટે શિયાળા, ચોમાસામાં તથા ઋતુ બદલાતી હોય તેવા સમયમાં નીચેના ઔષધોના મિશ્રણથી બનતું ઔષધ ઉત્તમ છે. શ્રુંગીકરફળચૂર્ણ ૧ ભાગ, શિબાસિંદુર ૧/૪ભાગ, દમન મિશ્રણ ૧ભાગ, પીળોશ્ર્‌વાસકુઠાર રસ ૧ભાગ, સોમકલ્પ ચૂર્ણ ૧ભાગ મિશ્રણ કરી બનતો પાવડર દમ શ્ર્‌વાસ માટે, એલર્જીક ક્રોનીક બ્રોંકાઇટીસ માટે તથા સ્નીઝીંગ (છીંકો તથા નાકમાંથી પાણી પડવું) દૂર કરવામાટે અકસીર અને અસરકારક છે. સૂકી ખાંસી દૂર કરવા માટે સ્પે.હરિદ્રાયોગ તથા કાસવિજયચૂર્ણ બન્ને નું યોગ્ય પ્રમાણમાં કરેલ આ મિશ્રણ ઉત્તમ ઔષધ છે. યોગ્ય પ્રમાણમાં કફહર કવાથ રાત્રે પલાળી સવારે કવાથ વિધિથી સિધ્ધ કરી ઉકાળી ગાળી પીવો.

પીળો શ્વાસકુઠાર, શુધ્ધ મનઃશીલ, કાળા મરી સમભાગે લઇ, વાટી બારીક ચૂર્ણ કરી, બાટલી ભરી લેવી. ૧૨૦.મિ.ગ્રામ થી ૨૪૦ ગ્રામ ત્રણ વખત મધ સાથે લેવાથી શ્વાસનો હુમલો થતો નથી અને તેની ફ્રિકવન્સી ધીરે ધીરે ઘટી જાય છે. ઉપરોક્ત નિર્દોષ દવાના સેવનથી ઘણા દર્દીઓમાં લાંબા સમય સુધી આ રોગનો હુમલો જણાયો નથી એવો અનુભવ અમે આવા કેસોમાં કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.